મેટિની

આગલા શુક્રવારે હીરો, પછીના શુક્રવારે ઝીરો !

ફોકસ -અભિમન્યુ મોદી

બધા ઓલ રાઉન્ડર નથી હોતા. બેટિંગમાં વિક્રમોની વણઝાર કરનાર બોલિંગમાં શૂન્ય સમાન હોય શકે. સફળતાપૂર્વક ફેક્ટરી ચલાવનાર સંચાલક સામાન્ય નોકરીમાં નિષ્ફળ થઇ શકે. ફિલ્મોમાં પણ એવું જ છે. અહીં પહોંચ્યા, હવે આગળ વધવાનું શું? ‘યે કર લિયા તો વો ભી કરેંગે.’ એ જુસ્સામાં જ ઘણા ફિલ્મ કલાકારો પોતાની કલાને પુરવાર કરી ચૂક્યા, તેને છોડીને અન્ય ક્ષેત્રમાં યા હોમ કરી ઝંપલાવતા હોય છે.

ફિલ્મી દુનિયામાં ઘણા કલાકારો સંઘર્ષ કર્યા બાદ ક્યારેક અપ્રતિમ તો ક્યારેક સરેરાશ સફળતા મેળવતા હોય છે. વડીલો કહી ગયા છે, ‘મન માંકડું છે. કૉમેડીમાં નામ થાય એટલે ગંભીર ચરિત્ર નિભાવવાની ઈચ્છા થાય. દુષ્ટજન તરીકે સફળ થયા પછી રૂડાજનનું પાત્ર ભજવવાની ઈચ્છા થાય. સુંદર ચેહરાની ભેટ લઈને ઈશ્ર્વરે મોકલ્યા હોય અને ગાયક હોય તેવાઓને ફિલ્મી હીરો બનવાના અભરખાં જાગે. મુખ્ય નાયક રૂપે સિક્કો જામી જાય એટલે નિર્દેશક કે નિર્માતા બનવાનું સ્વપ્ન સેવાય જાય. સ્વપ્નો કે અભરખાં પૂર્ણ કરવામાં કશુંયે ખોટું નથી. પરંતુ તવારિખ કહે છે કે જોખમી તો છે જ.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હીરો તરીકે, તેમની જ એક ફિલ્મના સંવાદ પ્રમાણે; અદ્ભુત, અકલ્પનીય, અવિસ્મરણીય, અતુલ્ય અને અવિશ્ર્વસનીય સફળતા મેળવી. ફિલ્મી પડદે તેઓ આસમાને બિરાજમાન હતા. ૧૯૯૬માં બીગ બીએ એ.બી.સી.એલ. નામક એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ખોલે છે. હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં ચલચિત્રો નિર્માણ કરે છે. થોડા ટીવી શો કરે છે. મિસ વર્લ્ડનો ઇવેન્ટ મેનેજ કરે છે અને કંપનીના અંતનો પ્રારંભ થાય છે, અમિતાભ નાદારી નોંધાવવાની કક્ષાએ પહોંચી જાય છે. સમય સામે બાથ ભીડીને, અભિનયની વિલક્ષણતાના ક્રે ટેકે ફરી એક વાર આસમાન સર કરે છે.

અત્યંત સક્ષમ અને સંનિષ્ઠ ગાયક સોનુ નિગમે ટીવી શૉમાં સારું કાઠું કાઢ્યું હતું. પોતાની મહેનત અને લગનના જોરે પાર્શ્ર્વગાયનના ક્ષેત્રમાં ફિલ્મ જગતમાં મોટું નામ બની ગયા હતા. સિનેજગતના સિતારાઓ માટે તેમના કંઠનો ઉપયોગ થતો. તેમણે સ્વરબદ્ધ કરેલા ગીતોના મ્યુઝિકલ વીડિયોમાં તેઓ સફળ હતા. સોનુ નિગમને કદાચ હજી વધુ એકાદ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરવા હશે, અને તેઓ મલ્ટીસ્ટારર ફિલ્મ જાની દુશ્મનમાં’ સાઈડ હીરો તરીકે પદાર્પણ કરે છે અને મ્હોંભેર પછડાય છે; લાઈફનું લેસન શીખે છે, કે ‘હર બંદા હર કામ નહીં કર સકતા, મગર કોઈ એક કામ કર હી સકતા હૈ’ – સોનુને સમજાય છે કે ‘અપુન કી રોટી ગાને સે હી આને વાલી હૈ’.

શત્રુઘ્ન સિંહા અને વિનોદ ખન્ના, બંનેની કારકિર્દીના શ્રીગણેશ વિલનના રોલથી થયા. બેઉંએ દુર્જનના કિરદાર સુપેરે નિભાવી બતાવ્યા. એક તબક્કે તો તેમનું કામ જોઈ મુખ્ય નાયકો રાતભર જાગતા કે તેઓ બંને કરતા કઈ રીતે વધુ સારી પરફોર્મન્સ રજૂ કરવી. એઝ ડેસ્ટાઇન્ડ, બંને હીરો રૂપે આવ્યા અને ગજબ સફળતા મેળવી શક્યા.
સિત્તેરના અને એંશીના દાયકામાં ગુજરાતી ફિલ્મ જગતમાં બે હિન્દી સિતારાઓ પદાર્પણ કરે છે. પ્રથમ ગોવર્ધન અસરાની અને બીજા કિરણકુમાર જીવન ધીર. અસરાની હિન્દી ફિલ્મોમાં હાસ્ય કલાકાર તરીકે યશ કિર્તી બટોરી ચૂકેલા. ‘ખૂન પસીના’ જેવી એકાદી ફિલ્મમાં ગંભીર ચરિત્ર પણ કરી ચૂકેલા. ગુજરાતી ફિલ્મોમાં તેઓ મુખ્ય નાયક રૂપે વૃક્ષ ફરતે ગાયનો અને ક્લાઈમેક્સમાં વિલન જોડે કુસ્તી કરી સફળ ગુજજુ હીરો બની ગયા. તેમણે હિન્દી ફિલ્મમાં પણ હીરો બનવાની કોશિશ ‘ચલા મુરારી હીરો બનને’ કરી અને નિષ્ફળતાને વર્યા. કિરણકુમાર મૂળે હિન્દી ચલચિત્રોના નાયક. ત્યાં દુકાન બંધ કરવાની દુંદુભી વાગી એટલે રૂખ ગુજરાત તરફ કર્યું અને નામ-દામ કમાયા.

