શેર બજાર

એસટીટીનો વધારો બજારને ખટકે છે, બેંકિંગ શેરોમાં વેચવાલી સાથે સતત ચોથા દિવસે પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા અંદાજપત્રમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવાના કારણે ડહોળાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે બુધવારના સત્રમાં ફાઇનાન્શિયલ અને બેંકિંગ શેરોમાં વેચવાલીના મારો સાથે બેન્ચમાર્ક સેન્સેક્સ બુધવારે સતત ચોથા દિવસે ઘટ્યો હતો.

સેન્સેક્સ ૨૮૦.૧૬ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા ઘટીને ૮૦,૧૪૮.૮૮ પર સેટલ થયો હતો અને તેના ૧૯ શેર નીચામાં અને ૧૧ સુધારા સાથે બંધ થયા હતા. દિવસ દરમિયાન તે ૬૭૮.૫૩ પોઈન્ટ અથવા ૦.૮૪ ટકા ઘટીને ૭૯,૭૫૦.૫૧ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૫.૫૫ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકા ઘટીને ૨૪,૪૧૩.૫૦ પોઇન્ટની સપાટી પર આવી ગયો હતો. નોંધવું રહ્યું કે, મંગળવારે બજેટની રજીઆતના દિવસે બેન્ચમાર્ક સત્ર દરમિયાન ૧૨૭૭ પોઇન્ટ નીચી સપાટીએ પટકાયો હતો.

સેન્સેક્સ પેકમાંથી, બજાજ ફિનસર્વે તેની પ્રથમ ક્વાર્ટરની કમાણી બાદ બે ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, કોટક મહિન્દ્રા બેંક, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અન્ય ટોપ લૂઝર્સ હતા. જોકે, ટેક મહિન્દ્રા, આઈટીસી, એનટીપીસી, ટાટા મોટર્સ અને સન ફાર્મા ગેનર્સમાં સામેલ હતા.

એન્જિનિયર્ડ સ્ટોન્સ સેક્ટરમાં અગ્રણી કંપની ઇસ્પિરિટ સ્ટોન્સ લિમિટેડ ૨૬ જુલાઈએ પ્રારંભિક પબ્લિક ઑફરિંગ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૮૨થી રૂ. ૮૭ પ્રતિ શેર નક્કી થઇ છે. કંપની રૂ. ૫૦.૪૨ કરોડ એકત્ર કરવા ધારે છે, શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે. મિનિમમ લોટ સાઇઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે. પાત્ર કર્મચારીઓને શેરદીઠ રૂ. પાંચનું ડિસ્કાઉન્ટ મળશે.

બજેટમાં તમાકુ ઉત્પાદનો પર કોઈ નવો કર ન લગાવવાની દરખાસ્ત કર્યા પછી કોંગલોમેરેટ આઇટીસી તેના બીજા સીધા દિવસે ૦.૪૨ ટકા વધીને બંધ થતાં પહેલા બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. સીએમએઆઇ દ્વારા બીઇએસમાં આયોજિત ૭૯મા નેશનલ ગારમેન્ટ ફેર ૧૩૦૦ બ્રાન્ડસ સાથે દેશનો સૌથી મોટો ટ્રેડ શો બન્યો હતો.૨૦૨૪થી ૨૦૨૮ સુધી ૩.૮૧ ટકાના અપેક્ષિત વાર્ષિક વૃદ્ધિ દર સાથે ૨૦૨૪માં સ્થાનિક એપેરલ માર્કેટ૧૦૫.૫૦ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

બજારના સાધનો જણાવે છે કે, બજેટ ઇવેન્ટ મિશ્ર અસર છોડીને ગઈ છે અને કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરબદલ એ માત્ર ટૂંકા ગાળાનું નકારાત્મક આશ્ર્ચર્ય છે. સરકારે શેરબજાર સાથે સંકળાયેલા મોટાભાગના વર્ગને નારાજ કર્યા છે. વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે એફઆઇઆઇની વેચવાલી પણ એક કારણ છે. હાલ લેવાલીના પર્યાપ્ત ટેકાના અભાવે વ્યાપક બજાર વેગ ગુમાવી રહ્યું હોય તેવું લાગે છે. જોકે, બજારમાં ભરપૂર પ્રવાહિતા હોવાને કારણે બજાર ટકી રહ્યું છે.

મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો મંગળવારે અસ્થિર વેપારમાં નજીવા નીચા સ્તરે બંધ થયા હતા કારણ કે સરકારે ૨૦૨૪-૨૫ના બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારવાનો પ્રસ્તાવ મૂકવા બાદ અમુક છૂટની મર્યાદા વધારી હતી.

એશિયન બજારોમાં સિઓલ, ટોક્યિો, શાંઘાઈ અને હોંગકોંગ નીચા મથાળે સ્થિર થયા હતા, જ્યારે યુરોપિયન બજારો બપોરના સત્ર સુધી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. મંગળવારે અમેરિકાના બજારો નજીવા ઘટાડા સાથે બંધ થયા હતા.

એક્સ્ચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ મંગળવારે રૂ. ૨,૯૭૫.૩૧ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૫ ટકા વધીને ડોલર ૮૧.૬૨ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંના ટેક મહિન્દ્ર ૨.૭૧ ટકા, એનટીપીસી ૨.૬૭ ટકા, તાતા મોટર્સ ૨.૬૩ ટકા, સન ફાર્મા ૧.૦૮ ટકા, પાવર ગ્રીડ ૦.૯૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૫૧ ટકા, રિલાયન્સ ૦.૫૦ ટકા, આઈટીસી ૦.૪૧ ટકા, તાતા સ્ટીલ ૦.૧૬ ટકા અને ટાઈટન ૦.૧૪ ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફિનસર્વ ૨.૪૩ ટકા, એક્સિસ બેન્ક ૧.૮૩ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૮૧ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૮૦ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૫૮ ટકા, સ્ટેટ બેન્ક ૧.૩૫ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૩૨ ટકા, કોટક બેન્ક ૧.૩૧ ટકા, નેસ્લે ૧.૧૦ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૦૮ ટકા ઘટ્યા હતા.બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૬૧.૦૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૪૨૫ સોદામાં ૭૬૦ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૩,૯૭,૧૦૫ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૩,૪૮,૧૬૪.૧૫ કરોડનું રહ્યું હતું.

એનએસઇ ઇમર્જ પર ₹૨૯.૨૩ કરોડનો એસએમઇ ઇશ્યૂ

મુંબઈ- ૨૦૦૩માં સ્થપાયેલ અપ્રમેય એન્જિનિયરિંગનો આઇપીઓ ૨૫ જુલાઈથી ખુલશે અને ૨૯ જુલાઈએ બંધ થશે. કંપની રૂ. ૫૬થી રૂ. ૫૮ના ભાવે રૂ. ૨૯.૨૩ કરોડ એકત્ર કરશે. તેના શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટ થશે. ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. કંપની એન્જિનિયરિંગ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ મૂલ્યના તબીબી સાધનોના પુરવઠા સાથે સંકળાયેલી છે. તેના ગ્રાહકોમાં એઇમ્સ, સરકારી હોસ્પિટલો, નિદાન કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, મેડિકલ કોલેજો વગેરેનો સમાવેશ થાય છે. કંપનીની ૭૧ ટકા આવક હેલ્થકેર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાંથી આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં તેની આવક રૂ. ૬૫.૬૨ કરોડ રહી છે. ચોખ્ખો નફો રૂ. ૩.૪૬ કરોડ થયો છે. આઇપીઓમાંથી એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડી અને અન્ય માટે કરવામાં આવશે. રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાં ૧૭૫ ડાયાલિસિસ સેન્ટર સ્થાપીને કંપનીએ ૩૧.૪૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?