શેર બજાર

વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બનવા માટે ભારતે ૨૦ વર્ષ સુધી ૮થી ૯ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવો જરૂરી: ડેલોઈટ

નવી દિલ્હી: સ્વાતંત્ર્યની શતાબ્દી સુધીમાં અથવા તો વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસીત રાષ્ટ્ર બનાવવાનાં વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે આગામી ૨૦ વર્ષ સુધી દેશમાં ૮થી ૯ ટકાનો વૃદ્ધિદર જરૂરી હોવાનું ડેલોઈટના દક્ષિણ એશિયાના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર રોમલ શેટ્ટીએ આજે જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે ભારતને ‘ચાઈના પ્લસ વન’ વ્યૂહનો લાભ મળી શકે તેમ છે કે કેમ કે અન્ય કોઈપણ દેશ અહીં ઉપલબ્ધ છે એવાં ઉત્પાદન માટેનાં માપદંડ અને કદ ઓફર કરી શકે તેમ નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે અવકાશ ક્ષેત્રે ભારતમાં ૨૦૦ જેટલા સ્ટાર્ટ અપ્સ છે અને તે વર્ષ ૨૦૪૦ સુધીમાં ૧૦૦ અબજ ડૉલરના રોકાણ આકર્ષી શકે તેમ છે. જોકે, વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મધ્યમ આવકના સ્તરથી દૂર થઈને ઓછામાં ઓછા ૮થી ૯ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવો જોઈએ. આ ગતિએથી વૃદ્ધિ પામવું સરળ નથી. વિશ્ર્વમાં બહુ ઓછા દેશો વર્ષાનુવર્ષ ધોરણે આઠથી નવ ટકાના દરે વૃદ્ધિ પામતા હોય છે. નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીટીઆઈને આપેલી એક મુલાકાતમાં ભારત નજીકના ભવિષ્યમાં ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન પામશે એવું જણાવ્યું હતું. તેમ જ મને વિશ્ર્વાસ છે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં આપણું અર્થતંત્ર વિકસિત અર્થતંત્રોમાં સમાવિષ્ટ થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય બાબત એ છે કે હાલ વિશ્ર્વમાં ભારતીય અર્થતંત્ર અમેરિકા, ચીન, જાપાન અને જર્મની પાંચમો ક્રમાંક ધરાવે છે. જોકે, એસ ઍન્ડ પી ગ્લોબલે ગયા મહિને જાહેર કરેલા અહેવાલમાં વર્ષ ૨૦૩૧માં ભારતનું અર્થતંત્ર જે હાલ ૩.૪ ટ્રિલિયન ડૉલરના સ્તરે છે તે વધીને ૬.૭ ટ્રિલિયનના સ્તરે પહોંચવાની ધારણા મૂકી હતી.
વધુમાં શેટ્ટીએ જણાવ્યું હતું કે ભારતે કૃષિ અને અવકાશ ઉપરાંત સેમિક્ધડક્ટર, અને ઈલેક્ટ્રિક વાહનો જેવાં ઉભરી રહેલા ક્ષેત્રોમાં રહેલી તકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ ઉપરાંત વેપારના વિકાસ માટે દેશમાં ઝડપી ગતિએ વર્ષે ૧૬,૦૦૦થી ૧૮,૦૦૦ કિલોમીટરના રોડ બાંધવા જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button