ફુગાવાનો ફૂંફાડો કૂણો પડતાં શેરબજાર નવા વિક્રમી સ્તરે પહોંચ્યું, સેન્સેક્સ ૨૦૪ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૩,૪૦૦ નજીક પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો નવેસરનો ટેકો મળતાં ગુરુવારના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક૩મી ઊંચી સપાટીને અથડાયા હતાં, જોકે સાંકડી વધઘટે અમુક સુધારો ગુમાવ્યો હતો. આમ છતાં સત્રને અંતે સેન્સેક્સ ૨૦૪ પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૩,૪૦૦ નજીક પહોંચ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ફરી સુધારાનો સળવળાટ જોવા મળ્યો હતો.
ઇન્ફ્લેશન રેટમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશા વચ્ચે લેવાલીનો ટેકો મળ્યો હોવાથી ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરુવારે તેમના નવા વિક્રમી સ્તરને સ્પર્શ કર્યો હતો. આ ઉપરાંત કેપિટલ ગુડ્સ, ક્ધઝ્યુમર ડ્યુરેબલ અને ઔદ્યોગિક શેરોમાં ભારે લેવાલીને કારણે પણ ઇન્ડેક્સને આગળવ વધવામાં મદદ મળી હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું.
સરકારે જાહેર કરેલા સત્તાવાર ડેટા અનુસાર ફૂડ બાસ્કેટમાં કિંમતોમાં નજીવા ઘટાડાને કારણે રિટેલ ઇન્ફલેશન મે મહિનામાં ૪.૭૫ ટકાની એક વર્ષની નીચી સપાટીએ અને રિઝર્વ બેન્કના છ ટકાથી નીચેના કમ્ફર્ટ ઝોનમાં પહોંચી ગયું હતું.
બીએસઇનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ સતત બીજા દિવસે વધીને સત્ર દરમિયાન ૫૩૮.૮૯ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકા ઉછળીને ૭૭,૧૪૫.૪૬ પોઇન્ટના જીવનકાળની ટોચે પહોંચ્યો હતો અને થોડો સુધારો ગુમાવીને ૨૦૪.૩૩ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકાના ઉછાળા સાથે ૭૬,૮૧૦.૯૦ પોઇન્ટના તાજા વિક્રમી ઊંચા સ્તરે સ્થિર થયો હતો.
એનએસઇનો નિફ્ટી ૭૫.૯૫ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકા વધીને ૨૩,૩૯૮.૯૦ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન ા બેન્ચમાર્ક ૧૫૮.૧ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા વધીને ૨૩,૪૮૧.૦૫ પોઇન્ટની તેની ઇન્ટ્રા-ડે રેકોર્ડ ટોચ પર પહોંચ્યો હતો.
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, લાર્સન એન્ડ ટુબ્રો, ઇન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, બજાજ ફાઇનાન્સ અને નેસ્લે સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવર, પાવર ગ્રીડ, એક્સિસ બેંક, ભારતી એરટેલ,આઇસીઆઇસીઆઇ બેન્ક અને આઇટીસી ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતાં.
શ્રીરામ ફાઇનાન્સ, એચડીએફસી લાઇફ, ડિવિસ લેબ્સ, એમએન્ડએમ અને ટાઇટન કંપની નિફ્ટીમાં ટોચના ગેઇનર્સમાં, જ્યારે એચયુએલ, પાવર ગ્રીડ કોર્પ, એક્સિસ બેન્ક, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને આઇશર મોટર્સનો સૌથી વધુ ઘટનારામાં સમાવેશ થયો હતો.
સેક્ટોરલ મોરચે, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી દરેક બે ટકા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ એક ટકા વધ્યા હતા, જ્યારે મીડિયા ઇન્ડેક્સ એક ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ ૦.૬ ટકા ઘટ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરઆંકોમાં લગભગ એક ટકાનો વધારો થયો છે. રિયલ્ટી અને આઇટી શેરોમાં સવારના સત્રનો સુધારો જળવાઇ રહ્યો હતો, જ્યારે મીડિયા સેગમેન્ટમાં તેની તાજેતરની તેજી પછી પ્રોફિટ બુકિંગ કરેક્શન જોવા મળ્યું હતું. ડિફેન્સ અને શુગર કાઉન્ટર્સમાં તેજીનો સળવળાટ જોવા મળ્યો હતો.
