
નિલેશ વાઘેલા
મુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચી સપાટીને હાંસલ કરવા મથી રહ્યાં છે ત્યારે શુગર સ્ટોકસમાં એકાએક સડસડાટ તેજી જોવા મળી છે. શ્રી રેણુકા સુગર્સ, બલરામપુર ચીની મિલ્સ, દાલમિયા ભારત સુગર, ઇઆઇડી પેરી જેવા સુગર સ્ટોક્સમાં ૧૩ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
બજારના સાધનો અનુસાર સરકાર ૨૦૨૪-૨૫ માટે ખાંડની એમએસપી વધારવાનું વિચારી રહી હોવાના અહેવાલોને કારણે આ ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૨૪-૨૫ની સીઝન માટે લઘુત્તમ વેચાણ કિંમત (એમએસપી)માં વધારાની અપેક્ષાને કારણે ૧૩ જુલાઈના રોજ ખાંડના સ્ટોકમાં ૧૩ ટકા સુધીનો વધારો થયો હતો.
સત્તાવાર સરકારી સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે કોઈપણ વધારો વ્યાજબી હશે. મવાના સુગર્સ, સિમ્ભોલી શુગર્સ, શ્રી રેણુકા સુગર્સ, કેએમ શુગર મિલ્સના શેર ૧૩ ટકા સુધી ઉછળ્યા હતા. જ્યારે આંધ્ર શુગર્સ, અવધ શુગર એન્ડ એનર્જી, મગધ શુગર એન્ડ એનર્જીના શેર લગભગ નવ ટકા શુધી વધ્યા હતા.
એ જ સમયે, બજાજ હિન્દુસ્તાન, બન્નારી અમ્માન શુગર્સ, દાલમિયા ભારત શુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ડીસીએમ શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ, ઈઆઈડી પેરી, અને ધરણી શુગર્સ એન્ડ કેમિકલ્સના સ્ટોકસ પણ ૧૦ ટકા શુધીના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં.
જ્યારે રાણા શુગર્સ, બલરામપુર ચીની મિલ્સ, ધામપુર શુગર મિલ્સ અને ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ત્રણથી છ ટકાની રેન્જમાં વધ્યા હતા. એકંદરે શુગર સ્ટોક્સમાં તેજી જોવા મળી છે. પાછલા મહિનાથી શુગર કંપનીઓના સ્ટોકસમાં તેજી આવી છે, જેમાં સરેરાશ ૨૦ ટકા શુધીનો ઉછાળો જોવા મળ્યો છે.