પોવેલની સ્પીચ પહેલાની સાવચેતી વચ્ચે અફડાતફડીમાંથી પસાર થયા બાદ બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં માંડ ટકી શક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની સ્પીચ પહેલા શેરબજાર બંને છેડે ઝોલા ખાતું અથડાઇ ગયું હતું અને અંતે માંડ માંડ પઝિટિવ ઝોનમાં ટકી શક્યું હતું. જેક્સન હોલ સિમ્પોસિયમમાં યુએસ ફેડના અધ્યક્ષના ભાષણ પહેલાં મિશ્ર વૈશ્ર્વિક વલણો વચ્ચે આઇસીઆઇસીઆઇ બેંક અને ભારતી એરટેલ જેવા બ્લુચિપ શેરોમાં લેવાલીનો ટેકો મળવાને કારણે શુક્રવારે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચી સપાટીથી પાછાં ફરી શક્યા હતા.
સતત ચોથા સત્રમાં વધીને ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૩૩.૦૨ પોઈન્ટ અથવા ૦.૦૪ ટકા વધીને ૮૧,૦૮૬.૨૧ પર બંધ થયો હતો. શરૂઆતના સત્રમાં, બેન્ચમાર્ક ૧૬૯.૯૩ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકા ઘટીને ૮૦,૮૮૩.૨૬ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બાદમાં, તે ૧૭૮.૩ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકાના ઉછાળા સાથે ૮૧,૨૩૧.૪૯ ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ અંતે લગભગ તમામ સુધારો ધોવાઇ ગયો હતો. જ્યારે નિફ્ટી સળંગ સાતમા સત્રમાં ૧૧.૬૫ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકા વધીને ૨૪,૮૨૩.૧૫ પર બંધ રહ્યો હતો.
ટાટા મોટર્સ, સન ફાર્માસ્યુટિકલ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને જેએસડબ્લ્યુ સ્ટીલ સેન્સેક્સના ટોપ ગેઇનર્સ શેરોમાં સામેલ હતા. જયારે ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, ઇન્ફોસીસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ અને એચડીએફસી બેંક ટોપ લુઝર્સમાં સામેલ હતો.
ઇકો મેબિલિટી એન્ડ હોસ્પિટાલિટી લિમિટેડ ૨૮મી ઓગસ્ટે રૂ. ૬૦૧.૨૦ કરોડના બુક બિલ્ટ ઈશ્યુ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ૧.૮ કરોડ શેરના વેચાણ માટેની ઓફર (ઓએફએસ) છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૧૮થી રૂ. ૩૩૪ નક્કી કરવામાં આવી છે અને ભરણું ત્રીસમીએ બંધ થાય છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ ૪૪ શેર છે. શેરની ફાળવણી બીજી સપ્ટેમ્બરે ફાઇનલ થવાની ધારણા છે. શેર બીએસઇ અને એનએસઇ પર ચોથી સપ્ટેમ્બરે સૂચિબદ્ધ કરવાનું નિર્ધારિત કરાયું છે.
માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે બ્લેકસ્ટોનની માલિકીની ડાયમંડ ગ્રેડિંગ કંપની ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (ઇન્ડિાય) લિમિટેડે રૂ. ૪,૦૦૦ કરોડની ઇનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ભરણાંમાં ફ્રેશ ઇક્વિટીનો હિસ્સો રૂ. ૧,૨૫૦ કરોડનો અને ઓફર ફોર સેલનો હિસ્સો રૂ. ૨,૭૫૦નો રહેશે. કંપની બેલ્જિયમ અને નેઘરલેન્ડની કંપની હસ્તગત કરવા ધારે છે.
જેએસડબલ્યુ નીઓને એનટીપીસીનો ૩૦૦ મેગોવોટનો ઓર્ડર મળ્યો છે. લીગલ ટેક સોલ્યુશન્સ એન્ટરપ્રાઇસ લેક્સલેગીસ ડોટ એઆઇએ ટેક્સ અને લીગલ પ્રોફેશનલ્સને માટે ઉપયોગી એવુ ભારતનું પ્રથમ એઆઇ પ્લેટફોર્મ લાર્જ લેન્ગ્વેજ મોડલ (એલએલએમ) રજૂ કર્યું છે, જે સચોટ સંશોધન દ્વારા વિશિષ્ટ ચૂકાદા અને તેના તારણો તથા વ્યાપક દસ્તાવેજોના સંકલનનું કાર્ય કરશે.
અનિલ અંબાણી અને આરએચએફએલના ચાર અધિકારી સહિત ૪૪ એન્ટિટી પર સેબીએ ફંડ ડાઇવર્ઝનના આરોપ સાથે સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રવેશ સામે પાંચ વર્ષનો પ્રતિબંઘ જાહેર કર્યો હોવાથી તેના જૂથની કંપનીઓમાં કડાકા બોલી ગયા હતા. રિલાયન્સ હોમ ફાઇનાન્સના શેરમાં ૫.૧૨ ટકા, રિલાયન્સ પાવરમાં પાંચ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.
