શેર બજાર

નબળા વૈશ્વિક વલણો વચ્ચે અફડાતફડીમાં અટવાતો સેન્સેક્સ અંતે ૫૩ પોઈન્ટ લપસ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયન અને યુરોપિયન બજારોના નબળા વલણો અને નવા વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે ૨૧ મેના રોજ અસ્થિર વેપારમાં બેન્ચમાર્ક સેન્સેક્સ લગભગ ૫૩ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. ત્રીસ શેરવાળો સેન્સેક્સ ૫૨.૬૩ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા ઘટીને ૭૩,૯૫૩.૩૧ પોઇન્ટ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૭૪,૧૮૯.૧૯ની ઊંચી સપાટી અને ૭૩,૭૬૨.૩૭ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એનએસઇનો વ્યાપક નિફ્ટી જોકે ૨૭.૦૫ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા વધીને ૨૨,૫૨૯.૦૫ પોઇન્ટ પર બંધ થયો હતો.

સેન્સેક્સના શેરોમાં નેસ્લે, મારૂતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્ક મુખ્ય લૂઝર્સ હતા. જ્યારે ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરો ટોપ ગેનર્સમાં શામેલ હતા.

સૌર પેનલ્સ, બેટરી અને પાવર ક્ધડીશનીંગ યુનિટ્સની ઉત્પાદક ઈન્સોલેશન એનર્જી લિમિટેડે નાણાકીય વષ્ર ૨૦૨૪ના કોન્સોલિડેટેડ પરિણામમાં ૪૧૯.૫૦ ટકાના વધારા સાથે રૂ. ૫૫.૪૭ કરોડનો ચોખ્ખો નફો, ૧૬૪.૭૧ ટકાના વધારા સાથે રૂ. ૭૪૧.૩૨ કરોડની કુલ રેવન્યૂ, ૩૪૦.૬૩ ટકાના વધારા સાથે રૂ. ૮૪.૧૬ કરોડનો એબિટા અને ચોખ્ખા નફાનું માર્જિન ૭.૫૩ ટકાનું રહેશે.

એશિયન બજારોમાં સિઓલ, ટોક્ીયો, શાંઘાઈ અને હોંગકોંગ નીચામાં સ્થિર થયા હતા. યુરોપિયન બજારો નકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વોલ સ્ટ્રીટ સોમવારના રોજ મોટે ભાગે ઊંચા સ્તરે બંધ થયા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શનિવારે રૂ. ૯૨.૯૫ કરોડની ઇક્વિટી ઑફલોડ કરી હતી. ગ્લોબલ ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૫ ટકા ઘટીને ૮૩.૨૫ પ્રતિ બેરલ થઈ ગયું છે.

શનિવારે ખાસ ટ્રેડિંગ સેશનમાં બેન્ચમાર્ક ૮૮.૯૧ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા વધીને ૭૪,૦૦૫.૯૪ પર સમાપ્ત થયો હતો. નિફ્ટી ૩૫.૯૦ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકા વધીને ૨૨,૫૦૨ પોઇન્ટના સ્તર પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએલસઇએ ૧૮ મેના રોજ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં એક ખાસ ટ્રેડિંગ સત્ર હાથ ધર્યું હતું જેથી પ્રાથમિક સાઈટ પર મોટી વિક્ષેપો અથવા નિષ્ફળતાઓને નિયંત્રિત કરવા માટે તેમની તૈયારી ચકાસવામાં આવે. રોકાણકારોનું ધ્યાન હાલ લોકસભાની ચૂંટણીઓ પર જ મંડાયેલું છે. જોકે એ સિવાસ પણ અન્ય પરિબળો છે અને આજે આપણે માત્ર આ સપ્તાહ પૂરતી જ શક્યતાદર્શક ચર્ચા કરીશું. ૧૮મી મેના રોજ પૂરા થયેલા વિસ્તૃત સપ્તાહમાં બજારે તાજેતરના નીચા સ્તરેથી ભારે રિકવરી દર્શાવી હતી અને બીજી બાજુ તીવ્ર વધતી જતી અસ્થિરતા છતાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નોંધપાત્ર વધ્યો હતો. ઇન્ડેક્સ હેવીવેઇટ્સ દ્વારા અપેક્ષા કરતાં વધુ સારી કમાણી, સકારાત્મક વૈશ્ર્વિક સંકેતો અને યુએસ આર્થિક ડેટાને પગલે ફેડરલ રિઝર્વ પાસેથી વ્યાજદરમાં ઘટાડા માટેની સતત આશા સેન્ટિમેન્ટને ટેકો આપી રહી છે. જોકે, રેટ કટના સમય અંગેની અનિશ્ર્ચિતતા યથાવત છે.

