સેન્સેક્સ લગભગ ૬૦૦ પોઇન્ટ ઊછળ્યો, પરંતુ નવી વિક્રમી સપાટીથી છેટો જ રહી ગયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી છે, જ્યારે સેન્સેક્સમાં ૧૫૦ પોઈન્ટ્સનો સુધારો જોવા મળ્યો છે. વૈશ્ર્વિક ઈક્વિટીમાં મોટા પ્રમાણમાં હકારાત્મક વલણ વચ્ચે મુખ્યત્વે પાવર, કેપિટલ ગુડ્સ અને ઔદ્યોગિક શેરોમાં લેવાલીને કારણે નિફ્ટીએ નવી વિક્રમી સપાટી હાંસલ કરી હતી, જ્યારે સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ ઊચળવા છતાં અંતે તેની વિક્રમી સપાટીથી છેટો રહી ગયો હતો.
અમેરિકાની ફેડરલ રિઝર્વના નિર્ણયની જાહેરાત અગાઉ એશિયાઇ શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જોકે, સ્થાનિક સ્તરે સત્ર દરમિયાન એચડીએફસી બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા પસંદગીના ઇન્ડેક્સ હેવીવેઇટ કાઉન્ટર્સ પર ભારે લેવાલી નીકળવાને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.
સારી એવી અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ ૧૪૯.૯૮ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકા વધીને ૭૬,૬૦૬.૫૭ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૫૯૩.૯૪ પોઈન્ટ અથવા ૦.૭૭ ટકા વધીને ૭૭,૦૫૦.૫૩ પોઇન્ટના સ્તર પર પહોંચ્યો હતો. આમ બીએસઇ બેન્ચમાર્ક ૭૭,૦૭૯.૦૪ પોઇન્ટની તેની અગાઉની જીવનકાળની ટોચને સ્પર્શવાથી માત્ર ૨૮.૫૧ પોઈન્ટ દૂર છે.
એનએસઇનો નિફ્ટી ૧૭૭.૧ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકા વધીને ૨૩,૪૪૧.૯૫ પોઇન્ટની નવી નવી ઈન્ટ્રા-ડે ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો અને અંતે ૫૮.૧૦ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાના વધારા સાથે ૨૩,૩૨૨.૯૫ પોઇન્ટની નવા શિખરે બંધ થયો છે.
સેન્સેક્સ ચાર્ટ પર પાવર ગ્રીડ સૌથી વધુ ૨.૫૪ ટકા વધ્યો હતો, ત્યારબાદ ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ અને એચસીએલ ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે. આનાથી વિપરીત, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસીસ અને ટાઇટન ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતાં. ગ્લેનમાર્કને અમેરિકાન હેલ્થ રેગ્યુલેટર યુએસ એફડીએ તરફથી એસિડિટીની સારવાર માટેના જેનેરિક ડ્રગ્સના માર્કેટિંગની પરવાનગી મળી ગઇ છે. જેપીઇન્ફ્રાટેકના અટકેલા પ્રોજેકટમાં બાંધાકમ કાર્ય શરૂ કરવા માટે સુરક્ષા ગ્રુપે તેમાં રૂ. ૧૨૫ કરોડનું રોકાણ કર્યું છે.
ડી ડેવલપમેન્ટ લિમીટેડની પ્રારંભિક જાહેર ઓફર સાથે ૧૯ જૂને બજારમાં પ્રવેશ કરશે અને ભરણું ૨૧મીએ બંધ થશે, જ્યારે એન્કર ઇન્વેસ્ટર્સમાટે બીડીંગની ૧૮ જૂન રહેશે. ઇક્વિટી શેરદીઠ રૂ. ૧૯૩થી રૂ. ૨૦૩ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યુ છે. મિનિમમ બિડ લોટ ૭૩ શેરનો છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં બીડીંગ કરતા લાયક કર્મચારીઓને શેરદીઠ રૂ.૧૯ નું ડિસ્કાઉન્ટ ઓફરજાહેર કરાયું છે.
જેમ એન્વાયરો મેનેજમેન્ટ લિમિટેડનો આઇપીઓ ૧૯ જૂન, ૨૦૨૪ના રોજ ખુલશે અને ૨૧મી જૂને બંધ થશે. ઈશ્યુનું કદ રૂ. ૪૪.૯૩ કરોડ છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૧થી રૂ. ૭૫ પ્રતિ શેર નક્કી થઇ છે.
લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે. શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે. લીડ મેનેજર શેર ઈન્ડિયા કેપિટલ સર્વિસ અને ફિન્ટલેક્ચ્યુઅલ કોર્પોરેટ એડવાઈઝર્સ છે. રજિસ્ટ્રાર સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસીસ છે.
એશિયન બજારોમાં, સિયોલ અને શાંઘાઈ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા, જ્યારે ટોક્યો અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં લપસીને નીચા સ્તરે બંધ થયા છે. મધ્યસત્રના સોદા દરમિયાન યુરોપિયન બજારો ખુલતા સત્રમાં મોટાભાગે લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. મંગળવારે અમેરિકન બજારો મોટાભાગે ઊંચા સ્તરે બંધ રહ્યા હતા.
એક્સચેન્જ ડેટા અનુસાર ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૧૬ ટકા વધીને ડોલર ૮૨.૮૭ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ મંગળવારે રૂ. ૧૧૧.૦૪ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.
મંગળવારે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૩.૪૯ પોઈન્ટ અથવા ૦.૦૪ ટકા ઘટીને ૭૬,૪૫૬.૫૯ પોઇન્ટ પર સેટલ થયો હતો. અસ્થિર વેપારમાં, નિફ્ટી ૫.૬૫ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકાના વધારા સાથે ૨૩,૨૬૪.૮૫ પોઇન્ટ પર બંધ થયો હતો.
બજારમાં અફડાતફડી રહી હતી પરંતુ તેની રેન્જ આગલા સત્રો જેટલી વિસ્તૃત નહોતી. જીઓજિતના ચીફ એનાલિસ્ટ વી કે વિજયકુમારે કહ્યું હતું કે પાછલા પાંચ દિવસમાં ઇન્ડિયા વીઆઇએક્સ ઇન્ડેક્સમાં નોંધાયેલા ૩૨ ટકાના ઘટાડાનો અર્થ એ થાય છે કેઊંંચી અને ભયાનક અફડાતફડીના દિવસો હવે પૂરા થયા અને બજાર કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યું છે. બજાર હવે ફંડામેન્ટલ્સ અને સમાચારોના પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે પાવર ગ્રીડ ૨.૫૪ ટકા, ટેક મહિન્દ્ર ૧.૫૬ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૧૮ ટકા, એનટીપીસી ૧.૦૨ ટકા, અલ્ટ્રા સિમેન્ટ ૦.૯૯ ટકા, લાર્સ એન્ડ ટુબ્રો ૦.૮૧ ટકા, ભારતી એરટેલ ૦.૭૭ ટકા, બજાજ ફિનસર્વ ૦.૭૧ ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૫૯ ટકા, એચડીએફસી બેન્ક ૦.૫૮ ટકા અને તાતા સ્ટીલ ૦.૫૦ ટકા વધ્યા હતા, જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૩૪ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૦૩ ટકા, ઈન્ફોસિસ ૦.૭૧ ટકા, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ ૦.૬૪ ટકા, એક્સિસ બેન્ક ૦.૫૪ ટકા અને નેસ્લે ૦.૫૦ ટકા ઘટ્યા હતા.