શેરબજાર સારી શરૂઆત બાદ એકાએક કેમ ગબડ્યું? | મુંબઈ સમાચાર

શેરબજાર સારી શરૂઆત બાદ એકાએક કેમ ગબડ્યું?

  • નિલેશ વાઘેલા

મુંબઈ: શેરબજારની શરૂઆત સારી થઈ હતી અને યુકે સાથેના એફ્ટીએની કિક મળવાની પ્રતિક્ષામાં હતું, પરંતુ પાછળથી બ્લુચીપ શેરોમાં વેચવાલીનું દબાણ વધતા એક તબક્કે બજાર લગભગ ૬૦૦ પોઇન્ટ જેટલું ઘટી ગયું હતું.

નેસ્લે ઇન્ડિયા, ટ્રેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને કોલ ઇન્ડિયા જેવા શેરોમાં પાંચ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

બપોરના સત્રથી જ બેન્ચમાર્ક શેરઆંક પ્રારંભિક લાભ ગુમાવીને નીચા સ્તરે ગબડવા માંડ્યા હતા. હેવીવેઇટ શેરોમાં વેચવાલી ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ના એકધારા આઉટફ્લોને કારણે બજારનું સેન્ટિમેન્ટ ગયું હતું.

બુધવારે એફઆઈઆઈએ રૂ. 4,209.11 કરોડની ઇક્વિટીનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. સતત વિદેશી વેચાણથી પ્રવાહીતા ઓછી થાય છે અને ઘણીવાર શેરના ભાવ પર દબાણ વધે છે, ખાસ કરીને લાર્જ-કેપ સેગમેન્ટમાં આ વધુ જોવા મળ્યું છે.
ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસના શેર નિફ્ટી50 ઇન્ડેક્સમાં મુખ્ય લૂઝર્સમાં સામેલ હતા. ઇન્ડેક્સ હેવીવેઇટ્સમાં વેચાણ બેન્ચમાર્ક કામગીરી પર વ્યાપક અસર કરે છે, જેના કારણે બજારની નબળાઈ વ્યાપક બને છે.

આપણ વાંચો:  સતત ત્રીજા દિવસે રેડ ઝોનમાં ખુલેલા શેરમાર્કેટમાં પણ આ શેર બાજી મારી ગયા

જૂન ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 8.7 ટકાનો વધારો નોંધાવવા છતાં, ઇન્ફોસિસે તેના સંપૂર્ણ વર્ષના આવકના અનુમાનને ઘટાડ્યું, જેનાથી સેન્ટિમેન્ટ પર અસર પડી હતી.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો પણ માહોલ બગાડે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ ૦.૩૧ ટકા વધીને ૬૮.૭૨ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ કંપનીઓ માટે ઇનપુટ ખર્ચમાં વધારો કરે છે, ચાલુ ખાતાની ખાધમાં વધારો કરે છે અને ફુગાવાના દબાણ તરફ દોરી શકે છે, જેનાથી રોકાણકારોના માનસ પર નકારાત્મક અસર પડે છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button