શેર બજાર

ટ્રમ્પનો જાદુ એક દિવસમાં ઓસરી ગયો: સેન્સેક્સ ૮૫૦ પોઇન્ટ તૂટ્યો, બજારની નજર ફેડરલના વ્યાજ દરના નિર્ણય પર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પના વિજયનો ઉન્માદ એક દિવસમાં ઓસરી જતાં ભારતીય બજારમાં એકતરફ લેવાલી થંભી ગઇ હતી અને એફઆઇઆઇની વેચવાલી જારી રહી હોવાથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. પાછલા સત્રમાં ૯૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાવનાર સેન્સેક્સ આ સત્રમાં ૮૩૬ પોઇન્ટ ગબડ્યો હતો. સેન્સેક્સ ૮૩૬.૩૪ પોઈન્ટ અથવા ૧.૦૪ ટકા ઘટીને ૭૯,૫૪૧.૭૯ની સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન તે ૯૫૮.૭૯ પોઈન્ટ અથવા ૧.૧૯ ટકા ઘટીને ૭૯,૪૧૯.૩૪ સુધી પહોંચ્યો હતો. નિફ્ટી ૨૮૪.૭૦ પોઈન્ટ અથવા ૧.૧૬ ટકા ઘટીને ૨૪,૧૯૯.૩૫ પર બંધ થયો છે.

ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ લુઝર શેરોની યાદીમાં રહ્યાં હતાં. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પેકમાંથી એકમાત્ર એવો શેર હતો જે પોઝિટિવ ઝોનમાં ટક્યો હતો. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે રૂ.૪,૪૪૫.૫૯ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. વોલ્ટાસ, ઓબરોય રિઅલ્ટી, બીએસઇ, કલ્યાણ જ્વેલર્સ અને અલેકમ લેબોરેટરીઝના શેર ૨૫મી નવેમ્બરથી એમએસસીઆઇ ઇન્ડિયા ઇન્ડેક્સમાં સામેલ થશે. ભારતી ટેલિકોમે ઇન્ડિયન કોનિટનેન્ટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડમાંથી ભારતી એરટેલનો ૧.૨ ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ સોદાની અંદાજિત રકમ રૂ.૧૧,૬૮૦ કરોડ હોિ શકે છે, જોકે કંપનીએ આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બીજા ક્વાર્ટરમાં ૩૫ ટકાના વધારા સાથે રૂ.૩૧૭૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગોયલ સોલ્ટ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળાના અનઓડિટેડ પરિણામોમાં ૫૯.૬૭ ટકાના વધારા સાથે રૂ.૭૪.૮૨ કરોડની કુલ આવક અને ૨૮૬.૩૫ ચકાના વધારા સાથે રૂ. ૯.૩૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ૨૧૯.૬૫ ટકાના વધારા સાથે રૂ.૧૩.૧૩ કરોડની સપાટીએ રહ્યો છે. અમેરિકામાં ટ્રમ્પના વિજયના ઉન્માદમાં ૧૦૦૦ પોઇન્ટના ઉછાળા બાદ ઉન્માદ શમી જતાં ગુરુવારે શેરબજાર ઝડપી ગતિએ ૯૦૦ પોઇન્ટ નીચે ખાબકતા બજારના વિશ્લેષકોને પણ આશ્ર્ચર્ય થયું હતું કારણ કે ટ્રમ્પ ઉન્માદ ગણતરીના કલાકોમાં ઓગળી જશે એવી કલ્પના નહોતી. યુએસ પ્રમુખપદની રેસમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ પાછલા સત્રમાં તાત્કાલિક સેન્ટિમેન્ટલ અસરને કારણે જોરદાર ઉછાળો નોંધાવ્યા બાદ ગુરુવારે બેન્ચમાર્ક ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં સરકી ગયા છે. જોકે બજારની નજર હજુ પણ અમેરિકા પર છે. રોકાણકારો હવે વ્યાજ દરનું મૂલ્યાંકન કરવા માટે યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠક અને દર અંગેના આગામી નિર્ણય તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

અમેરિકન બજારોમાં ઉછાળો હોવા છતાં ડોનલ્ડ ટ્રમ્પની ચૂંટણીની જીત પર ભારતીય શેરબજારોએ નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. વિશ્ર્લેષકો ચેતવણી આપે છે કે ટ્રમ્પની નીતિઓની અસરને કારણે રૂપિયો નબળો પડી શકે છે, વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે અને ભારતમાંથી વિદેશી ફંડોની વેચવાલી વધી શકે છે. બજારના સાધનો અનુસાર, અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આસપાસના પ્રારંભિક બજારનો ઉત્સાહ ગુરુવારે ઝડપથી ઓછો થઈ ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button