શેર બજાર

નિસ્તેજ હવામાન છતાં તેજીની આગેકૂચ જારી: નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો, સેન્સેક્સમાં 282 પોઈન્ટનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક સ્તરે અસ્પષ્ટ સંકેત સાથે સ્થાનિક સ્તરે વિદેશી ફંડોની વેચવાલી એકધારી ચાલુ રહી હોવા છતાં સતત પાંચમા દિવસે શેરબજારમાં આગેકૂચ ચાલુ રહી હતી. સેન્સેક્સમાં 282 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટી અનેક નિષ્ણાતોની આગાહીને ખોટી ઠેરવતો નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો.
શેરબજારે 19 ફેબ્રુઆરીના રોજ સળંગ પાંચમા સત્રમાં આગેકૂચની સફર ચાલુ રાખી હતી અને નિફ્ટીએ 22,186.65 પોઇન્ટની તાજી ઓલ-ટાઇમ ઇન્ટ્રા-ડે હાઈ સાથે દિવસની ટોચની નજીક બંધ આપ્યું હતું. બીએસઇ પર લિસ્ટેડ શેરોનું એકંદર માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 391.69 લાખ કરોડ અથવા તો 4.72 ટ્રિલિયન ડોલર વધ્યું હતું. બીજા શ્બદોમાં રોકાણકારોની સંપત્તિમાં સોમવારના સત્રમાં રૂ. 2.20 લાખ કરોડનો વધારો
નોંધાયો છે.
વિશ્વબજારના મિશ્ર સંકેતો વચ્ચે બજારની શરૂઆત સકારાત્મક ટોન સાથે થઈ હતી, પરંતુ શરૂઆતના કામકાજના કલાકો દરમિયાન લેણવેચના સોદા વચ્ચે બજાર નેગેટીવ અને પોઝિટવ ઝોન વચ્ચે અટવાતું રહ્યું હતું. જોકે, મોટા ભાગના સેક્ટોરલ ઈન્ડાઈસિસ અને હેવીવેઈટ્સમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં, બેન્ચમાર્કને દિવસના ઉચ્ચ સ્તરની નજીક બંધ થવામાં મદદ મળી હતી.
બંધ સમયે, સેન્સેક્સ સત્ર દરમિયાન 72,881.93 પોઇન્ટની ઊંચી સપાટી સુધી જઇને અંતે 281.52 પોઈન્ટ અથવા 0.39 ટકાના સુધારા સાથે 72,708.16 પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટી સત્ર દરમિયાન 22,186.65 પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે 81.60 પોઈન્ટ અથવા 0.37 ટકા વધીને 22,122.30 પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. સેન્સેક્સના શેરોમાં બજાજ ફિનસર્વ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, મારુતિ સુઝુકી, આઇટીસી અને નેસ્લે ટોપ ગેઇનર બન્યાં હતાં. જ્યારે લાર્સન એન્ડ ટૂબ્રો, વિપ્રો, ઇન્ડસઇન્ડ બેન્ક, ટીસીએસ અને ટાટા મોટર્સ ટોપ લુઝર્સ શેરમાં સામેલ હતા.
જીપીટી હેલ્થકેરનો આઇપીઓ રૂ. 525.14 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ છે, જે 22 ફેબ્રુઆરીએે ખુલશે અને 26 ફેબ્રુઆરીએ બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 177 થી રૂ.186 નક્કી થઇ છે. લઘુત્તમ લોટ સાઈઝ 80 શેરનો છે. શેરની ફાળવણી 27 ફેબ્રુઆરીએ થવાની અપેક્ષા છે. શેર એનએસઇ અને બીએસઇ પર ગુરૂવારે લિસ્ટેડ થવાની સંભાના છે. ભારતની ફુલ્લી એન્ટિગ્રેટેડ એલપીજી અને સીએમજી કંપની જૂથ કોન્ફિડેન્સ ગ્રુપે નોર્વે લિસ્ટેડ અગ્રણી એલપીજી શિપિંગ અને ટે્રડિંગ કંપની બીડબલ્યુ એલપીજી સાથે એલપીજી ટર્મિનલ ઇન્ફ્સ્ટ્રકચર અને ડાઉનસ્ટ્રીમ કામગારીને મજબૂત બનાવવા જોડાણ સાધ્યું છે. કોન્ફિડેન્સ પેટ્રો દેશની ખાનગી ક્ષએત્રની સૌથી મોટી એલપીજી બોટલિંગ કંપની છે. નોર્વેની ઉકત્ કંપનીએ દેશમાં રૂ. 3000 કરોડનું રોકાણ કર્યું છે.
પેટીએમના મામલમાં એન્ફોર્સમેન્ટ ડિરકટોરેટને તપાસ દરમિયાન હજુ સુધી ફેમાના ભંગ સંદર્ભે કોઇ પુરાવા ના મળ્યા હોવાના અહેવાલ વચ્ચે તેના શેરમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ જોવા મળી હતી. આરબીઆઇએ તેના પરના પ્રતિબંધની તારીખ પાછલા સપ્તાહે 29 ફેબ્રુઆરીથી વિસ્તારીને 15 માર્ચ જાહેર કરી છે.
નિફ્ટીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેન્ક અને સિપ્લા સૌથી વધુ વધનારા શેરોમાં સામેલ હતા, જ્યારે કોલ ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એલએન્ડટી, વિપ્રો અને એચડીએફસી લાઈફ ટોપ લુઝર્સ શેરોની
યાદીમાં હતાં.
સેક્ટરમાં કેપિટલ ગુડ્સ, આઈટી મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા છે, જ્યારે ઓટો, બેન્ક, એફએમસીજી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, પાવર 0.3-1 ટકા વધ્યા છે. મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7 ટકા વધ્યો છે.
વ્યક્તિગત શેરોમાં, બાયોકોન, ડિક્સન ટેક્નોલોજીસ અને સેઇલમાં 300 ટકાથી વધુનો વોલ્યુમ ઉછાળો જોવા મળ્યો હતો. ડિક્સન ટેક્નોલોજીસ, જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે કોલ ઈન્ડિયા, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની અને લ્યુપિનમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
એસીસી, એજીસ લોજિસ્ટિક, અલ્કેમ લેબોરેટરીઝ, બીએફ યુટિલિટી, કેસ્ટ્રોલ ઇન્ડિયા, ક્નટોનર કોર્પોપેશન, ક્રિસિલ, ક્યુમિન્સ ઇન્ડિયા, ફેડરલ બેન્ક, હાઇટેક પાઇપ્સ, ઇન્ડિયા હોટલ્સ, જેબીએમ ઓટો સહિત બીએસઇ પર લગભગ 400 શેરોએ તેમની બાવન સપ્તાહની ટોચને સ્પર્શી હતી. વર્ષની ઊંચી સપાટીએ પહોંચનાર અન્ય શેરોમાં એમ્ફસીસ, એમઆરપીએલ, નોવાર્ટિસ ઇન્ડિયા, પૈસાલો ડિજીટલ, પર્સિસ્ટન્સ સિસ્ટમ્સ, ક્વેસ કોર્પ, રેઇન ઇન્ડસ્ટ્રીઝ, સોનાટા સોફ્ટવેર, સુપ્રીમ પેટ્રો, વોકહાર્ડ વગેરેનો
સમાવેશ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button