શુગર શેરોમાં અચાનક કડવાશ કેમ આવી?
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં સળંગ સાત દિવસની આગેકૂચ બાદ ગુરુવારે પીછેહઠ જોવા મળી હતી, પરંતુ પ્રારંભિક ઘટાડા સામે પચાસ ટકા જેવી રિકવર થઇ હતી. જોકે, સરકારના એક નિર્ણયને કારણે સત્ર દરમિયાન શુગર શેરમાં એકાએક તીવ્ર કડાકો જોવા મળ્યો હતો.
સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગરૂપે સરકાર ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ડાયવર્ઝનને અવરોધવા માટેની યોજના બનાવી રહી હોવાના પ્રસાર માધ્યમોના અહેવાલોની ચર્ચા વચ્ચેગુરુવારેે ખાંડ બનાવતી શુગર કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો.
સૌથી મોટો કડાકો ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં નોંધાયો હતો, જેમાં પ્રારંભિક કામકાજના સમયગાળામાં સાત ટકાથી મોટો કડાકો હતો, અંતે તે ૪.૯૭ ટકાના ઘટાડે બંધ રહ્યો હતો. આ ઉપરાંત બલરામપુર ચીની, શ્રી રેણુકા સુગર્સ, રાણા સુગર, ધ ઉગર સુગર વર્ક્સ, દ્વારિકેશ સુગર અને ઇઆઇડી પેરી સહિત અન્ય શેરમાં બે ટકાથી ૫.૫૮ ટકા સુધીના કડાકા જોવા મળ્યા હતા.
મૂડીબજારનો મૂડ જોશમાં છે. સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ ઉત્પાદક ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. ૭૫૦-૭૯૦ નક્કી થઇ છે. કંપની રૂ. ૧,૨૦૦ કરોડની જાહેર ઓફર ૧૩ ડિસેમ્બરે ખુલશે અને ૧૫મીએ બંધ થશે. એન્કર બુક માટે બિડિંગ ૧૨ ડિસેમ્બરે એક દિવસ માટે થશે. કંપની રૂ. ૩૫૦ કરોડના મૂલ્યના શેરના નવા ઇશ્યુ અને હાલના શેરધારકો દ્વારા રૂ. ૮૫૦ કરોડના મૂલ્યના શેરની ઓફર-ફોર-સેલ લાવી રહી છે. ઇટાલી સ્થિત કોર્પોરેટ પ્રમોટર ફિલા આઇપીઓમાં રૂ. ૮૦૦ કરોડના શેર વેચશે, જ્યારે પ્રમોટર્સ રૂ. ૨૫ કરોડના શેરનું વેચાણ કરશે.