વેલ્યુબાઇંગ: શેરબજારમાં ભયાનક કડાકા બાદ અણધાર્યો ઉછાળો, નિફ્ટી ૨૨,૬૦૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયાઇ બજારોના સુધારાના અહેવાલો સાથે સ્થાનિક શેરબજારમાં પણ ભયાનક કડાકા પછીનો પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો છે. વેલ્યુબાઇંગને આધારે સેન્સેક્સે ૨૪૦૦ પોઇન્ટની છલાંગ લગાવી છે, જ્યારે નિફ્ટી ૨૨,૬૦૦ની સપાટી પાર કરી ગયો છે.
બજારના સાધનો અનુસાર રોકાણકારોએ અંતે મોદી સરકાર જ સત્તારૂઢ થવાની છે એવું માનીને ચૂંટણી પરિણામની ચિંતા ખંખેરીને રોકાણકારોએ વેલ્યુબાઇંગ કર્યું હોવાથી બેન્ચમાર્કમાં ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ ૨,૩૦૩.૧૯ પોઇન્ટ અથવા તો ૩.૧૯ ટકાના સુધારા સાથે ૭૪,૩૮૨.૨૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે.
એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૭૩૫.૮૫ પોઇન્ટ અથવા તો ૩.૩૬ ટકાના ઉછાળા સાથે ૨૨,૬૨૦.૩૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે. નિષ્ણાતો માને છે કે બજારને સ્થિર થતાં સહેજ વાર લાગશે. નોંધવુ રહ્યું કે ચૂંટણી પરિણામથી નિરાશ અને ચિંતિત થયેલા રોકાણકારોની પ્રચંડ વેચવાલી ને કારણે પાછલા સત્રમાં એક તબક્કે સેન્સેકસમાં ૬૦૦૦ પોઈન્ટનો વિક્રમી કડાકો નોંધાયો હતો
એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની લેવાલીને કારણે બેન્ચમાર્કને સારો ટેકો મળ્યો હતો. આ ઉપરાંત ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, હિંદુસ્તાન યુનિલીવર, એક્સિસ બેન્ક અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ ગેઇનરની યાદીમાં હતાં.
મૂડીબજારમાં ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ ઇક્સિગોનું સંચાલન કરનાર લી ટ્રાવેનસ ટેકનોલોજી લિમિટેડ રૂ. ૭૪૦ કરોડના આઇપીઓ સાથે ૧૦મી જૂને પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૮૮થી રૂ. ૯૩ નક્કી થઇ છે, ભરણું ૧૨મી જૂને બંધ થશે. મિનિમમ બિડ લોટ ૧૬૧ શેરનો છે. એન્કર ઇન્વેસ્ટસ૪ માટે બિડ સાતમી જૂને ખૂલશે.
કોલ એન્ડ એશ હેન્ડલિંગ, રેફ્રિજન્ટ ગેસ, પાવર ટ્રેડિંગ અને ગ્રીન મોબિલિટી સહિતનો પોર્ટફોલિયો ધરાવતી રેફેક્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ઓડિટેડ પરિણામમાં રૂ. ૧,૩૮૮.૮૪ કરોડની કુલ આવક અને રૂ. ૧૦૦.૯૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૧૦.૮૫ ટકા અને નેટ પ્રોફિટ માર્જિન ૭.૨૭ ટકા રહ્યુુંં છે.
ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સ્ચર લિમિટેડે ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરના ઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૪૬.૬૯ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૬૦.૩૦ કરોડની કુલ આવક, ૯૮.૫૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ રૂ. ૧૦.૭૬ કરોડનો ચોખ્ખો નફો, ૭૧.૬૮ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૩.૮૭ કરોડનો એબિટા નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૨૩ ટકા અન્ે નેટ પ્રોફિટ માર્જિન ૧૭.૨૭ ટકા રહ્યું છે.
