પુરુષ

અશ્ર્વિનની અપ્રતિમ સિદ્ધિ ઉજવવાના ‘૫૦૦’ કારણો

ગ્રેમ સ્વૉન જેને ‘પ્રોફેસર ઑફ સ્પિન’ તરીકે ઓળખાવે છે એ ભારતના આ સ્પિન-રત્નએ ઘણા વિક્રમો તોડ્યા છે, ઘણા રેકૉર્ડની બરાબરી કરી છે અને કેટલાક હજી પણ તોડી શકે એમ છે

સ્પોર્ટ્સમેન – સારિમ અન્ના

રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતના ૪૪૫ રનના જવાબમાં બ્રિટિશ ટીમે અસરદાર શરૂઆત સાથે સારો જવાબ આપીને એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૮૯ રન બનાવ્યા ત્યારે કૅપ્ટન રોહિત શર્માએ રવિચન્દ્રન અશ્ર્વિનને બોલિંગની જવાબદારી સોંપી હતી. અશ્ર્વિને લેગ સાઇડ પરના રફ ભાગમાં બૉલ ફેંક્યો અને ઓપનર ઝૅક ક્રૉવ્લી સ્વીપ મારવા ગયો હતો.
જોકે તેના બૅટની ટૉપ એજ લાગવાને કારણે બૉલ હવામાં ઊછળ્યો હતો અને શૉર્ટ ફાઇન લેગ પર ઊભેલા રજત પાટીદારે કોઈ જ ભૂલ ન કરી અને અશ્ર્વિનની ૫૦૦મી વિકેટનો શુભ અવસર આવી ગયો હતો. એ સાથે અશ્ર્વિન ૫૦૦મી ટેસ્ટ વિકેટ લેનાર અનિલ કુંબલે (૬૧૯ વિકેટ) પછીનો બીજો ભારતીય બોલર બન્યો હતો. ૫૦૦ વિકેટ લેવાની બાબતમાં અશ્ર્વિન વિશ્ર્વમાં નવમો છે, પરંતુ તેણે આ સિદ્ધિ ૯૮મી ટેસ્ટમાં મેળવી એટલે તે સૌથી ઓછી ટેસ્ટમાં ૫૦૦ શિકાર કરનાર મુરલીધરન પછીનો વિશ્ર્વનો બીજો ખેલાડી બન્યો કહેવાય. મુરલી ૮૭મી ટેસ્ટમાં ૫૦૦ વિકેટના આંકડે પહોંચ્યો હતો.
સામાન્ય રીતે એવું મનાય છે કે ઑફ-સ્પિનર લેફ્ટ હૅન્ડ બૅટર સામે વધુ પ્રભાવ પાડતો હોય છે. જોકે અશ્ર્વિન એવો જાદુઈ બોલર છે જેને બૅટર લેફ્ટ હૅન્ડ હોય કે રાઇટ હૅન્ડ, તેને કોઈ ફરક નથી પડતો. તેના આંકડા જ આ વાતનો પુરાવો છે. અશ્ર્વિને ૨૫૧ વખત રાઇટ હૅન્ડ બૅટરને અને ૨૪૯ વાર લેફ્ટ હૅન્ડ બૅટરને આઉટ કર્યો છે. એટલે જ તો ઇંગ્લૅન્ડનો દિગ્ગજ ઑફ સ્પિનર ગ્રેમ સ્વૉન આપણા અશ્ર્વિનને ‘પ્રોફેસર ઑફ સ્પિન’ તરીકે ઓળખાવે છે.
સ્વૉનનું એવું માનવું છે કે ‘તે (અશ્ર્વિન) ક્રિકેટનો એવો સ્ટુડન્ટ છે જે નવું ને નવું શીખતો જ હોય છે, પોતાની બોલિંગને વધુને વધુ ડેવલપ કરતો હોય છે અને હંમેશાં નવો પ્રયોગ કરતો રહેતો હોય છે. તે અન્ય સ્પિનરોની તુલનામાં ઘણો…ઘણો આગળ નીકળી ગયો છે. તેનો અપ્રોચ સાયન્ટિફિક અને ફૉરેન્સિક હોય છે.
આ કામ આસાન નથી, કારણકે એમાં બહુ સમય લાગી જતો હોય છે. આ બધા કારણસર જ હું તેને ઑફ-સ્પિનનો પ્રોફેસર કહું છું.’