શક્તિ કપૂરે પોતાની કારકિર્દી ૧૯૭૭થી વિલનના રોલથી કરી અને લગભગ રોકેટ ઝડપે ફિલ્મી બજારમાં પોતાની ખાસ જગ્યા બનાવી શક્યા. વિલનની દુકાન ધમધોકાર ચાલતી હતી. અચાનક નિયતિ પડખું
ફેરવે છે અને શક્તિ કપૂરને હીરો બનવાનો મોકો મળે છે. ડિરેક્ટર બલરાજ વીજ ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘ઝખ્મી ઇન્સાન’ માં શક્તિ કપૂરને હીરો તરીકે પેશ કરે છે. ફિલ્મ આગલી રાતે ટોકિઝમાં ચઢે છે અને બીજા દિવસે સાંજ સુધીમાં ઊતરી જાય છે. ભાઈ! શક્તિ પોતાના વિલનના કીરદારો તરફ પરત ફરે છે. જમ્પિંગ જેક જીતેન્દ્ર પૈસા,

પ્રસિદ્ધિ અને પાવર મેળવ્યા બાદ એક ભૂલ કરે છે. તેઓ ૧૯૮૨માં ‘દીદાર એ યાર’ નામક ફિલ્મ નિર્માણ કરે છે અને મુસ્લિમ ડ્રામામાં સફળતાનો ઈતિહાસ ધરાવતા એચ એસ રવૈલને નિર્દેશનનો ભાર સોંપે છે. ફિલ્મ સફળ થવાના તમામ તત્વોથી તરબતર છે. શ્રેષ્ઠ સિતારાઓ, રિશી કપૂર, ટીના મુનીમ, રેખા, જીતેન્દ્ર પોતે; શ્રેષ્ઠ સંગીતકાર અને ગીતકાર છતાં પિક્ચર બોક્સ ઓફિસ પર ઘોર નિષ્ફળતાને વરે છે અને જીતુજી આર્થિક સંકડામણ અનુભવે છે. અલબત્ત, જીતેન્દ્ર ખાસ કરીને સાઉથની સંઘાડા ઉતાર ફિલ્મો કરીને ફરી સ્થિરતા મેળવે છે.

ડેની ડેનઝોન્ગ્પા મંજાયેલા તથા અનેક ફિલ્મોમાં સેક્ધડ લીડ નિભાવી ચૂકેલા અભિનેતાને ૧૯૮૦માં ફિલ્મ ડાયરેક્ટ કરવાનું મન થયું. રાજેશ ખન્નાને અને પોતાની તત્કાલીન ગર્લફ્રેન્ડ કીમને લઈને ‘ફીર વોહી રાત’ ફિલ્મ બનાવી કાઢી. સસ્પેન્સ ફિલ્મ, રાજેશ ખન્નાનો જુદા પ્રકારના રોલ, કિમનો વિચારીને કરેલો અભિનય છતાં ફિલ્મ આર્થિક મોરચે સરેરાશ રહી અને ડેનીએ નિર્દેશિત કરેલી પહેલી અને છેલ્લી ફિલ્મ બની રહી.

રણજિત અનેક ફિલ્મો પોતાના અભિનયના ઓજસ પાથરી ચૂકેલા. ફિલ્મોમાં આગમનના દોઢેક દાયકા બાદ તેમને ડાયરેક્શન કરવાનું મન થાય છે. પ્રથમ ફિલ્મ વિનોદ ખન્ના જોડે ‘કારનામા’ બનાવે છે અને તે ફિલ્મ નિર્માણ વાસ્તે ખર્ચેલા નાણા માંડ પરત મેળવી શકે છે. ફરી થોડા સમય બાદ રણજિત બમણી તાકાત એકઠી કરીને ગઝબ તમાશા નિર્માતા કમ નિર્દેશક તરીકે રજુ કરે છે, પ્રમાણમાં નવી વાર્તા, જે તે સમયની હોટેસ્ટ સ્ટારકાસ્ટ છતાં ફિલ્મ ઘોર નિષ્ફળતાના વરે છે; પરિણામ સ્વરૂપ આજે ત્રીસ વર્ષો પછી પણ રણજિતે ફરી ડાયરેક્શન કે પ્રોડ્ક્શનની હિંમત નથી કરી. મોટા ભાગના ખેરખાંઓ એક જ વાર દાઝ્યાં પછી ફરી પ્રયોગ કરવા તૈયાર નથી થયા. જોખમ નથી લીધું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure