લાડકી

કોમનવેલ્થ ગેમ્સ-જિમ્નેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય નારી: દીપા કર્મકાર

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય…. ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમ્નેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી તેજ પાથર્યું છે, સૂર્યની જેમ પ્રકાશી છે અને ચંદ્રની જેમ ચમકી છે….

આ દીપા કર્મકાર કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નેેસ્ટિકસ ક્ષેત્રે ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી પણ એ જ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. દીપાની સિદ્ધિને પગલે ભારત સરકારે એને ૨૦૧૫માં ‘અર્જુન’ પુરસ્કારથી, ૨૦૧૬માં રાજીવ ગાંધી ‘ખેલ રત્ન’ પુરસ્કારથી અને ૨૦૧૭માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન ‘પદ્મશ્રી’થી પુરસ્કૃત કરી છે. વર્ષ ૨૦૧૮માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી દીપાને પ્રથમ મહિલા પુરસ્કાર પણ એનાયત થયો છે !

ઓલિમ્પિક્સમાં ત્રણ પ્રકારના જિમ્નેસ્ટિક્સ દર્શાવવામાં આવ્યા છે: લયબદ્ધ જિમ્નેસ્ટિક્સ- ટ્રેમ્પોલીન અને કલાત્મક જિમ્નેસ્ટિક્સ.. રિધમિક જિમ્નેસ્ટિક્સ કદાચ બીજા ક્રમનું સૌથી જાણીતું છે. જિમ્નેસ્ટ્સ બધા એક જ ફ્લોર સાદડી પર સ્પર્ધા કરે છે, પરંતુ એ બધા એમના દિનચર્યાના ભાગરૂપે ઘોડાની લગામ, રોપ્સ, હૂપ્સ અને અન્ય સાધનોનો ઉપયોગ કરે છે. ટ્રેમ્પોલીનમાં આડાં ચોકઠા પર સ્પ્રિંગ વતી જડેલું બજાણિયાના ખેલ માટે વપરાતું કંતાન… જિમ્નેસ્ટિક્સમાં જિમ્નેસ્ટના દરેક બાઉન્સ પર ઉચ્ચ ઉડતી ફ્લિપ અને ટ્વિસ્ટ કરે છે. કલાત્મક જિમ્નેસ્ટિક્સ આકર્ષણનું કેન્દ્ર બને છે અને તે સામાન્ય રીતે જિમ્નેસ્ટિક્સનો સૌથી જાણીતો પ્રકાર છે.

મહિલા કલાત્મક જિમ્નેસ્ટિક્સમાં જિમ્નેસ્ટ ચાર ઉપકરણો- વોલ્ટ, અસમાન બાર, સંતુલન બીમ અને ફ્લોર કસરત પર સ્પર્ધા કરે છે. કલાત્મક જિમ્નેસ્ટિક્સમાં સ્ત્રી દ્વારા ફ્લોર કસરતો કરવામાં આવે છે…. આપણે જેની વાત માંડી છે એ દીપા કર્મકાર કલાત્મક જિમ્નેસ્ટિક્સની જિમ્નેસ્ટ છે !

દીપાએ કલાત્મક જિમ્નેેસ્ટિકસમાં વોલ્ટમાં મહારથ હાંસલ કરી છે. ખાસ કરીને પ્રોદુનોવા વોલ્ટમાં એ માહિર છે. પ્રોદુનોવામાં વોલ્ટિંગ હોર્સ પર એક ફ્રન્ટ હેડસ્પ્રિંગ સાથે બે સમરસોલ્ટ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં આ જમ્પમાં પગને વાળીને ઘૂંટણમાં હાથ પકડીને બે ગુલાંટી મારીને નીચે પડવાનું હોય છે.રશિયન જિમ્નેસ્ટ યેલેના પ્રોદુનોવાએ ૧૯૯૯માં સૌથી પહેલાં આ વોલ્ટ શરૂ કરી કરેલી. એના નામે આ વોલ્ટ મશહૂર બની. આ વોલ્ટનો કઠિનાઈ સૂચકાંક સાત છે, જે મહિલા કલાત્મક જિમ્નેેસ્ટિકસમાં કરાતો સર્વાધિક કઠિન ગણાય છે.

