ટાટા કેપિટલમાં રિટેલ ઇન્વેસ્ટર્સ પર ફોક્સ, ટાટા સન્સનો હિસ્સો હાલ ૮૮.૬ ટકા | મુંબઈ સમાચાર
શેર બજાર

ટાટા કેપિટલમાં રિટેલ ઇન્વેસ્ટર્સ પર ફોક્સ, ટાટા સન્સનો હિસ્સો હાલ ૮૮.૬ ટકા

નિલેશ વાઘેલા

મુંબઇ:
મૂડીબજારમાં જેની ઘણાં સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે ટાટા કેપિટલનો આઇપીઓ આવી રહ્યો છે. પ્રાઇસ બેન્ડ રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેરદીઠ રૂ. ૩૧૦થી રૂ. ૩૨૬ની રેન્જમાં નક્કી કરવામાં આવી છે. સબ્સ્ક્રિપ્શનની તારીખ છઠ્ઠી ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે અને આઠમી ઓક્ટોબરના રોજ ભરણું બંધ થશે.
મોટાભાગના એનાલિસ્ટ માને છે કે ટાટા સન્સ અને ટાટા કેપિટલના બોર્ડે ૩૬ લાખ સંભવિત નવા રિટેલ રોકાણકારોના હિતોને ધ્યાનમાં લઇ યોગ્ય ગોઠવણી કરી છે, જેઓ આઇપીઓમાં સંપૂર્ણ વનટાઇમ સબ્સ્ક્રિપ્શન માટે અરજી કરી શકે છે.

નલિસ્ટેડ શેરથી વિપરીત જ્યાં મોટાભાગે શ્રીમંત અથવા સમૃદ્ધ રોકાણકારોને રૂ. ત્રણ લાખથી વધુ રોકાણ કરવાની જરૂર હોય છે, જ્યારે વાસ્તવિક રિટેલ ઇન્વેસ્ટર્સ હવે ટાટા કેપિટલ આઇપીઓમાં રૂ. ૧૫,૦૦૦ જેટલું ઓછું રોકાણ કરીને શેરધારકો બની શકે છે.

આ પણ વાંચો: ઇન્ફોસિસની આગેવાનીએ સેન્સેક્સે ૮૧,૧૦૦ની સપાટી પુન: હાંસલ કરી

થોડાક અનલિસ્ટેડ શેર ધરાવતા ૩૭,૦૦૦ રોકાણકારોએ ઘણા મહિનાઓ પહેલા અલગ સમયે અને અલગ મૂલ્યાંકન પર અનલિસ્ટેડ બજારમાં શેર લાવ્યા હતા, જે હવે સંબંધિત નથી. ટાટા કેપિટલની મેનેજમેન્ટ ટીમે જણાવ્યું હતું કે તેમને ક્વિબ્સ અને સંસ્થાકીય રોકાણકારો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. જો કે, તેઓ રિટેલ રોકાણકારોના નવા સેટને ટાટા ગ્રુપ પરિવારનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસ્થાકીય રોકાણકારો સોમવાર ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સત્તાવાર રીતે જાહેર કરાયેલા ભાવ કરતાં ઘણી ઊંચી કિંમતે ભાગ લેવા તૈયાર હતા.

એન્કર રોકાણકારોની બિડ શુક્રવાર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે. લોટ સાઇઝ ૪૬ ઇક્વિટી શેર છે અને ત્યારબાદ ૪૬ ઇક્વિટી શેરના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. ઓફર ફોર સેલ (ઓએફએસ)ના ભાગ રૂપે ટાટા સન્સ ૨૩ કરોડ શેર વેચશે જ્યારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (આઇએફસી) ૩.૫૮ કરોડ શેર વેચશે.

હાલમાં, ટાટા કેપિટલમાં ટાટા સન્સ ૮૮.૬ ટકા હિસ્સો ધરાવે છે અને આઇએફસી આઠ ટકા હિસ્સો ધરાવે છે. આઇપીઓમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપનીની ટાયર-વન મૂડી વધારવા માટે કરવામાં આવશે, જે ભવિષ્યની મૂડી જરૂરિયાતોને ટેકો આપશે, જેમાં ધિરાણ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button