બે દિવસની પીછેહઠને બ્રેક: છેલ્લી ઘડીની લેવાલીના ટેકાએ બેન્ચમાર્કને બચાવી લીધો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નવેસરની લેવાલી સાથે ઓટો, પાવર અને મેટલ શેર્સમાં સત્રના અંતિમ તબક્કે મળેલા લેવાલીના ટેકાને કારણે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બે સત્રની પીછેહઠ બાદ પોઝિટીવ ઝોનમાં બંધ આપવામાં સફળ રહ્યાં હતાં.
બીએસઇનો ત્રીસ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અફડાતફડી વચ્ચે અટવાયા બાદ અંતે ૨૦૪.૧૬ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા વધીને ૬૬,૧૭૪.૨૦ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૬૬,૨૫૬.૨૦ પોઇન્ટની ઊંચી અને ૬૫,૯૦૬.૬૫ પોઇન્ટની નીચી સપાટીએ અથડાયો હતો. એ જ રીતે, એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૯૫ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકા વધીને ૧૯,૮૮૯.૭૦ પોઇન્ટની પર સેટલ થયો હતો. સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, ટાઇટન અને એક્સિસ બેન્ક ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં સમાવિષ્ટ થયાં હતાં. આઇટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, આઇસીઆઇસીઆઇ બેંક અને પાવર ગ્રીડ ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં હતાં.
અદાણી જૂથના શેરોમાં સવારના સત્રમાં જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા અને તેના શેરોમાં ત્રણથી ૨૦ ટકા સુધીની જમ્પ જોવા મળી હતી. ડીબી રિઅલ્ટીના પ્રમેટરોએ કંપનીનો ત્રણ ટકા જેવો હિસ્સો વેચીને રૂ. ૩૦૧ કરોડ મેળવ્યાં છે. સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૩.૫૬ ટકા, બજાજ ફિનસર્વ ૨.૩૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૧૧ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૪૯ ટકા અને એનટીપીસી ૧.૪૬ ટકા વધ્યા હતા, જ્યારે આઈટીસી ૦.૫૮ ટકા, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૪૨ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૩ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૧૯ ટકા અને એચડીએફસી બેન્ક ૦.૧૬ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની ૧ કંપનીને ઉપલી સહિત બધા ગ્રુપની કુલ ૨૭ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓને ઉપલી અને ૧૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
ઓટોમોબાઇલ સેકટરનું રિટેલ સેલ ૪૨ દિવસના તહેવારોના દિવસમાં ૧૯ ટકાના ઉછાળા સાથે ૩૭,૯૩,૫૮૪ યુનીટના વિક્રમી સ્તરે પહોંચ્યું છે જે ગયા આખા વર્ષમાં ૩૧,૮૫,૨૧૩ યુનીટ હતું. મલ્ટિ સેકટરલ સ્કીલ્સ ધરાવતી ૧૮ સમાન વિચારધારા ધરાવતી સંસ્થાઓના જૂથ લાઇફ સ્કીલ્સ કોલાબોરેટિવે ભારતના યુવાનોના સશક્તિકરણ અને તેના મૂળમાં આવશ્યક લાઇફ સ્કીલ્સને સમાવીને શૈક્ષણિક ક્ષેત્રને નવો આકાર આપવા માટે સમર્પિત પ્રોજેકટ્સની જાહેરાત કરી છે.
સત્રના સવારના તબક્કામાં વિશ્ર્વબજારના નબળા સંકેતો પાછળ સ્થાનિક શેરબજારમાં પણ નબળાઈ જોવા મળી હતી. જોકે નિરસ માહોલ વચ્ચે અદાણી જૂથના શેરોમાં જોરદાર ઉછાળા આવતા બજારને સ્થિરતા મળી રહી હોવાનું જોવા મળ્યું હતું. આ જૂથના શેરોમાં ત્રણ ટકાથી ૨૦ ટકા સુધીના ઉછાળા જોવા મળ્યા હતા. અદાણી ગ્રુપના શેર નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ બન્યા હતા. એનર્જી શેરોમાં પણ કરંટ હતો. જોકે આઈટી શેર ફરી ધોવાયા હતા. બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સતત પોઝિટીવ અને નેગેટીવ ઝોન વચ્ચે અથડાતાં રહ્યા હતા, જે વૈશ્ર્વિક બજારોમાં જોવા મળેલા મંદ વલણને પ્રતિબિંબિત કરે છે. જો કે, અદાણી ગ્રૂપના તમામ શેરો સ્પોટ લાઇટમાં રહ્યા હતા, જેણે મધ્ય સત્ર સુધીમાં બેન્ચમાર્ક સૂચકાંકોને ગ્રીન ઝોનમાં તરતા રહેવામાં પણ મદદ કરી હતી.