જાણીતા ટેક્નિકલ એનાલિસ્ટે કહ્યું હતું કે, ઇન્ડેક્સે રેકોર્ડ સ્તરે બેરીશકેન્ડલની રચના બતાવી છે, જે તેની હકારાત્મક ગતિ ગુમાવવાનું સૂચવે છે. નિફ્ટી માટે ૨૩,૪૮૦ અને ૨૩,૩૦૦ના સ્તરોને અનુક્રમે પ્રતિકાર અને સમર્થન સ્તર તરીકે ગણવામાં આવશે.
બજાર વિશ્ર્લેષકે કહ્યું હતું કે પાછલા પાંચ દિવસમાં ઇન્ડિયા વીઆઇએક્સ ઇન્ડેક્સમાં નોંધાયેલા ૩૨ ટકાના ઘટાડાનો અર્થ એ થાય છે કે ઊંંચી અને ભયાનક અફડાતફડીના દિવસો હવે પૂરા થયા અને બજાર કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યું છે. બજાર હવે ફંડામેન્ટલ્સ અને સમાચારોના પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
એશિયન બજારોમાં, સિઓલ અને હોંગકોંગ શેરબજાર ઊંચા સ્થિર થયા હતા, જ્યારે ટોક્યિો અને શાંઘાઈ શેરબજાર નીચા સ્તરે બંધ થયા હતા. યુરોપિયન બજારોમાં ખૂલતા સત્રમાં નરમાઇ જોવા મળી હતી. અમેરિકાના બજારો મોટાભાગે સુધારા સાથે બંધ થયા હતા.
અમેરિકા અને ભારતમાં ફુગાવાના મોરચે સારા સમાચાર છે. ફુગાવાના ડેટા દર્શાવે છે કે, ડિસઇન્ફ્લેશનની પ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે. બજારના પરિપ્રેક્ષ્યમાં, ખાસ કરીને બેંકિંગ શેરો માટે આ સકારાત્મક સમાચાર છે, એમ માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું.
ફેડરલ રિઝર્વના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં ફુગાવો તેમના લક્ષ્ય સ્તર તરફ વધુ ઘટ્યો છે પરંતુ સંકેત આપ્યો છે કે તેઓ આ વર્ષે માત્ર એક જ વાર તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ઘટાડો કરવાની અપેક્ષા રાખે છે. ગ્લોબલ ઓઇન બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૧ ટકા ઘટીને ૮૨.૦૧ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
એક્સચેન્જ ડેટા અનુસાર બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૪૨૬.૬૩ કરોડની ઇક્વિટી ખરીદી હતી. બુધવારે બીએસઇ બેન્ચમાર્ક ૧૪૯.૯૮ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકા વધીને ૭૬,૬૦૬.૫૭ પોઇન્ટ પર સેટલ થયો હતો. નિફ્ટી ૫૮.૧૦ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા વધીને ૨૩,૩૨૨.૯૫ પર બંધ થયો હતો.
દરમિયાન, અમેરિકાના ટોચના ઇકોનોમિસ્ટ હેરી ડેન્ટે ચેતવણી આપી છે કે ૧૯૨૫થી ૧૯૨૯ વચ્ચે આવી હતી એના જેવી ભયંકર મંદી વિશ્ર્વના શેરબજારોમાં જોવા મળી શકે એમ છે.
તેમણે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે તેજીના પરપોટા ગમે ત્યારે ફૂટી શકે એમ છે. હેરી ડેન્ટે કહ્યું હતું કે મોટાભાગના બબલ પાંચથી છ વર્ષમાં ફૂટી જાય છે, પણ હાલમાં જે બબલ છે એ છેલ્લાં ૧૪ વર્ષથી ચાલી
રહ્યા છે.
આમ ૨૦૦૮-’૦૯માં આવેલા ક્રેશ કરતાં પણ મોટા ક્રેશનો ખતરો તોળાઇ રહ્યો છે. આ પરપોટો ફૂટશે ત્યારે શેરબજારો તળિયે જશે.