વેપાર અને વાણિજ્યશેર બજાર

સોનામાં રૂ. ૯૨નો અને ચાંદીમાં રૂ. ૨૯નો સાધારણ ઘસરકો


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી બૉન્ડમાં વેચવાલીનું દબાણ હળવું થતાં આજે વૈશ્વિક
સોનામાં વર્ષ ૨૦૧૬ પછી સૌથી લાંબા આઠ સત્રના સતત ઘટાડાને બ્રેક લાગી હતી અને લંડન ખાતે સત્રના આરંભે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ૦.૧ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં પાંખાં કામકાજે ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૧થી ૯૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૯નો સાધારણ ઘસરકો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્ય સત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૯ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૬૭,૪૧૭ના મથાળે રહ્યા હતા.


તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જવેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ પ્રવર્તમાન શ્રાદ્ધ પક્ષને કારણે રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં હાજરમાં મધ્ય સત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૧ ઘટીને રૂ. ૫૬,૩૩૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૨ ઘટીને રૂ. ૫૬,૫૬૧ના મથાળે રહ્યા હતા.

આજે વૈશ્વિક
વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અટકતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સતત આઠ સત્રના ઘટાડાને બ્રેક લાગી હતી અને ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૧૮૨૧.૬૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ૧૮૩૫.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૫ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૧.૦૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં અમેરિકાના પેરૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવવાની સાથે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યા બાદ આજે ભાવ સ્થિર થવા મથી રહ્યા હોવાનું એક વિશ્લેષકો
જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે વિશ્વમાં સોનાના સૌથી મોટા એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં સોનાનું હોલ્ડિંગ ઘટીને ઑગસ્ટ, ૨૦૧૯ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું હતું.

હાલની બજારની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્વિક સોના માટે ઔંસદીઠ ૧૮૩૪ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરતા જણાવે છે કે આ સપાટી કુદાવતા ભાવ વધીને ૧૮૫૫ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”