રશિયાની યેલેના પ્રોદુનોવા, ડોમિનિકની યામિલેટ પેના, મિસરની ફાદવા મહમૂદ અને ઉઝબેકિસ્તાનની ઓકસાના ચુતવિતિના ઉપરાંત ભારતની માત્ર દીપા કર્મકાર જ પ્રોદુનોવાને સફળતાથી પાર પાડી શકી છે. પ્રોદુનોવા અત્યંત ખતરનાક વોલ્ટ ગણાય છે. એનું કારણ એ છે કે કોઈ પણ જિમ્નેસ્ટ પ્રોદુનોવા કરતી વેળાએ અપંગ થઈ શકે છે. એનો જીવ પણ જઈ શકે છે. ૨૦૧૩માં ગ્રીસની ફાદવા મહમોંડ વોલ્ટ કરતી સમયે ગરદનના ભાગે પડી હતી. એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા છતાં બચી ગયેલી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જો કોઇ જિમ્નેસ્ટ માથાના ભાગે પડે તો ઘટનાસ્થળે જ એનું મોત થઇ શકે છે. આમ પ્રોદુનોવા વોલ્ટ અતિશય જોખમી વોલ્ટ ગણાય છે, પણ દીપા કર્મકારે આ ઘાતક વ્યાયામને જ પોતાનું હથિયાર બનાવ્યું છે. દીપા પ્રોદુનોવામાં પારંગત થઈ છે. મારવો તો મીર !

દીપા કર્મકારનો જન્મ ૯ ઓગસ્ટ ૧૯૯૩ના ત્રિપુરાના અગરતલામાં થયેલો. માતા ગીતા ગૃહિણી છે. દીપા માતા ગીતાની અત્યંત નજીક છે. એ માતાને પોતાનો ‘લકી ચાર્મ’ માને છે. પિતા દુલાલ કર્મકાર વેઈટ લિફ્ટિંગના ભારતના સૌથી સારા પ્રશિક્ષકોમાંના એક. દીપાનું શિક્ષણ અગરતલામાં જ થયું. અભયનગરના નજરુલ સ્મૃતિ વિદ્યાલયમાં શાળાનો અભ્યાસ પૂરો કર્યો. મહિલા કોલેજમાંથી સ્નાતક થઈ. જો કે દીપાને બાળપણથી જ જિમ્નેસ્ટિક્સમાં રસ પડતો. પિતા દુલાલે દીકરી દીપાની ક્ષમતા અને જિમનેસ્ટિક પ્રત્યેના લગાવને પારખી લીધેલો. એમણે દીકરી દીપાને દરેક બાબતમાં સહકાર આપ્યો. પરિણામે એમણે દીપા છ વર્ષની થઈ ત્યારથી જ એને તાલીમ આપવાનું શરૂ કરી દીધેલું.

દીપાએ નાની ઉંમરે જિમ્નેેસ્ટિકસનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું ત્યારે એણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડેલો. દીપાનાં પગનાં તળિયાં એકદમ સપાટ હતાં. કોઈ પણ જિમ્નાસ્ટ માટે એ સારું ન ગણાય. સપાટ તળિયાંને કારણે દીપાના કૂદકાના અને દોડવાના પ્રદર્શનમાં ખાસ્સી અસર થતી. જો કે, દીપાએ પોતાની શારીરિક નબળાઈને જ તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો. એ વધુ ને વધુ મહેનત કરવા લાગી.

આકરા પ્રશિક્ષણ અને કઠોર પરિશ્રમને પગલે દીપા પોતાના પગને જિમ્નેસ્ટિક્સ માટે જરૂરી કમાનો પગમાં વિકસિત કરવામાં સક્ષમ થઈ. ત્યાર બાદ પિતા દુલાલે દીપાને વિવેકાનંદ જિમ્નેશિયમમાં પ્રવેશ અપાવ્યો. ત્યાં એના શિક્ષક બિશ્ર્વેશ્ર્વર નંદી હતા. જો કે ત્યાં જિમ્નેશિયમ અત્યંત સાધારણ કક્ષાનું હતું. ત્યાં જિમ્નેસ્ટિક્સ માટે જોઈએ એવાં ઉપકરણો પણ ઢંગધડા વગરના હતાં. બીજો કોઈ વિકલ્પ ન હોવાથી દીપા ત્યાં રહીં ખંતથી પ્રેક્ટિસ કરતી. દીપા અત્યંત જિદ્દી ખેલાડી હતી. સંતોષ ન થાય ત્યાં સુધી એ અભ્યાસ કર્યા કરતી. એણે માતા-પિતાને વચન આપ્યું કે, એક દિવસ પોતે મોટી જીત મેળવીને નામ કમાશે !

