ટોપ ન્યૂઝવેપારશેર બજાર

આ વર્ષે ચાંદીવાળાની ચાંદી ચાંદી થઈ ગઈઃ શેરના પ્રમાણમાં આટલું વળતર વધુ મળ્યું

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને માત્ર એક દિવસ બાકી છે, ત્યાર સુધીની આંકડાકીય માહિતી પરથી જાણવા મળે છે કે, વિવિધ એસેટ કલાસમાં તુલનાત્મક વળતરની દ્રષ્ટિએ ઈક્વિટીસ અને રૂપિયા કરતા સોનાચાંદીમાં રોકાણકારોને નોંધપાત્ર વધુ લાભ મળ્યો છે.

ઉપલબ્ધ ડેટા અનુસાર પહેલી એપ્રિલ, 2024થી 28 માર્ચ, 2025ના ગાળામાં રોકાણકારોને ઈક્વિટીસ પર પાંચ ટકાથી સાધારણ વધારે વળતર પ્રાપ્ત થયું છે જ્યારે સોનાચાંદીમાં રોકાણ પર રોકાણકારોને જંગી વળતર પ્રાપ્ત થયું છે. પહેલી એપ્રિલ 2024થી 28મી માર્ચના ગાળામાં સોનાના ભાવમાં અંદાજે 29 ટકા વધારો થયો છે જ્યારે ચાંદી આ એક વર્ષમાં 34 ટકા ઉછળી હોવાનું સ્થાનિક સોનાચાંદી બજારના ભાવ સૂચવે છે.

1લી એપ્રિલ, 2024ના 99.90 સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા 68663 રહ્યા હતા જે 28મી માર્ચના રૂપિયા 89164 બંધ રહ્યા હતા, જ્યારે ચાંદી એક કિલોના રૂપિયા 75111 રહ્યા હતા તે વર્તમાન નાણાં વર્ષના અંતિમ સપ્તાહમાં રૂપિયા એક લાખને પાર કરી રૂપિયા 100892 બંધ રહી હતી. વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ 2207 ડોલર પ્રતિ ઔંસવાળો એક વર્ષમાં વધી 3085 ડોલર રહ્યો હતો. ચાંદી 24.54 ડોલર પરથી વધી 34.50 ડોલર બંધ આવી છે.

ઈક્વિટી રોકાણકારો માટે વર્તમાન નાણાં વર્ષ ભારે ઊથલપાથલમાં પસાર થયું છે. નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં જોવા મળેલો જંગી લાભ પાછલા છ મહિનામાં ધોવાઈ ગયો હતો અને બેન્ચમાર્ક સેન્સેકસે વર્તમાન નાણાં વર્ષના અંતે 5.11 ટકા વળતર પૂરુ પાડયું છે જ્યારે નિફટી પર રોકાણકારોને 5.34 ટકા કમાણી થઈ છે. વૈશ્વિક સ્તરે સોનાચાંદીમાં મોટી તેજીએ ઘરઆંગણે ભાવમાં આકર્ષક વધારો કરાવ્યો છે. અમેરિકામાં નવી સરકારની રચના તથા યુદ્ધની સ્થિતિથી ભૈૌગોલિકરાજકીય તાણને પરિણામે સોનામાં સેફ હેવન બાઈંગે ભાવ ઊંચકાયા છે. વર્તમાન નાણાં વર્ષમાં ડોલર સામે રૂપિયામાં 2.10 ટકાનો ઘટાડો થયો છે. ડોલરનું મૂલ્ય રૂપિયા સામે 83.40 રૂપિયા હતું તે એક વર્ષમાં વધી 85.50 રહ્યું હતું. વર્ષ દરમિયાન એક તબક્કે ડોલરનું મૂલ્ય 88 રૂપિયા જોવા મળ્યુ હતું. ગત નાણાં વર્ષમાં સોનાચાંદીની સરખામણીએ ઈક્વિટી રોકાણકારોને મજબૂત વળતર પ્રાપ્ત થયાનું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો:  Stock Market : વાંચો… આગામી સપ્તાહે કેવી રહેશે શેરબજારની ચાલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button