અશ્ર્વિન હંમેશાં પોતાની બોલિંગને અપગ્રેડ કરવામાં માને છે અને નવું નવું ટ્રાય કરતો હોય છે એમાં બેમત નથી. એક ફિંગર સ્પિનર ૫૦૦ વિકેટ ૧૦૦થી પણ ઓછી ટેસ્ટમાં લે એ બહુ મોટી વાત કહેવાય. સરેરાશ તે દર ટેસ્ટ દીઠ પાંચ વિકેટ લઈ રહ્યો છે.
એક સમય હતો જ્યારે ફિંગર સ્પિનની કળા જાણે મૃત:પ્રાય અવસ્થામાં હતી. એક રીતે અશ્ર્વિને એ કળાને ફરી જીવિત કરી હતી. તે સામાન્ય રીતે સ્ટમ્પ્સ પર બૉલ ફેંકે છે જેને કારણે આજકાલ તેને એલબીડબ્લ્યૂની અપીલમાં ઘણી વિકેટો મળે છે અને બૅટર ક્લીન બોલ્ડ થવાના બનાવ પણ વધી ગયા છે. અશ્ર્વિનની બીજી એક ખાસિયત એ છે કે તે બૅટરની નબળાઈને બહુ જલદી પારખી લે છે. સ્વૉન કહે છે, ‘પિચ પર જ્યારે ટર્ન ન મળતો હોય ત્યારે તે વિકેટ આપમેળે મળી જશે એવું માનવાને બદલે બૅટરને જાળમાં કેવી રીતે ફસાવવો એની યોજના બનાવે છે અને એટલે જ તે માત્ર ૯૮ ટેસ્ટમાં ૫૦૦ વિકેટ લઈ શક્યો છે.’
ઑફ સ્પિનરોમાં ગ્રેમ સ્વૉન પછી ક્લીન ઍક્શન અશ્ર્વિનની જ છે. બાકી, મુરલીધરન તેમ જ હરભજન સિંહ, વગેરેની બોલિંગ ઍક્શનની બાબતમાં હંમેશાં વિવાદ રહ્યો જ હતો. બિશનસિંહ બેદી તો મુરલીધરનને સ્પિનર માનતા જ નહોતા.
તેઓ મુરલીને ‘જેવેલિન થ્રોઅર’ (ભાલાફેંકના ઍથ્લીટ) તરીકે ઓળખાવતા હતા. થોડાં વર્ષો પહેલાં અશ્ર્વિન જ્યારે લેગ સ્પિન કરવા લાગ્યો ત્યારે તેનો એ અભિગમ ગ્રેમ સ્વૉનને જરાય નહોતો ગમ્યો.
કેટલાક બૅટરને તો અશ્ર્વિન ઇચ્છે ત્યારે આઉટ કરી લેતો હોય છે. જુઓને, ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સને તેણે ૧૫ ટેસ્ટમાં ૧૨ વખત
અને ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરને ૧૭
ટેસ્ટમાં ૧૧ વાર આઉટ કર્યો છે. એ જ
પ્રમાણે, ઍલસ્ટર કૂકને અશ્ર્વિને ૧૫ ટેસ્ટમાં નવ વખત, ન્યૂ ઝીલૅન્ડના ટૉમ લૅથમને સાત ટેસ્ટમાં આઠ વાર, વેસ્ટ ઇન્ડિઝના ક્રેગ બ્રેથવેઇટને ૧૧ ટેસ્ટમાં આઠ વાર અને ઑસ્ટ્રેલિયાના
સ્ટીવ સ્મિથને ૧૬ ટેસ્ટમાં આઠ વખત આઉટ કર્યો છે.
અશ્ર્વિન પાસે જશન મનાવવાના બીજા ઘણા કારણો પણ છે. તે એકમાત્ર ભારતીય છે જેણે બાવીસ વખત ટેસ્ટની ઇનિંગ્સમાં પાંચ કે વધુ વિકેટ લીધી છે. સાત વાર તેણે ટેસ્ટમાં કુલ ૧૦ કે વધુ શિકાર કર્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં તે નવ વખત મૅન ઑફ ધ મૅચ બન્યો છે અને એનાથી પણ વધુ એટલે કે ૧૦ વખત મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીત્યો છે. ભારતીય બોલરની બાબતમાં આ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં અશ્ર્વિને પંચાવન ટેસ્ટમાં ૨૨.૧૩ની સરેરાશે ૨૯૩ વિકેટ લીધી હતી. ભારતના કોઈ પણ કૅપ્ટન હેઠળનો તેનો એ બેસ્ટ પર્ફોર્મન્સ છે.
