શેર બજાર

સેન્સેક્સ 461 પોઇન્ટની અફડાતફડીમાં અટવાઇને છેવટે અથડાઇ ગયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્વબજારના નબળા સંકેત અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલીના દબામ વચ્ચે શેરબજાર ભારે અફડાતફડી મચાવી અંતે અથડાઇ ગયું હતું. સેન્સેક્સમાં સત્ર દરમિયાન 461.60 પોઇન્ટની અફડાતફડી નોંધાઇ હતી. અંતે સેન્સેક્સ માત્ર 14.54 પોઇન્ટ અથવા તો 0.02 ટકાના સુધારા સાથે 66,023.69 પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક 66,225.63 પોઇન્ટની ઊંચી અને 65,764.03 પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. નિફ્ટી 0.30 પોઇન્ટના સુધારા સાથે 19,674.55ની સપાટીએ સ્થિર થયો હતો.

બજાજ ફાઇનાન્સ 4.64 ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર્સ બન્યો હતો. અન્ય વધનારા અગ્રણી શેરોમાં બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેન્ક, એશિયન પેઇન્ટસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેન્ક એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલનો સમાવેશ હતો. જ્યારે ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસિસ, ઇન્ડસઇન્ડ બેન્ક અને એચસીએલ ટેકનોલોજીનો સમાવેશ હતો.

પ્રાઇમરી માર્કેટમાં એસએમઇ આઇપીઓની ભરમાર ચાલુ છે. સ્પેસ સર્વિસ સોલ્યુશન્સ અને ટેક્નોલોજી સેગમેન્ટની અગ્રણી કોન્ટોર સ્પેસ લિમિટેડ 27મી સપ્ટેમ્બરના રોજ ઈનિશિયલ પબ્લિક ઑફર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ભરણું 3જી ઓક્ટોબરે બંધ થશે. કંપની આ આઇપીઓના માધ્યમથી રૂ. 93ની નિર્ધારિત કિમતે રૂ. 15.62 કરોડ એકત્ર કરવા ધારે છે, તેના શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કરવામાં આવશે.

એ જ રીતે, કેનરીઝ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેગમેન્ટમાં ડિજિટલાઇઝેશન, મોર્ડનાઇઝેશન, ઑટોમેશન અને ઇન્ટેલિજન્સમાં સોલ્યુશન્સ પૂરૂ પાડનાર કેનરીઝ ઑટોમેશન્સ લિમિટેડ 27મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ભરણું 3જી ઓક્ટોબરે બંધ થશે. કંપની રૂ. 47.03 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ લિસ્ટેડ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 29થી રૂ. 31 નક્કી થઇ છે. માર્કેટ લોટ 4,000 ઈક્વિટી શેરનો છે. ડાબર ઇન્ડિયાના પ્રમોટર બર્મન ફેમિલીએ રેલિગર એન્ટરપ્રાઇસિસનો 26 ટકા હિસ્સો હાંસલ કરવા માટે રેલિગરના શેરધારકો સમક્ષ રૂ. 2116 કરોડની ઓપન ઓફર જાહેર કરી છે. મેડિકવર હોસ્પિટલે વિસ્તરણ યોજના હેઠળ કર્ણાટક અને તમિલનાડુમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો છે. હાલ તે મહારાષ્ટ્ર અને તલંગણા સહિત દક્ષિણ ભારતમાં 24 હોસ્પિટલ ધરાવે છે. ઉપરાંત સીએસઆર હેઠળ જાગરુકતા કેમ્પેઇનમાં તે દેશભરમાં 30,000ને સીપીઆર તાલિમ આપશે. કિઆ ઇન્ડિયાએ સેલટોસ અને કેરેન્સના ભાવમાં ઓકટોબરથી બે ટકાનો વધારો જાહેર કર્યો છે.

ટોચની સ્ટોક બ્રોકિંગ ફર્મે જણાવ્યું હતું કે દિવસ દરમિયાન બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં રિઅલ્ટી, બેન્કિંગ અને ક્નઝ્યુમર ડ્યરેબલ સેગમેન્ટની કામગીરી સારી રહી હતી, જ્યારે આઇટી અને ફાર્મા શેરોમાં પીછેહઠ જોવા મળી હતી. રોકાણકારો સક્રિય રીતે વૈશ્વિક બજાર સાથે સંકળાયેલી કંપનીઓમાં માલ હળવો કરી રહ્યા છે અને સ્થાનિક બજાર પર ફોકસ ધરાવતી કંપનીઓમાં એક્સપોઝર વધારી રહ્યાં છે. ઊંચા વ્યાજદના લાંબા સમયગાળાને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનો ભય તોળાઇ રહ્યો છે. એનાલિસ્ટ માને છે કે જેપી મોર્ગનના ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ગવર્મેન્ટ બોન્ડના સમાવેશને કારણે ફંડીંગ કોસ્ટમાં ઘટાડો થવાથી ફાઇનાન્શિયલ સેકટરને લાભ થશે.

એફઆઇઆઇની વેચવાલી પણ ચિંતાનો વિષય છે. એફઆઇઆઇએ 22 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રોકડ સેગમેન્ટમાં રૂ. 8,681 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જે કુલ માસિક આઉટફ્લો રૂ. 18,261 કરોડ પર લઈ ગયો છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) સમગ્ર એફઆઇઆઇ આઉટફ્લોને સરભર કરવામાં નિષ્ફળ ગયા છે કારણ કે તેમણે પાછલા સપ્તાહમાં રૂ. 1,940 કરોડની અને ચાલુ મહિનામાં તેમની ચોખ્ખી ખરીદી રૂ. 12,169 કરોડ હતી.

સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ 4.64 ટકા, બજાજ ફિનસર્વ 2.23 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.60 ટકા, એશિયન પેઈન્ટ્સ 1.44 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ0.92 ટકા વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ 1.42 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.17 ટકા, વિપ્રો 1.10 ટકા, ટીસીએસ 0.70 ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 0.67 ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની 1 કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ 23 કંપનીઓમાંથી 15 કંપનીઓને ઉપલી અને 8 કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button