ક્રિએટિવ વિઝ્યુએલ સ્ટુડિઓ (વીએફએક્સ), ફેન્ટમ ડિજિટલ ઇફેક્ટ્સ લિમિટેડે ૨૦૨૪ના અર્ધવાર્ષિક નાણાકીય પરિણામમાં ૫૨.૪૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪૯.૨૦ કરોડની કુલ આવક, ૬૮.૦૮ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૩.૭૨ ટકાનો ચોખ્ખો નફો અને ૮૭.૨૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૩.૧૬ ટકાનો એબિટા નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૪૭.૦૮ અને નેટ પ્રોફિટ માર્જિન ૨૭.૮૮ ટકા રહ્યું હતું.
ભારતમાં એક અગ્રણી પર્યાવરણીય ક્ધસલ્ટિંગ ફર્મ, ટેકનોગ્રીન સોલ્યુશન્સ લિમિટેડે ૨૦૨૪ના ઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૫૮.૧૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨૩.૫૦ કરોડની કુલ આવક, ૩૭.૨૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૮.૯૮ કરોડનો એબિટા, ૩૫.૩૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૬.૧૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. શેરદીઠ કમાણી રૂ. ૯.૬૬ રહી છે.
મેડન ફોર્જિંગ લિમિટેડે ૨૦૨૪ના વાર્ષિક નાણાકીય પરિણામમાં ૭.૩૦ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૩૭.૩૧ કરોડની કુલ આવક, ૧.૧૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૯.૭૨ ટકાનો ચોખ્ખો નફો અને ૭.૯૦ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૪.૦૭ ટકાનો એબિટા નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૧૦.૧૪ અને નેચ પ્રોફિટ માર્જિન ૪.૧૦ ટકા રહ્યું હતું.
ચૂંટણી પરિણામ અંગે ટીપ્પણી કરતા દુબઇ સ્થિત અદિલ ગ્રુપ ઓફ સુપર સ્ટોર્સના સીએમડી ડો. ધનંજય દાતારે કહ્યું હતુ કે, નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એનડીએ સરકાર ત્રીજી વખત સત્તા પર આવશે, એ સમાચાર વિદેશમાં વસતા એનઆરઆઇ વર્ગ માટે સકારાત્મક છે. યુએઇ અને અખાતી દેશોમાં અમે આ બાબત અનુભવીએ છીએ. ભારતીય અર્થતંત્ર અને વેપાર, ઉદ્યોગને પણ નવું બળ મળશે.
હિન્દાલ્કોએ જાહેર કર્યું છે કે, બજારની વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને તેની માલિકીની અમેરિકા સ્થિત કંપની નોવેલિસ ઇન્કે આઇપીઓ મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. અદાણી ગ્રુપના શેરમાં પાંચ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઇએક્સ ૩૦ ટકા હળવો થયો છે, જે બજાર માટે એક સારી નિશાની છે. ઓટો અને એફએમસીજી ઇન્ડેક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા છે.
દરમિયાન બજારના નિષ્ણાત કહે છે કે, અણધાર્યા ચૂંટણી પરિણામોને પચાવવામાં બજારને થોડો સમય લાગશે. ટૂંક સમયમાં બજારમાં સ્થિરતા પાછી આવશે, પરંતુ કેબિનેટ અને મુખ્ય પોર્ટફોલિયો અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી વોલેટિલિટી ચાલુ રહેશે. નજીકના ગાળામાં બજારમાં તીવ્ર રિબાઉન્ડની શક્યતા નથી પરંતુ ક્ષેત્રીય પસંદગીઓ બદલાઈ શકે છે.
એફએમસીજી, હેલ્થકેર અને આઈટી જેવા ક્ષેત્રોને પ્રથમ પસંદગી મળશે અને ગતિ ધીમી પડશે. બજાર માટે તીવ્ર કરેક્શનની એક સકારાત્મક બાબત એ છે કે અતિશય ઊંચા મૂલ્યાંકનમાં થોડો ઘટાડો થયો છે અને કેબિનેટની રચના અને ફાળવણી અંગે સ્પષ્ટતા થાય પછી સંસ્થાકીય ખરીદીને સરળ બનશે.રોકાણકારો આઇટી, ફાઇનાન્શિયલ, ઓટો અને કેપિટલ ગુડ્ઝમાં ઉચ્ચ ગુણવત્તાવાળા લાર્જકેપ્સ પર ધ્યાન આપી શકે છે.