
નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાના શોર્ટ સેલર હિન્ડન્બર્ગ બાદ હવે બીજા એક શોર્ટ સેલરે ભારત સ્થિત કંપની પર નિશાન સાધ્યું છે. યુએસ શોર્ટ સેલર વાઇસરોય રિસર્ચે અબજોપતિ અનિલ અગ્રવાલના આઇનીંગ જૂથને નાણાકીય રીતે અસક્ષમ અને લેણદારો માટે ગંભીર જોખમી હોવાનું ચિતરનારો અહેવાલ બહાર પાડ્યા બાદ બુધવારે વેદાંત લિમિટેડના શેર સત્ર દરમિયાન આઠેક ટકાના કડાકા બાદ અંતે ત્રણ ટકાથી વધુ ઘટ્યા હતા.
આ શેર બીએસઈ પર ઈન્ટ્રા-ડે ટ્રેડમાં શેર ૭.૭૧ ટકા ઘટીને રૂ. ૪૨૧ની નીચી સપાટીને અથડાયા બાદ, મોટાભાગનો ગુમાવેલો હિસ્સો પાછો મેળવીને અંતે ૩.૩૮ ટકાના મોટા ગાબડા સાથે રૂ. ૪૪૦.૮૦ની સપાટી પર બંધ થયો હતો. એનએસઈ પર, ઈન્ટ્રા-ડેમાં શેર ૭.૮૧ ટકા ઘટીને રૂ. ૪૨૦.૬૫ની નીચી સપાટીને અથડાયા પછી ૩.૨૮ ટકા ઘટીને રૂ. ૪૪૧.૩૦ પર બંધ થયો હતો. વાઇસરોય રિસર્ચે અહેવાલમાં એવું નોંધ્યું છે કે, સમગ્ર જૂથ માળખું નાણાકીય રીતે ટકાઉ નથી, કાર્યકારી રીતે નબળું છે, અને લેણદારો માટે જોખમી છે.
વેદાંતે ઉપરોક્ત અહેવાલને પસંદગીયુક્ત ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપોનું દૂષિત સંયોજન ગણાવ્યો હતો. કુદરતી સંસાધનોના દિગ્ગજ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અહેવાલ આગામી કોર્પોરેટ પહેલને નબળી પાડવા માટે સમય જોઇને હેતુપૂર્વક તેયાર કરવામાંં આવ્યો હોઈ શકે છે.