જાન્યુઆરીમાં યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા એકાઉન્ટિંગ ફ્રોડ અને સ્ટોક મેનિપ્યુલેશનના આરોપો અંગે અદાણી ગ્રૂપની કંપનીઓની તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂર્ણ કર્યા પછી અદાણી સમૂહ સાથે જોડાયેલા સ્ટોક્સમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો હતો.
અદાલતે કહ્યું કે તે માત્ર અમુક રિપોર્ટના આધારે અને તેના આદેશોથી પ્રભાવિત સંસ્થાઓને સાંભળ્યા વિના તપાસનો આદેશ આપી શકે નહીં. આ વિધાનથી બજારમાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ આ સંદર્ભે વધુ તપાસ ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હોવાના અહેવાલોએ શેરોમાં કરંટ જોવા મળ્યો હતો. નિફ્ટી માટે ૨૦,૦૦૦ના સ્તરને આંબવા ૧૯,૮૦૦ની સપાટી નિર્ણાયક હોવાનું બજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે.
એશિયન બજારોમાં સિઓલ અને શાંઘાઈ પોઝિટીવ ઝોનમાં સ્થિર થયા હતા, જ્યારે ટોક્યો અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં ગબડ્યાં હતાં. યુરોપિયન બજારો મોટે ભાગે નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે અમેરિકન બજારોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૧૯ ટકા વધીને ૮૦.૯૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
બજારના સાધને અનુસાર ત્રીજા ક્વાર્ટરના જીડીપી ડેટા, ઓટો સેલ્સ ડેટા, પીએમઆઇ ડેટા અને યુએસ જીડીપી ડેટા, ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ, યુએસ પીએમઆઇ ડેટા અને યુરોઝોન કોર સીપીઆઇ ડેટા શેરબજારના વલણોની દિશાને સામૂહિક રીતે પ્રભાવિત કરશે.
હાલ બજારને ખલેલ પહોંચાડી શકે એવા આંતરરાષ્ટ્રીય પરિબળો શાંત છે, ત્યારે બજારના સહભાગીઓ ક્રૂડ ઓઇલના ભાવ, યુએસ બોન્ડની ઉપજ અને ડોલર ઇન્ડેક્સની ગતિવિધિઓ પર નજર રાખશે. સૌથી મહત્ત્વની બાબતમાં રોકાણકારો એક્ઝિટ પોલ પર પણ ચાંપતી નજર રાખશે.
દરમિયાન, સ્થાનિક મોરચે સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંનું એક ૩૦ નવેમ્બરે મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા નામના પાંચ રાજ્યો માટે બહુપ્રતીક્ષિત એક્ઝિટ પોલની આગાહી હશે, જે મતદાન પછી ૩૦ નવેમ્બરે સાંજે જાહેર કરવામાં આવશે. તેલંગાણામાં. અન્ય ચાર રાજ્યોમાં ગયા સપ્તાહે મતદાન પૂર્ણ થયું હતું. સ્થાનિક મેક્રો ઇકોનોમિક મોરચે, ત્રીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગુરૂવાર, ૩૦મી નવેમ્બરે રિલીઝ થશે. શુક્રવાર, ૧લી ડિસેમ્બરે, ઉત્પાદન ક્ષેત્ર માટે પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) ડેટા જાહેર થવાનો છે. પાછલા સપ્તાહે યુએસ બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઘટાડો થયો હોવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ને તેમની વેચવાલી ધીમી કરવાની ફરજ પડી છે. મહત્ત્વની વાત એ છે કે, તેઓ શુક્રવારે રૂ. ૨,૬૨૫ કરોડની મોટી ખરીદી સાથે આ મહિનામાં ચાર દિવસે ખરીદદાર રહ્યાં હતા.