(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્રવબજારના તેજીના સંકેત સાથે સ્થાનિક સ્તરે સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ હેવીવેઈટ્સ એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીના બળે વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. સેન્સેક્સ ૧૨૬.૨૧ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૮૧,૮૬૭.૫૫ની નવી લાઈફ ટાઈમ હાઈ પર સેટલ થયો હતો. ઈન્ટ્રા-ડે સેશનમાં, તે ૩૮૮.૧૫ પોઈન્ટ્સ અથવા ૦.૪૭ ટકા વધીને ૮૨,૧૨૯.૪૯ ની સર્વકાલીન ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો.
એ જ રીતે, નિફ્ટી ૫૯.૭૫ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા વધીને ૨૫,૦૧૦.૯૦ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડે, તેણે પ્રથમ વખત રેકોર્ડ ૨૫,૦૦૦નું સ્તર સ્કેલ કર્યું, ૧૨૭.૧૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૦ ટકા વધીને ૨૫,૦૭૮.૩૦ પર પહોંચ્યું. પાવરગ્રીડોર્પ, એનટીપીસી, એચડીએફસી બેન્ક, નેસ્લે ઇન્ડિયા, અદાણી પોર્ટ એન્ડ સ્પે. ઇકોનોમિક ઝોન, મારુતિ, અને રિલાયન્સ મેજર ગેઇનર હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો તથા ટાટા મોટર્સ ટોપ લુઝર હતા.
મૂડીબજારમાં પણ તેજીનો માહોલ છે. ઓનલાઇન ઇ કોમર્સ પ્લેટફોર્મ ફર્સ્ટક્રાઇની પેરેન્ટ કંપની બ્રેઇનબીસ સોલ્યુશન્સ લિમિટેડ આઇપીઓ સાથે છઠી ઓગસ્ટે બજારમં પ્રવેશ કરશે. આ રૂ. ૪,૧૯૪ કરોડના ભરણાં માટે રૂ. ૪૪૦થી રૂ. ૪૬૫ની પ્રાઇસ બેન્ડ નક્કી થઇ છે. આઇપીઓમાં ઇક્વિટીનો હિસ્સો રૂ. ૧,૬૬૬ કરોડનો અને ઓએફએસનો હિસ્સો ૫.૪૪ કરોડ શેરનો છે. ભરણું આઠમી ઓગસ્ટે બંધ થશે. સોફ્ટબેન્કનું સમર્થ ધરાવતી યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ છઠી ઓગસ્ટે રૂ. ૨૭૬ કરોડનો આઇપીઓ લાવશે અને જે આઠમી ઓગસ્ટે બંધ થશે. આ ભરણું સંપૂર્ણપણે ૨.૫૬ કરોડની ઓફર ફોર સેલ (ઓએફએસ) છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૨થી ૧૦૮ નક્કી થઇ છે. કંપની સિંગાપોર, ફિલિપીન્સ, ઇન્ડોનેશિયા, યુએઇ અને સાઉદી અરેબિયામાં હાજરી ધરાવે છે.
કોર્પોરેટ પરિણામને આધારે શેરલક્ષી કામકાજ ચાલુ રહ્યાં છે. ભારતની ઔદ્યોગિક અને ખાણકામ રસાયણો અને ખાતરોની અગ્રણી ઉત્પાદકમાંથી એક દીપક ફર્ટિલાઈઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડે ૩૦ જૂને પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકસમયગાળા માટેના નાણાકીય પરિણામોમાં રૂ. ૨૦૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે પાછલા વર્ષના સમાનગાળાના આંકડા સામે ૭૬ ટકાનો ઉછાળો દર્શાવે છે. કંપનીએ ઉપરોક્ત સમયમાં રૂ. ૨૩૧૩ કરોડ સામે રૂ. ૨૨૮૧ કરોડની કુલ આવક નોંધાવી છે, જે ૧.૪ ટકાનો ઘટાડો દર્શાવે છે. ઓપરેટિંગ એબિટા ૬૫.૫ ટકા વધીને રૂ. ૪૬૪ કરોડ નોંધાયો છે.
