તરોતાઝા

કાબુલની કિસમિસ જ નહીં કાબુલી ચણાનો સ્વાદ દાઢે વળગે તેવો છે

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

કાબુલની કિસમિસનો સ્વાદ માણ્યો હોય તેમને બીજી કિસમિસનો સ્વાદ જરા ફિક્કો જ લાગે. તેવી જ રીતે કાબુલી ચણાનો સ્વાદ જેમને દાઢે વળગે તેઓ તેનો સ્વાદ વારંવાર માણવાનું પસંદ કરતાં હોય છે. કાબુલી ચણા ભારતમાં તો તહેવાર હોય કે લગ્નપ્રસંગમાં આગવું સ્થાન ધરાવે છે. કાબુલી ચણા દેખાવમાં સફેદ જોવા મળે છે. વળી પૌષ્ટિક્તાની વાત કરીએ તો કાબુલી ચણામાં સ્વાસ્થ્યનો ખજાનો સમાયેલો જોવા મળે છે. કઠોળમાં ત્રણ પ્રકારના ચણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં લાલ ચણા, લીલા ચણા તથા કાબુલી કે સફેદ ચણાનો સમાવેશ થાય છે. સફેદ ચણા દેખાવમાં લીલા તથા લાલ ચણાની સરખામણીમાં થોડાં મોટાં હોય છે. સામાન્ય રીતે ચણા માટે એવું કહેવાય છે કે ચણા ખાવાથી વ્યક્તિમાં ઘોડા જેવી તાકાત આવે છે. તેથી જ ચણાને ‘ગરીબોની બદામ’ કહેવામાં આવે છે. શારીરિક સૌષ્ઠવને મજબૂત બનાવવા માટે યુવાનો લાલ ચણાનો ઉપયોગ ભરપૂર માત્રામાં આહારમાં કરતાં જોવા મળે છે. લાલ ચણાને ફણગાવીને પણ ખાવામાં આવે છે. જેને કારણે તેમાં પૌષક ગુણો વધી જાય છે. કાબૂલી ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન તથા મિનરલનું પ્રમાણ સમાયેલું જોવા મળે છે. તેમાં થાયમિન, નિયામિન, પેન્ટોથેનિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, તથા ફોલિક એસિડ સમાયેલાં છે. કાબૂલી ચણાનું વૈજ્ઞાનિક નામ ‘સાઈસર એરિટિનમ’ છે. કાબુલી ચણા ફેબૈસી પરિવારમાં ગણાય છે. ચણાનો ઉપયોગ ભારતીય ભોજનમાં ઘેર-ઘેર થતો જોવા મળે છે. તેનું શાક, આમટી, ફલાફલ, પેટિસની,છોલે સમોસા, છોલે પુલાવ, હમસમાં તેનો ઉપયોગ થતો હોય છે. ચાલો જાણી લઈએ કાબુલી ચણાના સ્વાસ્થ્યવર્ધક લાભ.

શરીરને ઊર્જા પ્રદાન કરે છે

કાબુલી ચણામાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર સમાયેલું હોય છે. કાબુલી ચણાનું સેવન એક વખત કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેનું મુખ્ય કારણ તેમાં લોહતત્ત્વની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. કાબુલી ચણામાં લગભગ ૧૨થી ૧૫ ગ્રામ પ્રોટીન સમાયેલું હોય છે. વળી કૉપરની માત્રા હોવાથી શરીરમાં લોહીની ઊણપ જોવા મળતી નથી. સગર્ભાવસ્થામાં કાબૂલી ચણાનો ઉપયોગ ગુણકારી ગણાય છે.

વાળ તથા ત્વચા માટે ગુણકારી

વાળ ખરતાં હોય કે વાળમાં ખોડો વારંવાર થતો હોય ત્યારે કાબુલી ચણાનું સેવન કરવાથી સમસ્યા મહદ અંશે ઓછી થવા લાગે છે. વળી શુષ્ક ત્વચાને ચમકદાર કરવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિઓએ આહારમાં કાબૂલી ચણાનું સેવન કરવું જોઈએ. તેનું મુખ્ય કારણ ચણામાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વળી પ્રોટીન તથા વિટામિનનો ખજાનો ચણામાં હોવાને કારણે શરીરની સંપૂર્ણ તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. જે લાંબે ગાળે ત્વચાની તંદુરસ્તી જાળવવામાં તથા તેની ચમક વધારવામાં ઉપયોગી બને છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી

ડાયાબિટીસના દર્દમાં કાબૂલી ચણાનું સેવન લાભદાયક ગણાય છે. તેનું મુખ્ય કારણ ચણામાં સમાયેલી ફાઈબરની માત્રા છે. એક કપ કાબૂલી ચણામાં ૧૨.૫ ગ્રામ ફાઈબરનું પ્રમાણ સમાયેલું હોય છે. જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ કાબૂલી ચણાનું સેવન અચૂક પ્રમાણભાન રાખીને નિયમિત કરવું જોઈએ. ચણાનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ કરતાં રાજ્યોમાં મધ્ય પ્રદેશ પ્રથમ ક્રમાંક ધરાવે છે. ટકાવારીની દૃષ્ટિએ કુલ ઉત્પાદનના ૨૫ ટકા હિસ્સો પાકે છે. બીજા ક્રમાંકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત જોવા મળે છે.

