શેર બજાર

શૅરબજારે અંતિમ તબક્કામાં ઉછાળો મારીને હાંસલ કરી નવી વિક્રમી ઊંચી સપાટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અનિશ્ર્ચિત વાતાવરણમાં નીચા મથાળે શરૂઆત કર્યા બાદ શેરબજારે સત્રના અંતિમ તબક્કામાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં ઉછાલો માર્યો હતો અને સેન્સેક્સ તથા નિફ્ટીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચાડ્યા હતા. બેન્કિંગ અને પાવર શેરોની આગેવાનીએ સત્રના પાછલા ભાગમાં લેવાલી નીકળતાં બેન્ચમાર્ક સેન્સેક્સ પ્રથમ વખત ૮૫,૦૦૦ના સ્તરની ઉપર બંધ થવામાં સફળ થયો છે, જ્યારે નિફ્ટી ૨૬,૦૦૦ની સપાટી વટાવીને બુધવારે તાજી જીવનકાળની ઊંચી સપાટીએ સ્થિર થયો હતો.

દિવસ દરમિયાન જોવા મળેલા વેપાર પછી, ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૨૫૫.૮૩ પોઈન્ટ અથવા ૦.૩૦ ટકા વધીને ૮૫,૧૬૯.૮૭ પોઇન્ટની સર્વકાલીન ટોચ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૩૩૩.૩૮ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૮૫,૨૪૭.૪૨ પોઇન્ટની વિક્રમી ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૬૩.૭૫ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા વધીને ૨૬,૦૦૪.૧૫ પોઇન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, તે ૯૨.૪ પોઇન્ટ અથવા ૦.૩૫ ટકા વધીને ૨૬,૦૩૨.૮૦ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી પાવર ગ્રીડ, એક્સિસ બેન્ક, એનટીપીસી, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એચડીએફસી બેન્ક ટોપ ગેઇનર્સમાં સામેલ થયા હતા, જ્યારે ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં હતા.

એરક્રાફટ સર્વિસ અને ડિફેન્સ ક્ષેત્રે ભાગીદારી અંગે ચર્ચા કરવા માટે બિલિયોનેર ગોતમ અદાણીએ બોમ્બાર્ડિઅરના સીઇઓ એરિક માર્ટેલ સાથે ચર્ચા કરી હતી. અદાણી દેશના સાત એરપોર્ટનું સંચાલન કરે છે, જ્યારે બોમ્બાર્ડિઅર જેટ વિમાન તૈયાર કરે છે. કેઆરએન હીટ એક્સચેન્જરનો આઇપીઓ ખૂલવાની ગણતરીની મિનિટોમાં જ સંપૂર્ણપણે ભરાઇ ગયો હતો અને ત્રણ લાખથી વધુ અરજી મળી હતી.

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાને જાહેર ભરણા માટે સેબીની મંજૂરી મળી ગઇ છે. પ્રવેગ લિમિટેડે ધોરડોમાં ભૂંગાના ઇકો-ફ્રેન્ડલી મેનેજમેન્ટ માટે ગુજરાતના પ્રવાસન નિગમ સાથે મોટો કરાર કર્યો છે, જે અંતર્ગત ગુજરાતના ધોરડોમાં ૩૦ ભૂંગાના સંચાલન, જાળવણી અને સંચાલન માટે નોંધપાત્ર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ભૂંગા કચ્છ પ્રદેશના વતની પરંપરાગત માટીના ઝૂંપડા ઇકો ફ્રેન્ડલી પર્યયનના હિસ્સા હોવાથી સરકાર તેને પ્રોત્સાહન આપે છે. સ્વીગીને આઇપીઓ મારફત માટે સેબીની મંજૂરી મળી છે.

બજાજ ફિનસર્વ, બ્લુ સ્ટાર, બોશ, કેમ્પસ એક્ટિવ, સીએટ, ઇક્લેરક્સ સર્વિસ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇપકા લેબ્સ, એમએન્ડએમ, મહાનગર ગેસ, મેટ્રોપોલિસ, એનટીપીસી, પીસીબીએલ, પાવર ગ્રીડ કોર્પ, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, ટીવીએસ મોટર સહિત લગભગ ૩૦૦ શેરોએ બીએસઇ પર તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શી હતી.
એરટેલે સ્પેમ કોલનો ખાતમો બોલાવવા એઓઆઇ આધારિત નેટવર્ક ટેકનોલોજી અપનાવવાની જાહેરાત કરી છે. બીએસઇના મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યા છે. સેક્ટોરલ મોરચે, પાવર, મેટલ, મીડિયા અને રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૫-૩ ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી, પીએસયુ બેન્ક અને આઇટી ઇન્ડેક્સ ૦.૫-૧ ટકા ઘટ્યા હતા.

નિફ્ટીના શેરોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, એક્સિસ બેંક, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે એલટીઆઇમાઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, ટાટા ક્ધઝ્યુમર, ટાટા મોટર્સ અને ટાઇટન કંપની ટોપ લુઝર્સ રહ્યાં હતાં.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, રેન્જ-બાઉન્ડ ટ્રેડ પછી પાવર અને બેંકિંગ શેરોની આગેવાની હેઠળ બેન્ચમાર્ક શેરઆંક સત્રના પાછલા ભાગમાં ઊંચી સપાટી તરફ આગળ વધ્યાં હતાં, જ્યારે ઊંચા વેલ્યુએશન્સની ચિંતા વચ્ચે કરેકશન આવતાં મિડકેપ અને સ્મોલકેપ શેરઆંક નીચી સપાટીએ ગબડ્યા હતા. .

ઇક્વિટી એનાલિસ્ટે એવી ચેતવણી પણ આપી છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહમાં ઘટાડો અને સસ્તા વેલ્યુએશનને કારણે અન્ય ઊભરતાં બજારોમાં એફઆઇઆઇ ભંડોળના સ્થાનાંતરણને કારણે સ્થાનિક બજારને ટૂંકા ગાળાના પડકારોનો સામનો કરવો પડી શકે છે.

એશિયન બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા જ્યારે સિયોલ અને ટોક્યિો નેગેટિવ ઝોનમાં ધકેલાયા હતા. યુરોપિયન બજારો મોટે ભાગે નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે અમેરિકી બજારો ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૨,૭૮૪.૧૪ કરોડના મૂલ્યની ઇક્વિટીઓ ઓફલોડ કરી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૫ ટકા ઘટીને ૭૪.૯૧ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.

નોંધવું રહ્યું કે, મંગળવારે દિવસ દરમિયાન ઊંચા અને નીચા સ્તર વચ્ચે અથડાયા પછી, બીએસઇ બેન્ચમાર્ક ૧૪.૫૭ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકા ઘટીને ૮૪,૯૧૪.૦૪ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૨૩૪.૬૨ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકા ઉછળીને ૮૫,૧૬૩.૨૩ની તાજી ઓલ-ટાઇમ ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૧.૩૫ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકાનો નજીવો વધારો નોંધાવી ૨૫,૯૪૦.૪૦ના સ્તરે પહોંચ્યો હતો. દિવસ દરમિયાન, તે ૭૨.૫ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકા વધીને ૨૬,૦૧૧.૫૫ ના નવા રેકોર્ડ ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો.

યુટિલિટીઝ અને પાવર ઈન્ડેક્સ સૌથી અધિક વધ્યા હતા અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સની ૨૦ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૦ સ્ક્રિપ્સ ઘટી હતી. બુધવારે બીએસઈ સેન્સેક્સ મંગળવારના ૮૪,૯૧૪.૦૪ના બંધથી ૨૫૫.૮૩ પોઈન્ટ્સ (૦.૩૦ ટકા) વધ્યો હતો.

જોકે, બીએસઇની સાઇટ અનુસાર માર્કેટ કેપ રૂ. ૦.૮૨ લાખ કરોડ ઘટીને રૂ. ૪૭૫.૨૫ લાખ કરોડ રહ્યું હતું.

એક્સચેન્જમાં ૪,૦૬૫ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૬૯૭ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૨૫૬ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૧૨ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૨૬૭ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૩૮ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૫૩ ટકા વધ્યો અને બીએસઈ સ્મોલકેપ ૦.૩૫ ટકા ઘટ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૯૫ ટકા ઘટ્યો હતો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૮૭ ટકા વધ્યો હતો.

સેકટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ યુટિલિટીઝ ૦.૯૯ ટકા, પાવર ૦.૮૭ ટકા, રિયલ્ટી ૦.૭૧ ટકા, મેટલ ૦.૪ ટકા, બેન્કેક્સ ૦.૩૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૨૪ ટકા, કોમોડિટીઝ ૦.૨૩ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૦૯ ટકા અને એનર્જી ૦.૦૨ ટકા વધ્યા હતા, જ્યારે કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬૭ ટકા, આઈટી ૦.૫૯ ટકા, એફએમસીજી ૦.૪૭ ટકા, સર્વિસીસ ૦.૩૮ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૩૪ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૩૨ ટકા, ઓટો ૦.૨૮ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૨૭ ટકા, ટેક ૦.૨૬ ટકા, હેલ્થકેર ૦.૧૪ ટકા અને ઓઈલ એન્ડ ગેસ ૦.૦૩ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે પાવર ગ્રીડ ૩.૯૧ ટકા, એક્સિસ બેન્ક ૨.૧૮ ટકા, એનટીપીસી ૧.૯૪ ટકા, બજાજ ફિનસર્વ ૧.૧૦ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૯૧ ટકા, તાતા સ્ટીલ ૦.૯૫ ટકા, એચડીએફસી બેન્ક ૦.૫૯ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૫૮ ટકા, આઈટીસી ૦.૪૨ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૭ ટકા અને એચસીએલ ટેકનોલોજી ૦.૩૫ ટકા વધ્યા હતા.

જ્યારે ટેક મહિન્દ્ર ૨.૨૧ ટકા, તાતા મોટર્સ ૧.૩૯ ટકા, ટાઈટન ૦.૯૨ ટકા, સ્ટેટ બેન્ક ૦.૬૮ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૦.૬૭ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૫૩ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૪૩ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૧૫ ટકા અને હિંદુસ્તાન યુનિલિવર ૦.૧૫ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૭૨.૮૦ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૪૧૫ સોદામાં ૮૫૨ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૫,૫૫,૧૯૭ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૩,૭૮,૪૨૮.૦૫ કરોડનું રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button