પોતાનું આ વચન પાળવાની દિશામાં દીપાએ પરિશ્રમ અને પ્રશિક્ષણનું પગલું ભર્યું. પરિણામ એ આવ્યું કે ૨૦૦૭ સુધીમાં દીપાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ૬૭ સુવર્ણ ચંદ્રક સહિત ૭૭ ચંદ્રક મેળવી લીધા હતા ! ૨૦૧૪માં, કોમનવેલ્થ ગેમ્સમાં દીપા મહિલા વોલ્ટ ફાઈનલમાં કાંસ્ય ચંદ્રક વિજેતા બનીને, જિમ્નેેસ્ટિકસમાંં ચંદ્રક જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની. ૨૦૧૪માં જ એશિયન ગેમ્સમાં દીપા ફાઈનલમાં પહોંચેલી. ૨૦૧૫માં જાપાનના હિરોશિમામાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં દીપાએ મહિલા વોલ્ટમાં કાંસ્ય ચંદ્રક જીતેલો. ઓક્ટોબર ૨૦૧૫માં વર્લ્ડ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપમાં ક્વોલિફાય થયેલી. ૨૦૧૬માં રિયો ઓલિમ્પિકમાં દીપા સામેલ થઈ. ક્વોલિફાય રાઉન્ડમાં દીપાએ પ્રોદુનોવા જમ્પ કરીને ફાઇનલમાં સ્થાન બનાવેલું. ઓલિમ્પિકના બાવન વર્ષના ઇતિહાસમાં જિમ્નેેસ્ટિકસ માટે ક્વોલિફાય થનારી એ પહેલી ભારતીય ખેલાડી હતી. ઓલિમ્પિકમાં અમેરિકાની જિમ્નેસ્ટ સિમોન બાઈલ્સ સૌથી વધુ સુવર્ણ ચંદ્રક મેળવનાર ખેલાડી. હોવા છતાં જોખમી પ્રોદુનોવા માટે તૈયાર નહોતી, પણ દીપા માટે પ્રોદુનોવા ડાબા હાથના ખેલ જેવો હતો. ઓલિમ્પિકમાં જવાના ત્રણ મહિના પહેલાંથી દીપાએ પ્રોદુનોવનું રિહર્સલ કર્યું. ઓલિમ્પિકમાં જે ખેલથી લોકો દૂર ભાગતા એ પ્રોદુનોવા દીપા ઓલિમ્પિકમાં જતાં પહેલાં અંદાજે એક હજાર વાર કરી ચૂકેલી.

અર્જુનની જેમ એની નજર માત્ર ઓલિમ્પિક પર હતી. દીપાનું પ્રદર્શન શાનદાર રહ્યું, પણ કાંસ્ય માટે સહેજમાં ચૂકી ગયેલી. ચોથા ક્રમાંકે રહી. દીપા ઓલિમ્પિકમાં ચંદ્રકવિજેતા ન બની, પણ ચોથા ક્રમાંકે રહીને એણે ઉત્કૃષ્ટ પ્રદર્શન તો કર્યું જ હતું, પણ સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ એની કારકિર્દીને ગ્રહણ લાગ્યું. આંતરરાષ્ટ્રીય ટેસ્ટિંગ એજન્સી-આઈટીએ દ્વારા ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ કરાયેલા ડોપ ટેસ્ટમાં દીપા પ્રતિબંધિત હિજેનામાઈનનું સેવન કરવા બદલ દોષિત પુરવાર થયેલી. પરિણામે દીપાના રમવા પર એકવીસ મહિનાનો, ૧૦ ‘જુલાઈ ૨૦૨૩ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો. એ પછી બમણા જોશથી ખેલના મેદાનમાં ઊતરેલી દીપાનો આદર્શ રોમાનિયાની જિમ્નેસ્ટ નાદિયા કોમાનસી છે. જિમ્નેસ્ટિકસમાં પાંચ સુવર્ણ ચંદ્રક મેળવનાર નાદિયાને ઓલિમ્પિક બોર્ડે એના શાનદાર પ્રદર્શનને પગલે
‘પરફેક્ટ ટેન’ માર્ક્સ આપેલા. દીપાનું પણ આજે એ જ સ્વપ્ન છે :
પરફેક્ટ ટેન મેળવવાનું…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?