પીએનબીએ ધિરાણદરમાં દરેક મુદ્ત માટે પાંચ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. એચડીએફસી બેન્કે તેના ગ્રાહકોને ફેક ટ્રેડિંગ પ્લેટફોર્મથી સાવચેત રહેવાની સલાહ આપી છે. કોન્શિયસ કેરેટ્સ પ્રાઇવેટ લિમિટેડએ લેબગ્રોન ડાયમંડના વધતાં ચલણ અને માગને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ વિસ્તરણ અંતર્ગત અષ્ઠ બ્રાન્ડ સાથે લક્ઝરી લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની રજૂઆત કરી છે, જે લકઝરી જ્વેલરી માર્કેટ માટે નવો ટ્રેન્ડ છે. ટાટા પાવરની સબ્સિડરી ટીટી પરિવ્રત ટાટા સ્ટીલ માટે મહારાષ્ટ્રમાં અકોલા ખાતે ૭૦ મેગાવોટનો સોલાર પ્લાન્ટ તૈયાર કરશે. હાલ તો બજારમાં તેજીનો વાયરો ફૂંકાયો છે. હવે સ્થાનિક નાણાકીય સંસ્થા સાથે વિદેશી ફંડો પણ લેવાલી શરૂ કરશે તો માર્કેટમાં તેજી ટકી તો રહેશે, પરંતુ બજારના કેટલાક નિરિક્ષકો એવો સવાલ કરી રહ્યાં છે કે પરંતુ ક્યાં સુધી? અત્યારે બજાર તેજીથી ફાટફાટ થઈ રહ્યું છે અને વેલ્યુએશન ભળતા જ ઊંચા ગયા છે. ગમે ત્યારે પ્રોફિટ બુકિંગ આવશે અને પરપોટો ફૂટી જશે.
હાલ તો વિશ્ર્વભરના ઇક્વિટી રોકાણકારોએ યુએસ ફેડરલ રિઝર્વની અનપેક્ષિત સકારાત્મક ટિપ્પણી અને સપ્ટેમ્બરના દરમાં ઘટાડો કરવાના સંકેતોને ઉત્સાહ સાથે વધાવ્યા છે. આજ કારણસર સ્થાનિક બજારમાં તેજીનો સંચાર જોવા મળ્યો છે. યુએસ ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલ દ્વારા સપ્ટેમ્બરમાં સંભવિત દરમાં ઘટાડો કરવાનો સંકેત વૈશ્ર્વિક ઇક્વિટી બજારો માટે સકારાત્મક છે. વધુ મહત્ત્વની વાત એ છે કે યુએસ અર્થતંત્ર સામાન્ય થઈ રહ્યું હોવા અંગેની તેમની ટિપ્પણી તેજીવાળાને જોમ અપાવે છે.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંની સૌથી અધિક વધેલા શેરોમાં પાવર ગ્રીડ ૩.૬૩ ટકા, એનટીપીસી ૧.૭૫ ટકા, એચડીએફસી બેન્ક ૧.૪૪ ટકા, નેસ્લે ૧.૩૮ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૨૬ ટકા, મારુતિ ૧.૦૧ ટકા, ભારતી એરટેલ ૦.૮૪ ટકા, રિલાયન્સ ૦.૭૧ ટકા, જેએસ ડબ્લ્યુ સ્ટીલ ૦.૬૮ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૮ ટકા વધ્યો હતો.
જ્યારે સૌથી અધિક ઘટેલા શેરોમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૬૮ ટકા, તાતા સ્ટીલ ૧.૩૯ ટકા, બજાજ ફિનસર્વ ૧.૧૮ ટકા, સ્ટેટ બેન્ક ૧.૧૫ ટકા, તાતા મોટર્સ ૧.૦૨ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૯૫ ટકા, ટેક મહિન્દ્ર ૨.૬૮ ટકા, ઈન્ફોસિસ ૦.૮૪ ટકા, કોટક બેન્ક ૦.૭૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૬૦ ટકા ગબડ્યો હતો.
બીએસઈ સેન્સેક્સ ગત બુધવારના ૮૧,૪૫૫.૪૦ના બંધથી ૧૨૬.૨૧ પોઈન્ટ્સ (૦.૧૫ ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૦.૭૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૧.૬૨ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૧,૯૪૯.૬૮ ખૂલીને ઊંચામાં ૮૨,૧૨૯.૪૯ સુધી અને નીચામાં ૮૧,૭૦૦.૨૧ સુધી જઈને અંતે ૮૧,૮૬૭.૫૫ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૫ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૫ સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં ૪,૦૪૮ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૫૭૭ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૩૮૩ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૮૮ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૩૬૦ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૨૦ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.