ફાઈબરનું પાવર હાઉસ ગણાય છે

વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિઓએ આહારમાં ફાઈબરની માત્રા વધારવી જોઈએ. મર્યાદિત માત્રામાં ભોજન કરવાં છતાં લાંબો સમય ભૂખથી બચી શકાય છે. વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી. જેને કારણે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ચણાના સેવનને કારણે જળવાઈ રહે છે.

સ્તન કેન્સરના ખતરાને ઘટાડવામાં મદદરૂપ

કાબૂલી ચણામાં સૈપોનિયન નામક એક ફાઈટોકેમિકલ જોવા મળે છે. જે શરીરમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનું કામ કરે છે. આ ફાઈટોકેમિકલ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાના ખતરાને મહદઅંશે નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વળી ઑસ્ટિયોપોરોસિસના ખતરાને ઘટાડવામાં મદદ કરે છે. સ્તનપાન કરાવતી માતા માટે ચણાનું સેવન ગુણકારી ગણાય છે. મોસમને ધ્યાનમાં રાખ્યા બાદ ચણાનું સેવન કરવું હિતાવહ ગણાય છે. જેથી ગેસ, અપચાની સમસ્યાથી ગર્ભાવસ્થા બાદ થતી સમસ્યાથી બચી શકાય.

બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી

બ્લડપ્રેશરની સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ કાબૂલી ચણાનો આહારમાં ઉપયોગ નિયમિત રીતે કરવો જોઈએ. એવું કહેવાય છે કે હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે રોજ લગભગ ૪૭૦૦ મિલિગ્રામ પોટેશિયમની શરીરને આવશ્યક્તા હોય છે. એક કપ કાબૂલી ચણામાં ૪૭૪ મિલિગ્રામ પોટેશ્યિમનું પ્રમાણ જોવા મળે છે. આમ ચણામાં પોટેશ્યિમ તથા મૈગ્નેશ્યિમનું પ્રમાણ સારી માત્રામાં સમાયેલું જોવા મળે છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે.

પુરુષો માટે અત્યંત ગુણકારી

કાબૂલી ચણા પુરુષો માટે અત્યંત લાભદાયી ગણાય છે. નિષ્ણાત આયુર્વેદાચાર્યોના મત મુજબ કાબૂલી ચણાનું સેવન કરવાથી શરીરસૌષ્ઠવ મજબૂત બને છે. વળી ફણગાવેલાં ચણાનું સેવન અતિ ઉત્તમ ગણવામાં આવે છે. શરીરને શક્તિ પ્રદાન કરે છે. વીર્યબળ વધારવામાં કાબુલી ચણા અત્યંત ઉપયોગી સાબિત થયા છે.

પિંડી છોલે બનાવવાની રીત

સામગ્રી : ૨૫૦ ગ્રામ પલાળેલાં કાબુલી ચણા, ૧ ચમચી ચા પત્તી, ૧ ટુકડો તજ, ૪ નંગ મરી, ૨ નંગ મોટી ઝીણાં સમોરલાં મરચાં, ૧ મોટી ચમચી આદુની કતરણ, ૧ નાનો કાંદો ઝીણો સમારેલો, ૧ નાની ચમચી આદુ-લસણની પેસ્ટ, ૧ મોટો વાટકો ટમેંટાંને ઝીણાં સમારેલાં, વઘાર માટે તેલ, જીરૂ, હિંગ, સ્વાદાનુસાર ધાણાજીરૂ, ગરમ મસાલો, ૧ ચમચી છોલે મસાલો, સજાવટ માટે કોથમીર.
બનાવવાની રીત : સૌ પ્રથમ ૧ વાટકો કાબુલી ચણાને બરાબર સાફ કરીને ૫-૬ કલાક માટે હૂંફાળા પાણીમાં પલાળીને રાખવા. બરાબર પલળી જાય એટલે તેને બાફવા માટે પ્રેશર-કુકરમાં મૂકવા. એેક મલમલના કપડાંમાં એલચી-તજ, મોટી એલચી, મરીદાણા, ૧ ચમચી ચા પત્તી વગેરે બાંધીને પોટલી બનાવીને ગોઠવવી. ૩-૪ સિટી વગાડીને ધીમી આંચ ઉપર ચડવા દેવું. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેમાં જીરૂ ભેળવીને બે મિનીટ હલાવી લેવું. કાંદા-આદું-લસણની પેસ્ટ ભેળવીને ધીમી આંચે સાંતળવું. ત્યારબાદ તેમાં ઝીણાં સમારેલાં ટમેટાં ભેળવીને બરાબર પકાવવું. ગરમ મસાલો, ધાણાજીરૂ, છોલે મસાલો વગેરે ભેળવીને ૨ ચમચી પાણી ભેળવીને પકાવવું. હવે તેમાં બાફેલાં કાબુલી છોલે ભેળવીને ધીમી આંચ ઉપર પકાવવું. (છોલેમાં ગોઠવેલી પોટલી એક બાજુ કાઢી લેવી.) સ્વાદાનુસાર મીઠું ભેળવવું. ધીમી આંચ ઉપર ૧૦ મિનિટ પકાવવું. છોલે મસાલો, કોથમીર, આદુંની કતરણ તથા લીલા મરચાંથી સજાવીને પિંડી છોલે પરાઠા સાથે ગરમાગરમ પીરસવાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?