શેર બજાર

ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન માથે આવતા દિશાવિહિન બની બજાર અથડાઇ ગયું, રોકાણકારોની નજર ટ્રેડ ડીલ પર!

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
અમેરિકાની નવમી જુલાઇની ટેરિફ ડેડલાઇન નજીક આવવા સાથે એશિયાઇ બજારોમાંથી પણ નબળા સંકેત મળવાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાઇ જતાં બજાર સોમવારે સપ્તાહના પહેલા દિવસે અથડાઇ ગયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને કારણે પણ બજારનું માનસ ડહોળાયું હતું. રોકાણકારોની નજર હવે અમેરિકાની ટ્રેડ ડીલ પર મંડાયેલી છે.

સેન્સેક્સ સત્ર દરમિયાન ૮૩,૫૧૬.૮૨ પોઇન્ટ અને ૮૩,૨૬૨.૨૩ પોઇન્ટની વચ્ચે અથડાઇને અંતે માત્ર ૯.૬૧ પોઇન્ટ અથવા તો ૦.૦૧ ટકાના સુધારા સાથે ૮૩,૪૪૨.૫૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી માંડ ૦.૩૦ પોઇન્ટ અથવા તો ૦.૦૦૧૨ ટકાના નજીવા સુધારા સાથે ૨૫,૪૬૧.૩૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

આપણ વાંચો: ટ્રમ્પે બ્રિક્સને અમેરિકા વિરોધી ગણાવ્યું, વધારાના 10% ટેરિફની ધમકી આપી

સેન્સેક્સના શેરોમાં હિંદુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્રા બેન્ક, ટ્રેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રઈઝ, એશિયન પેઇન્ટ, અને આઇટીસીનો સમાવેશ સૌથી વધુ વધનારા શેરોમાં થયો હતો. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ સુઝુકી અને એટર્નલનો સૌથી વધુ ઘટનારા શેરોમાં સમાવેશ હતો. ઓપેકે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં વધારો કર્યો હોવાથી ઓએનજીસી, ઇન્ડિયન ઓઇલ સહિતની કંપનીઓના શેરમાં પાચેક ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો.

સ્માર્ટવર્કસ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડ રૂ. ૫૮૩ કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ મેઇનબોર્ડ ઇશ્યુ માટે પ્રાઇસ બેન્ડ રૂ. ૩૮૭-૪૦૭ પ્રતિ શેર છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિગ નવમી જુલાઇએ ખૂલશે, ભરણું ૧૪મી તારીખે બંધ થશે. ભંડોળમાંના રૂ. ૨૨૬ કરોડનો ઉપયોગ નવા સેન્ટરના ફિટ આઉટ્સ તથા નવા સેન્ટરની સિક્યોરિટી ડિપોઝિટ માટે થશે. રૂ. ૧૧૪ કરોડ કરજ ચૂકવણી માટે અને બાકીના કોર્પોરેટ હેતુસર થશે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.

આપણ વાંચો: ટ્રમ્પની ટેરિફની ડેડલાઇન પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું પીએમ મોદી ઝૂકી જશે

પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે આવનારા જાહેર ભરણાંઓમાં એન્થેમ બાયોસાયન્સ, સ્માર્ટવર્કસ કોવર્કિંગ, સ્પુનવેબ નોનવોવન, એસ્ટન ફાર્માસ્યુટિકલ્સ, ગ્લેન ઇન્ડસ્ટ્રીઝ આઇપીઓ, સીએફએફ ફ્લુઇડ કંટ્રોલ અને એનએસડીએલના આઇપીઓનો સમાવેશ છે.

સેકટરલ ધોરણે એફએમસીજી ઇન્ડેક્સ ૧.૬ ટકા, ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ ૦.૪ ટકા વધ્યો હતો, જ્યારે મીડિયા ઇન્ડેક્સ એક ટકા, આઇટી અને મેટલ ઇન્ડેક્સ ૦.૭ ટકા ગબડ્યા હતા. નિફ્ટીમાં ટેક મહિન્દ્રા, ભારત ઇલેક્ટ્રોનિક્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી, એટરનલ ટોપ લુઝર સ્ટોક્સની યાદીમાં રહ્યા હતા, જ્યારે એચયુએલ, ટાટા ક્ધઝ્યુમર, નેસ્લે ઇન્ડિયા, જિયો ફાઇનાન્શિયલ અને આઇશર મોટર્સ ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં હતા.

આપણ વાંચો: ટ્રમ્પની ટેરિફ વોર્નિંગ: આજે રાતથી 12 દેશને મળશે ચેતવણી પત્રો, ભારત પર શું થશે અસર?

સ્ટોક સ્પેસિફિક એક્શનમાં, પહેલા ક્વાર્ટરના પરિણામ બાદ નાયકાના શેરમાં સુધારો જોવા મળ્યો, પૂર્વાંકારા અને હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરમાં કરંટ જોવા મળ્યો હતો ગોદાવરી બાયોરિફાઇનરીના શેર સ્પેનમાં કેન્સર વિરોધી પરમાણુ માટે યુરોપિયન પેટન્ટ માન્ય હોવા છતાં ગબડ્યા હતા.

કોર્પોરેટ પરિણામની પણ બજારમાં માનસ પર સારી અસર જોવા મળે છે ટીસીએસના પ્રથમ ત્રિમાસિક નાણાકીય પરિણામ સાથે કોર્પોરેટ કમાણીની મોસમ શરૂ થશે. આઇટી સેકટરની ટોચની અગ્રણી ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) આ અઠવાડિયે તેમના નાણાકીય વર્ષ ૨૦૨૬વના પ્રથમ ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર કરશે.

વિશ્ર્લેષકો માને છે કે પરિણામો વ્યાપક કમાણીની મોસમ માટે સૂર નક્કી કરશે અને તેની બજાર પર સીધી, તાત્કાલિક અસર જોવા મળશે. હાલના મૂલ્યાંકનને યોગ્ય ઠેરવવા માટે બજારો કમાણીમાં રિકવરીના સંકેતો શોધશે અને તે પ્રમાણે પ્રત્યાધાત જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button