ટાટા મોટર્સ ૧.૫૩ ટકા, સન ફાર્મા ૧.૪૪ ટકા, ભારતી એરટેલ ૧.૩૩ આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૫ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૯૭ ટકા, બજાજ ફિનસર્વ ૦.૮૬ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૮૦ ટકા, પાવર ગ્રીડ ૦.૭૬ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૭૧ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૪ ટકા વધ્યા હતા. જ્યારે, ટેક મહિન્દ્ર ૧.૧૭ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૯૮ ટકા, ટાઈટન ૦.૯૭ ટકા, ઈન્ફોસિસ ૦.૯૪ ટકા, ટીસીએસ ૦.૮૦ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૭૪ ટકા, સ્ટેટ બેન્ક ૧.૧૭ ટકા, એનટીપીસી ૦.૪૨ ટકા, એચડીએફસી બેન્ક ૦.૩૮ ટકા અને એક્સિસ બેન્ક ૦.૩૮ ટકા ઘટ્યા હતા. બજારના સાધનો અનુસાર ફેજરલ રિઝર્વના ચેરમેનની સ્પીચમાંથી સંકેત મેળવ્યા અગાઉ એકંદર ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં સાંકડી વધઘટ અને સેરલક્ષી કામકાજ રહ્યું હતું. હેજ ફંડો પણ સ્પષ્ટ સંકેત અગાુ કોઇ મોટા લેમ કરવાના મૂડમાં ના હોવાનું જોવા મળ્યું હતું. મધ્ય સત્રના સોદામાં યુરોપિયન બજારો નોંધપાત્ર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે એશિયન બજારો મિશ્ર હતા.
અમેરિકાના શેરબજારો ગુરુવારે ઓવરનાઈટ ટ્રેડમાં નીચા બંધ રહ્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૧,૩૭૧.૭૯ કરોડની ઇક્વિટી ખરીદી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ ગુરુવારે ફરીથી રૂ. ૨,૯૭૧.૮૦ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૦૧ ટકા વધીને ૭૮ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
ગુરુવારે, ૩૦ શેરો ધરાવતો બીએસઇ ઈન્ડેક્સ સતત ત્રીજા દિવસે ૧૪૭.૮૯ પોઈન્ટ વધીને ૮૧,૦૫૩.૧૯ પર બંધ થયો હતો. માર્કેટ કેપ રૂ.૧.૨૮ લાખ કરોડ વધીને રૂ. ૪૬૦.૫૨ લાખ કરોડ રહ્યું હતું. જ્યારે સળંગ છઠ્ઠા સત્ર સુધી લાભને લંબાવીને, એનએસઇ નિફ્ટી ૪૧.૩૦ પોઈન્ટ વધીને ૨૪,૮૧૧.૫૦ની બે સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.
બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં સપ્તાહના અંતિમ સત્રમાં નજીવો સુધારો નોંધાયો હતો, પરંતુ તેની સામે માર્કેટ કેપિટલમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીઓસઇનું માર્કેટ કેપ રૂ. ૦.૫૬ લાખ કરોડ ઘટીને રૂ. ૪૫૯.૯૬ લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું. સેન્સેક્સની ૧૫ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૫ સ્ક્રિપ્સ ઘટી હતી. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ ગત ગુરુવારના ૮૧,૦૫૩.૧૯ના બંધથી ૩૩.૦૨ પોઈન્ટ્સ (૦.૦૪ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૮૧,૧૬૫.૬૫ ખૂલીને ઊંચામાં ૮૧,૨૩૧.૪૯ સુધી અને નીચામાં ૮૦,૮૮૩.૨૬ સુધી જઈને અંતે ૮૧,૦૫૩.૧૯ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો.
એક્સચેન્જમાં ૪,૦૪૮ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૦૬૪ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૮૭૭ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૦૭ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૩૩૩ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૧૯ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૬૬ ટકા ઘટ્યો હતો અને બીએસઈ સ્મોલકેપ ૦.૧૫ ટકા વધ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૩ ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૦૧ ટકા ઘટ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ સર્વિસીસ ૧.૦૭ ટકા, ઓટો ૦.૯૩ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૬ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૨૩ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૧૩ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૧૧ ટકા, હેલ્થકેર ૦.૦૮ ટકા, મેટલ ૦.૦૮ ટકા અને પાવર ૦.૦૧ ટકા વધ્યા હતા. જ્યારે રિયલ્ટી ૨.૪૧ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૭૯ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૭૬ ટકા, ટેક ૦.૫ ટકા, કોમોડિટીઝ ૦.૩૫ ટકા, યુટિલિટીઝ ૦.૩૪ ટકા, એનર્જી ૦.૨૩ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૧૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૧૨ ટકા, એફએમસીજી ૦.૧૧ ટકા અને બેન્કેક્સ ૦.૦૬ ટકા ઘટ્યા હતા.
ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૨૫૨.૮૮ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૧,૮૧૩ સોદામાં ૩,૧૧૫ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૬૦,૮૧,૧૦૩ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. પ્રાઇમરી માર્કેટમાં ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ અને ઓટોમેશન પેનલના ઉત્પાદક વીડીલ સિસ્ટમ લિમિટેડે ૨૭ ઓગસ્ટે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત મૂકી છે. કંપનીનું લક્ષ્ય રૂ. ૧૮.૦૮ કરોડ એકત્ર કરવાનું છે અને શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. ઈક્વિટી શેર દીઠ રૂ. ૧૧૨નો ભાવ નક્કી થયો છે અને લોટ સાઈઝ ૧,૨૦૦ ઈક્વિટી શેરની છે. લીડ મેનેજર એફિનિટી ગ્લોબલ કેપિટલ માર્કેટ અને રજિસ્ટ્રાર કેમિયો કોર્પોરેટ સર્વિસિસ છે.