ડીમેટ એકાઉન્ટનો ૧૯ મહિનાનો રેકોર્ડ તૂટયો
મુંબઇ: ભારતીય શેરબજારમાં ફરી તેજીનો નવો વંટોળ શરૂ થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં વિદેશી ખરીદારીના જોરે બજારમાં નવા સર્વાધિક લેવલ જોવા મળ્યા હતા અને હવે ફરી બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. નાના અને મધ્યમ કદના શેરોમાં બમ્પર રેલીના જોરે રિટેલ રોકાણકારો દલાલ સ્ટ્રીટ તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યાં છે.નવા ડીમેટ એકાઉન્ટ ઓપનિંગના આંકડાએ પાછલા ૧૯ મહિનાનો રેકોર્ડ તોડયો છે. ઓગસ્ટ મહિનામાં દેશમાં રોકાણકારોએ મોટી સંખ્યામાં ડીમેટ ખાતા ખોલાવ્યા છે.
સેન્ટ્રલ ડિપોઝિટરી અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા પર નજર કરીએ તો ગત મહિને ૩૧ લાખ ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, જે જાન્યુઆરી ૨૦૨૨ પછી એટલે કે પાછલાં ૧૯ મહિનામાં સૌથી વધુ નવા ડીમેટ એકાઉન્ટનો આંકડો છે.આ સાથે ભારતમાં કુલ ડીમેટ એકાઉન્ટની સંખ્યા ૧૨.૬૬ કરોડને વટાવી ગઈ છે. માસિક દ્રષ્ટિએ તેમાં ૨.૫૧ ટકા અને એક વર્ષ પહેલાની સરખામણીમાં ૨૫.૮૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.