2036ની ઑલિમ્પિક્સ અમદાવાદમાં રાખવા ભારતનો સત્તાવાર દાવો

નવી દિલ્હીઃ ભારતે વર્ષ 2036ની ઑલિમ્પિક ગેમ્સ અમદાવાદ (Ahmedabad)માં રાખવા સત્તાવાર દાવો કર્યો છે. 11 વર્ષ પછીની ઑલિમ્પિક્સ (Olympics) માટેની રેસમાં ભારતે હવે સત્તાવાર રીતે ઝુકાવ્યું છે. ઉચ્ચ-સ્તરિય ભારતીય પ્રતિનિધિમંડળ (Delegation) મંગળવારે ઑલિમ્પિક ગેમ્સના સત્તાધીશોને મળ્યા હતા અને ભારત વતી રજુઆત કરી હતી.
દર ચાર વર્ષે યોજાતી ઑલિમ્પિક્સનું સંચાલન કરતી ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (IOC)ના અધિકારીઓને સ્વિટઝરલૅન્ડના લૉસેનમાં મળેલા ભારતીય પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય ખેલકૂદ મંત્રાલયના અધિકારીઓ, ગુજરાતના ખેલકૂદ પ્રધાન હર્ષ સંઘવી (HARSH SANGHVI) તેમ જ ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન (આઇઓએ)નાં પ્રમુખ અને ભારતીય ઍથ્લેટિક્સનાં લેજન્ડ પી. ટી. ઉષા (PT USHA)નો સમાવેશ હતો.
આપણ વાંચો: છેલ્લે 1900ની સાલની ઑલિમ્પિક્સની ક્રિકેટમાં જાણો છો, કોણે કોને હરાવ્યું હતું?
ભારત 2036માં અમદાવાદમાં સમર ઑલિમ્પિક ગેમ્સ રાખવા માગે છે એવું આ ટોચના અધિકારીઓએ આઇઓસીને સત્તાવાર રીતે જણાવ્યું હતું.
ભારત અગિયાર વર્ષ પછીની ઑલિમ્પિક ગેમ્સ પોતાને ત્યાં (ખાસ કરીને અમદાવાદમાં) યોજવા માગે છે એ બાબતમાં કેન્દ્ર સરકાર તરફથી ઘણા વર્ષોથી વિશ્વ સ્તરે સકારાત્મક અભિગમ સાથે કહેવામાં આવ્યું અને હવે ચર્ચાનો સમય આવ્યો એટલે આઇઓસી સમક્ષ ભારતે સત્તાવાર રીતે પોતાનો દાવો રજૂ કર્યો છે.
2032ની ઑલિમ્પિક્સ ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાવાની છે અને ભારતે એના ચાર વર્ષ પછીના ઑલિમ્પિક રમતોત્સવ માટે અમદાવાદનું નામ આગળ કર્યું છે.
આઇઓસીના અધિકારીઓ સાથેની મીટિંગ બાદ ભારતીય અધિકારીઓને અમદાવાદમાં ઑલિમ્પિક્સ રાખવા બાબતમાં નરેન્દ્ર મોદી સરકારનું જે વિઝન છે એ વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે.