શેરબજારમાં ચાર સત્રની આગેકૂચને બ્રેક, નિફ્ટી ફરી ૨૫,૦૦૦ તરફ પાછો ફર્યો

નિલેશ વાઘેલા
મુંબઇ: એશિયાઇ બજારોની પીછેહઠ સાથે સ્થાનિક સ્તરે રિલાયન્સ, એચડીએફસી બેન્ક સહિતના બ્લુચીપ શેરમાં પ્રોફિટ બુકિંગ શરૂ થતાં બેન્ચમાર્કે ચાર સત્રની આગેકૂચને બ્રેક મારી હતી અને નિફ્ટી ફરી ૨૫,૦૦૦ તરફ પાછો ફર્યો હતો, જ્યારે સેન્સેક્સ ૮૨,૦૦૦ની સપાટીથી વધુ દૂર ખસેડાયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું.
સેન્સેક્સ સત્ર દરમિયાન ૬૧૨ પોઇન્ટની અફડાતફડી સાથે ૮૨,૨૫૮ની ઊંચી અને ૮૧,૬૪૬ની નીચી સપાટી વચ્ચે ફંગોળાઇ અંતે ૧૫૩.૦૯ પોઇન્ટ અથવા તો ૦.૧૯ ટકાના ઘટાડા સાથે ૮૧,૭૭૩.૬૬ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૬૨.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૨૫ ટકાના ઘટાડા સાથે ૨૫,૦૪૬.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સના શેરોમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારત ઇલેક્ટ્રોનિકસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટ્રેન્ટ, સન ફાર્મા, પાવર ગ્રીડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ લુઝર રહ્યા હતા. જ્યારે ટાઇટન, ઇન્ફોસિસ, ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ, એચસીેલ ટેક અને ટેક મહિન્દ્રા ટોપ ગેઇનર્સ શેરની યાદીમાં હતાં.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાએ ઔંશ દીઠ પહેલી વાર ૪૦૦૦ ડોલરની સપાટી પાર કરી લીધા બાદ આઠ દિવસમાં પહેલી વાર અમેરિકન શેરબજાર ગબડ્યા હતા અને તેને કારણે એશિયાઇ બજારોમાં પીછેહઠ રહી હતી. ગોલ્ડના ભાવ ૨૫.૪૦ ડોલરના વધારા સાથે ઔંશદીઠ ૪૦૨૯.૬૦ ડોલર હોલાયા હતા.
જાપાનમાં નવાં અને પહેલા મહિલા વડાપ્રધાન સનાઇ તાકાઇચીના શાસનમાં કરવેરામાં ઘટાડા અને સરકારી ખર્ચમાં વધારાની સાથે ધિરાણ સરળ બનાવવાની હિમાયત થશે અને તેને કારણે બેન્ક ઓફ જાપાનની વ્યાજદર વધારવાની કવાયત અટકી જશે એવી અટકળો પાછળ જાપાની યેનમાં ડોલર સામે તીવ્ર ઘટાડો થયો હતો.
પેસીવ મ્યુચ્યુઅલ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ ૨૦૨૫માં ઝડપી વૃદ્ધિ સાથે રૂ. ૧૨.૨૦ લાખ કરોડની સ્તરે પહોંચી છે, જે ૨૦૧૯ના રૂ. ૧.૯૧ લાખ કરોડ સામે, એટલે કે છ વર્ષમાં છગણી વૃદ્ધિ દર્શાવે છે. માર્ચ ૨૦૨૩થી બે વર્ષમાં એસેટ બેઝમાં ૧.૭૦ ગણો વધારો થયો છે.
ટોચના ફંડ મેનેજરે કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરની કમાણીની મોસમ શરૂ થઈ રહી હોવાથી બજારની ચાલ માટે આ અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે, આઇટી અગ્રણી કંપની ટીસીએસ આજે નવમી ઓક્ટોબરે પરિણામો જાહેર કરશે. સપ્ટેમ્બર ૨૦૨૫માં પૂરા થયેલા ક્વાર્ટર માટે ટીસીએસના કોર્પોરેટ પરિણામ જાહેર થશે ત્યારે આઇટી ક્ષેત્ર સ્પોટલાઇટમાં રહેશે.
દરમિયાન, એનએસઇ અને બીએસઇ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા પરિપત્રો મુજબ, દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર આ વર્ષે ૨૧ ઓક્ટોબરે યોજાશે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યાની વચ્ચે યોજાશે અને ટ્રેડ મોડિફિકેશનનો અંતિમ સમય બપોરે ૨:૫૫ વાગ્યાનો રહેશે. આ ઉપરાંત ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ જેવા વિવિધ સેગમેન્ટમાં એક જ સમય સ્લોટમાં ટ્રેડિંગ થશે.
આપણ વાંચો : મૂડીબજારમાં મંદીનો વાયરો? ડિસ્કાઉન્ટ લિસ્ટિંગની વધતી સંખ્યા



