રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ફરી શરૂ, ફ્લાઇટ બુકિંગ ટૂંક સમયમાં

રાજકોટ: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતની સરહદ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલું રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી એટલે કે સોમવાર, 12 મે, 2025થી ફરી શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ આ એરપોર્ટને 15 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં શરૂ થશે બુકિંગ
તણાવ ભર્યા સંબંધોની વચ્ચે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત અને હાલ દેશમાં સામાન્ય પરિસ્થિતિનું નિર્માણ થતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેસેન્જર ફ્લાઇટ માટે એરપોર્ટને આજથી જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં જ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફ્લાઇટ સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
ગુજરાત હતું હાઇ એલર્ટ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ભારતના ઓપરેશન સિંદૂરને લઈને કરવામાં આવેલા હુમલા બાદ ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા અને પોરબંદર એરપોર્ટની સાથે રાજકોટનું હિરાસર એરપોર્ટ પણ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક હુમલાને જડબાતોડ જવાબ આપીને નિષ્ફળ બનાવ્યા હતા.
આપણ વાંચો: અમદાવાદના રિવરફ્રન્ટ પર બદલાશે નજારો: સાબરમતી નદી સુકાશે, જાણો કારણ
સરકારી કર્મચારીઓની રજા અંગે લેવાશે નિર્ણય
ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સતર્ક થયેલી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા. જે અંતર્ગત ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી રાજ્યના તમામ વિભાગો અને તેમની હસ્તકની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરવાનો આદેશ કર્યો હતો. જો કે હાલ પરિસ્થિતિ સામાન્ય થતાં રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની રદ કરવામાં આવેલી રજાઓ અંગે પણ આજે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.