Top Newsશેર બજાર

સેન્સેક્સમાં કેમ પડ્યો ૨,૨૦૦ પોઇન્ટનો કડાકો? જાણો શેરબજારમાં મંદીના પંચક પાછળના કારણો

મુંબઇ: શેરબજારની ગાડી પાટે ચઢી રહી હતી અને બેન્ચમાર્ક તેની ઓલટાઇમ હાઇ સપાટીને આંબવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ ખેલ બગડ્યો અને સેન્સેક્સ પાંચ જ સત્રમાં એકધારી પછડાટ સાથે લગભગ ૨,૨૦૦ પોઇન્ટ ગુમાવીને ૮૩,૬૦૦ પોઇન્ટની નીચે સરકી ગયો!

નિષ્ણાતો જણાવે છે કે, વિદેશી ભંડોળના પ્રવાહ, ભૂ-રાજકીય તણાવ અને ત્રીજા ક્વાર્ટરની કમાણી જાહેર થવા પહેલાની સાવચેતીના માનસને કારણે રોકાણકારો સાઇડ લાઇન રહ્યા હતા. નવમી જાન્યુઆરીએ પૂરા થયેલા પાંચ સત્રોમાં, સેન્સેક્સ ૨,૨૦૦ પોઈન્ટ અથવા ૨.૬૦ ટકાથી વધુ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી ૫૦ અઢી ટકા નીચે પટકાયો છે.

આ ધબડકાનું એક મુખ્ય કારણે એફઆઇઆઇની એકધારી વેચવાલી છે. ગયા વર્ષે જુલાઈથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો આ વલણ ચાલુ રહેશે, તો પાછલા વર્ષની જેમ ૨૦૨૬માં પણ સ્થાનિક બજારનો લાભ નીચા સ્તરે રહી શકે છે.

યુએસ ટેરિફ ચુકાદા પહેલા સાવધાની પણ એક કારણ હતું. યુએસ સુપ્રીમ કોર્ટ શુક્રવાર, નવમી જાન્યુઆરીએ ટ્રમ્પના લિબરેશન ડે ટેરિફ પર પોતાનો ચુકાદો આપે તેવી અપેક્ષા હતી. ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો બજારો માટે રાહત, જ્યારે તેમના પક્ષમાં ચુકાદો વધુ આક્રમક ટેરિફ પગલાંને પ્રોત્સાહન મળવાને કારણે બજારમાં જોરદાર કડાકાની આશંકા હતી. એવી ધારણાં હતી કે, જો સુપ્રીમ કોર્ટ ટ્રમ્પ ટેરિફને ગેરકાયદેસર જાહેર કરેે, તો ભારતમાં તેજી આવશે કારણ કે ભારત પચાસ ટકા ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. જોકે, અદાલતે ચૂકાદો મોકૂફ રાખ્ય હોવાથી વાત ફરી અદ્ધર રહી ગઇ.

નવી ટેરિફ ચિંતાઓ નવી દિલ્હી દ્વારા રશિયન ક્રૂડની ખરીદી પર ભારતીય માલ પર ટેરિફ વધારવાના ટ્રમ્પના સંકેત પછી બજારો ઝડપથી નબળા પડ્યા છે. ટ્રમ્પે એક પ્રતિબંધ બિલને પણ મંજૂરી આપી છે જે રશિયન ઓઇલ ખરીદતા દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લાદી શકે છે. યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે જણાવ્યું હતું કે આ બિલ ટ્રમ્પને ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો સામે જબરદસ્ત લાભ આપશે જેથી તેઓ સસ્તા રશિયન તેલ ખરીદવાનું બંધ કરી શકે.

ભારતના રશિયન તેલ આયાત સાથે જોડાયેલ સંભવિત યુએસ ટેરિફ પગલાં અંગે સતત ચિંતાઓએ સેન્ટિમેન્ટ તોડી નાંખ્યુ છે, જ્યારે યુએસ-ભારત વેપાર ચર્ચાઓમાં દૃશ્યમાન પ્રગતિનો અભાવ સંસ્થાકીય સાવચેતીને મજબૂત બનાવી રહ્યો છે.
ભારત-યુએસ વેપાર સોદાની અનિશ્ર્ચતતા બજારનું માનસ ખોરવી રહી છે. અનેક તબક્કાની વાટાઘાટો છતાં, બંને દેશો કોઈ સોદો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે, જે અપેક્ષાઓથી વિપરીત છે કે ભારત અમેરિકા સાથે કરાર કરનાર પ્રથમ દેશોમાં સામેલ હશે. વેપાર સોદામાં વિલંબ ભારતના બજારના નબળા પ્રદર્શનને લંબાવી શકે છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ભારતના આયાત બિલ અને ફુગાવાના જોખમમાં વધારો કરે છે, જે ઇક્વિટી બજારો પર દબાણ લાવે છે. એ જ રીતે, રૂપિયામાં નબળાઈ, એફઆઇઆઇના સતત આઉટફ્લો અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ સેન્ટિમેન્ટને સતત નબળું પાડી રહ્યું છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે સંભવિત યુએસ ટેરિફ અને નબળા સ્થાનિક ઇક્વિટી અંગે ચિંતાઓને કારણે વિદેશી વેચાણ ચાલુ રહ્યું છે, જેના કારણે ચલણ પર દબાણ આવ્યું છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button