આ ઉપરાંત, વ્યાપક બજારોમાં મજબૂત મૂડ અને સામાન્ય ચૂંટણી પછીના મજબૂત આઉટલૂકની આશાએ પણ ખરીદીમાં રસ જળવાયો હતો. બજાર આ સપ્તાહે પોઝિટિવ ટોન સાથે મજબૂત થવાની ધારણા છે. રોકાણકારો એફઓએમસી મિનિટ્સ તેમજ ફેડ ચેરમેનની સ્પીચ પર ધ્યાન કેન્દ્રિત કરશે, લોકસભાની ચૂંટણીના તબક્કાઓ અને કોર્પોરેટ અર્નિંગ જેવા પરિબળો બજારને દિશા આપશે.

શેરબજારમાં રોકાણકારોની નજર કોર્પોરેટ કમાણી પર પણ રહેશે અને તેને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે. માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝનનો અંત નજીક છે અને સાતમા સપ્તાહમાં લગભગ ૯૦૦ કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે. વધુમાં, બજારના સહભાગીઓ ચાલુ સામાન્ય ચૂંટણીના બાકીના તબક્કાઓ અને તે તમામ તબક્કાઓમાં મતદારોના મતદાન પર પણ નજર રાખશે. દરમિયાન, મે મહિના માટે એચએસબીસી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ પીએમઆઇ ફ્લેશ ડેટા ૨૩ મેના રોજ રિલીઝ થશે. એપ્રિલમાં, મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ માર્ચમાં ૫૯.૧ની સામે ૫૮.૮ પર લપસ્યો હતો, જ્યારે સર્વિસ પીએમઆઇ એ જ સમયગાળા દરમિયાન ૬૧.૨ની સામે ૬૦.૮ સુધી નીચે આવ્યો હતો. વધુમાં ૧૭ મેના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણ અનામત ૨૪ મેના રોજ બહાર પાડવામાં આવશે. વૈશ્ર્વિક મોરચે, તમામ રોકાણકારોનું ધ્યાન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલની સ્પીચ બાદ, આ મહિનાની શરૂઆતમાં ૨૨ મેના રોજ આયોજિત નાણાકીય નીતિની મીટિંગની એફઓએમસી મિનિટ્સ પર રહેશે. નોંધવું રહ્યું કે, ૧૪ મેના રોજની સ્પીચમાં પોવેલે પુનરોચ્ચાર કર્યો હતો કે, ફુગાવામાં ઘટાડો તેમની અપેક્ષા કરતાં ધીમો રહ્યો છે અને તે દર્શાવે છે કે બેન્ચમાર્ક વ્યાજ દરો વિસ્તૃત અવધિ માટે ઊંચા સ્તરે ટકેલા રહેવાની શક્યતા છે.

સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૩.૮૧ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૬૮ ટકા, પાવર ગ્રીડ ૨.૭૧ ટકા, એનટીપીસી ૧.૫૦ ટકા અને ટેક મહિન્દ્રા ૧.૩૯ ટકા વધ્યા હતા જ્યારે નેસ્લે ઈન્ડિયા ૧.૬૨ ટકા, મારુતિ ૧.૦૬ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૮૫ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૪ ટકા અને ટીસીએસ ૦.૭૪ ટકા ઘટ્યા હતા. આજે કુલ મળીને ૩૩૭ કંપનીઓને ઉપલી જ્યારે ૨૪૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button