સપ્તાહ દરમિયાન ટોચની 10 કંપનીઓ પૈકી સાત કંપનીઓના માર્કેટકેપમાં રૂ. 88,635 કરોડનું ધોવાણ, એરટેલ, ટીસીએસ મોખરે

નવી દિલ્હીઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત સપ્તાહના કામકાજનાં માત્ર ચાર સત્રમાં બજારનો અન્ડરટોન નરમ રહ્યો હોવાથી ટોચની 10 કંપનીઓના માર્કેટકેપમાં રૂ. 88,635.28 કરોડનું ધોવાણ થયું હતું, જેમાં એરટેલ અને ટીસીએસ મોખરે રહ્યા હતા.
ગત બુધવારે ગુરુ નાનક જયંતીની જાહેર રજાને કારણે બજાર બંધ રહેતાં સપ્તાહના માત્ર ચાર સત્રના કામકાજોમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 722.43 પૉઈન્ટનો અને 229.8 પૉઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. સપ્તાહ દરમિયાન ટોચની દસ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ., એચડીએફસી બૅન્ક, ભારતી એરટેલ, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસ લિ., આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઈન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનીલિવરના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઘટાડો થયો હતો, જ્યારે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાનાં માર્કેટકેપમાં વધારો થયો હતો.
આ પણ વાંચો: વર્ષ ૨૦૨૫ના સૌથી ખરાબ સપ્તાહમાં માર્કેટ કેપમાં રૂ.૧૫.૭૭ લાખ કરોડનું જંગી ધોવાણ
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર સપ્તાહ દરમિયાન માર્કેટકેપમાં સૌથી વધુ ધોવાણ ભારતી એરટેલમાં જોવા મળ્યું હતું અને માર્કેટ કેપ રૂ. 30,506.26 કરોડ ઘટીને રૂ. 11,41,048.30 કરોડની સપાટીએ રહ્યું હતું. ત્યાર બાદ અનુક્રમે ટીસીએસનું માર્કેટકેપ રૂ. 23,680.38 કરોડ ઘટીને રૂ. 10,82,658.42 કરોડ, હિન્દુસ્તાન યુનીલિવરનું માર્કેટકેપ રૂ. 12,253.12 કરોડ ઘટીને રૂ. 5,67,308.81 કરોડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નું માર્કેટકેપ રૂ. 11,164.29 કરોડ ઘટીને રૂ. 20,00,437.77 કરોડ, એચડીએફસી બૅન્કનું માર્કેટકેપ રૂ. 7303.93 કરોડ ઘટીને રૂ. 15,11,375.21 કરોડ, ઈન્ફોસિસનું માર્કેટકેપ રૂ. 2139.52 કરોડ ઘટીને રૂ. 6,13,750.48 કરોડ અને આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટકેપ રૂ. 1587.78 કરોડ ઘટીને રૂ. 9,59,540.08 કરોડની સપાટીએ રહ્યું હતું.
જોકે, સપ્તાહ દરમિયાન લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 18,469 કરોડ વધીને રૂ. 5,84,366.54 કરોડ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 17,492.02 કરોડ વધીને રૂ. 8,82,400.89 કરોડ અને બજાજ ફાઈનાન્સનું માર્કેટકેપ રૂ. 14,965.08 કરોડ વધીને રૂ. 6,63,721.32 કરોડની સપાટીએ રહ્યું હતું.