અશ્ર્વિન એવો એકમાત્ર બોલર છે જેણે ૩૦૦થી વધુ વિકેટ એવી ટેસ્ટ મૅચોમાં લીધી છે જે ટેસ્ટ મૅચો ભારતે જીતી છે. એનો અર્થ છે કે તે જ્યારે વિકેટ લે છે ત્યારે ભારતની જીતની સંભાવના વધી જતી હોય છે.
ટેસ્ટમાં ૫૦૦ વિકેટ અને ૩૦૦૦ રનની ડબલ સિદ્ધિ મેળવનારા વિશ્ર્વમાં માત્ર ત્રણ ઑલરાઉન્ડર છે અને એમાંનો એક આપણો અશ્ર્વિન છે. અશ્ર્વિન ૯૮ ટેસ્ટમાં ૫૦૦ વિકેટ લેવા ઉપરાંત ૩૩૩૬ રન પણ બનાવી ચૂક્યો છે. ઑસ્ટ્રેલિયાના સ્પિનર શેન વૉર્ને ૭૦૮ વિકેટ લેવા ઉપરાંત ૩૧૫૪ રન બનાવ્યા
હતા અને ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે ૬૦૪ વિકેટ લેવાની સાથે ૩૬૬૨ રન બનાવ્યા હતા.
જોકે સાઉથ આફ્રિકાના જૅક કૅલિસના આંકડા અદ્ભુત છે. તેણે ૧૬૬ ટેસ્ટમાં ૫૫.૩૭ની સરેરાશે તથા ૪૫ સેન્ચુરી અને ૫૮ હાફ સેન્ચુરીની મદદથી કુલ ૧૩,૨૮૯ રન બનાવ્યા હતા તેમ જ ૩૨.૬૫ની સરેરાશે ૨૯૨ વિકેટ લીધી હતી. કૅલિસ પછીના ક્રમે સર ગૅરી સોબર્સ આવે છે. તેમણે ૯૩ ટેસ્ટમાં ૫૭.૭૮ની સરેરાશે ૨૬ સેન્ચુરી (તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૩૬૫) સહિત ૮૦૩૨ રન બનાવ્યા હતા અને ૨૩૫ વિકેટ લીધી હતી.
ફરી અશ્ર્વિનની વાત કરીએ તો તે એવો લેજન્ડ છે જેનો સમાવેશ છ ઑલરાઉન્ડરોમાં થાય છે જેમણે ૩૦૦થી વધુ વિકેટ લીધી અને પાંચથી વધુ સેન્ચુરી પણ ફટકારી છે. અશ્ર્વિનના નામે પાંચ ટેસ્ટ સદી છે. બીજા પાંચ અદ્ભુત ઑલરાઉન્ડરોમાં ઇયાન બૉથમ (૩૮૩ વિકેટ, ૧૪ સેન્ચુરી), કપિલ દેવ (૪૩૪ વિકેટ, આઠ સેન્ચુરી), ઇમરાન ખાન (૩૬૨ વિકેટ, છ સેન્ચુરી) અને ડેનિયલ વેટોરી (૩૬૨ વિકેટ, છ સેન્ચુરી).
એક ટેસ્ટમાં સેન્ચુરી ફટકારવા ઉપરાંત દાવમાં પાંચ વિકેટ લેવાની બાબતમાં અશ્ર્વિન (ત્રણ વખત) હવે માત્ર બોથમથી પાછળ છે. બોથમે પાંચ વખત એ સિદ્ધિ મેળવી હતી. ઘરઆંગણાના મેદાનો પર અનિલ કુંબલે (૬૩ ટેસ્ટ, ૩૫૦ વિકેટ) પછી સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં અશ્ર્વિન (૪૫ ટેસ્ટ, ૨૭૦ વિકેટ) બીજા સ્થાને છે. આ બધુ જોતાં કહેવું જ જોઈએ કે અશ્ર્વિન રેકૉર્ડ તોડતી મશીન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure