નિફ્ટી આખરે ૧૯,૦૦૦ની નીચે ખાબક્યો, સેન્સેક્સમાં ૨૮૪ પોઇન્ટનું મસમોટું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: હમાસના યુદ્ધ, એફઆઇઆઇની એકધારી વેચવાલી અને અમેરિકાની ફેડરલ ઓપન માર્કેટ કમિટીના પરિણામની જાહેરાત અગાઉના સાવચેતીના માનસ વચ્ચે ઓકટોબર મહિનાના મેન્યુફેકચરિંગના ડેટા નબળા આવવાથી બજારનું માનસ ડહોળાઇ જતાં વેચવાલીનું દબાણ વધી જવાથી સતત બીજા સત્રની પીછેહઠમાં નિફ્ટી ૧૯,૦૦૦ની સપાટીની નીચે ધસી ગયો હતો જ્યારે સેન્સેક્સમાં પણ ૨૮૪ પોઇન્ટનું મસમોટું ગાબડું પડ્યું હતું. રોકાણકારોએ ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણયની જાહેરાત અગાઉ બજારથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. ભારતનો ઓક્ટોબર મહિનાનો મેન્યુફેકચરિંગ પીએમઆઇ પણ આઠ મહિનાને તળિયે પહોંચ્યો હોવાથી બજારનું માનસ વધુ ખરડાયું હતું. સાર્વત્રિક વેચવાલીના માહોલમાં સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ ધોવાણ થયું હતું. સત્રને અંતે સેન્સેક્સ ૨૮૩.૬૦ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા ઘટીને ૬૩,૫૯૧.૩૩ પોઇન્ટ પર અને નિફ્ટી ૯૦.૪૫ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા ઘટીને ૧૮,૯૮૯.૨૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સકારાત્મક વૈશ્ર્વિક સંકેત છતાં, બજાર નકારાત્મક નોટ સાથે શરૂ થયું હતું અને બપોર સુધી રેન્જબાઉન્ડ અથડાતું રહ્ય હતુું. નિફ્ટીમાં ટોપ લૂઝર્સ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ હતો, જ્યારે સન ફાર્મા, બીપીસીએલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગેઇનર્સ હતા.
રિઝર્વ બેન્કે બોબ વર્લ્ડમાં નવા ગ્રાહકો ઉમેરવા સામે મનાઇ ફરમાવી તે પછી બેન્ક ઓફ બરોડાના ડીજીટલ લેન્ડિંગ બિઝનેસ હેડ અખિલ હાંડાએ રાજીનામું આપી દીધું છે. રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની રેનુકોર્પે તેની સબ્સિડરી કંપની રેનુકોર્પ એમ્પરર હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર એલએલપી અંતર્ગત ૧૮૪ યુનિટના પુન:વિકાસ પ્રોજેક્ટ શિવમ ડાઇનેસ્ટિ શરૂ કર્યો છે, ઉપરાંત કંપની મુંબઇ, પુના, અકોલા અને ચીખલીમાં વિસ્તરણ પણ કરી રહી છે.
કેપિચલ માર્કેટમાં પ્રોટીન ઇ-ગવ ટેક્નોલોજીસ લિમિટેડની રૂ. ૪૯૦ કરોડની પ્રારંભિક પબ્લિક ઑફર છઠી નવેમ્બરે ખુલશે. પ્રાઇસ બેન્ડ ૭૫૨થી ૭૯૨ પ્રતિ ઇક્વિટી શેર દીઠ નિર્ધારિત થઈ છે. ફ્લોર પ્રાઇસ ૭૫.૩૯ ગણી છે અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં ૭૯.૨૦ ગણી છે. બિડ, ઓફર આઠ નવેમ્બરે બંધ થશે. બિડ ઓછામાં ઓછા ૧૮ ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ ૧૮ ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. પાત્ર કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ ૭૫નું ડિસ્કાઉન્ટ અપાશે.
કોર્પોરેટ પરિણામમાં ભારતી એરટેલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક તુલનાત્મક ધોરણે ૩૭.૫ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૩૪૧ કરોડનો ચોખ્ખો કોન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે. ચોખ્ખી આવક એક્સેપ્શનલ આઇટમ સાથે રૂ. ૧૯૬૦ કરોડ રહી છે
વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ) સ્ટુડિયો ક્ષેત્રે અગ્રણી કંપની બેસિલિક ફ્લાય સ્ટુડિયો લિમિટેડે નાણાકીય વર્ષ ૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક માટેના અનઓડિટેડ નાણાકીય પરિણામામાં રૂ.૧૮.૮૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કુલ આવક રૂ. બાવન કરોડ નોંધાઈ છે. એબિટા રૂ. ૨૪.૦૫ કરોડ, એબિટા માર્જિન ૪૬.૩૧ ટકા જ્યારે ચોખ્ખા નફાનું માર્જિન ૩૬.૩૭ ટકા રહ્યું છે. શેરદીઠ કમાણી રૂ. ૨૧.૧૯ રહી છે.
અગ્રણી રિસાયક્લિંગ કંપની ગ્રેવિટા ઇન્ડિયાએ ૩૦મી સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૨૨ ટકાની વદ્ધિ સાથે રૂ. ૮૩૬ કરોડની આવક અને ૩૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૫૭.૮૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ૨૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૭૯.૮૪ કરોડ અને તેનું માર્જિન ત્રણ બેસિસ પોઇન્ટના વધારા સાથે ૯.૫૬ ટકા રહ્યો હતો. પીએટી માર્જિન ૬.૯૨ ટકા રહ્યું હતું.
કોપર, એલ્યુમિનિયમ અને બ્રાસ જેવી નોન-ફેરસ ધાતુઓમાંથી બનેલા વિન્ડિંગ વાયર અને સ્ટ્રીપ્સનું ઉત્પાદન કરતી શેરા એનર્જી લિમિટેડે ૨૦૨૪ના પ્રથમ ક્વાર્ટરમાં ૧૩.૨૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૩૮૪.૪૧ કરોડની કુલ આવક નોંધાવી છે. એબિટા ૨૬.૬૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨૫.૨૮ કરોડ રહ્યો છે. ચોખ્કો નફો ૪૩.૪૨ ટકાના વધારા સાથે રૂ. ૬.૧૪ કરોડ અને નફાનું માર્જિન ૧.૬૦ ટકા નોંધાયું છે.
સેન્સેક્સમાં સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૨.૬૭ ટકા, બજાજ ફિનસર્વ ૦.૪૭ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૩૫ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૧૫ ટકા અને ભારતી એરટેલ ૦.૦૨ ટકા વધ્યા હતા.