શેર બજાર

શૅરબજાર હાંફ્યુ, પરંતુ નિફ્ટીએ ૧૪મા સત્રની આગેકૂચ સાથે નવી વિક્રમી સપાટી હાંસલ કરી, ડિફેન્સ શેરમાં ઉછાળા, આઇટીમાં નરમાઇ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મુંબઇ: શેરબજાર એકંદર રેકોર્ડ રેલી બાદ હાંફ્યું છે, પરંતુ નિફ્ટીએ આ સત્રમાં નવી વિક્રમી સપાટી તો હાંસલ કરી જ છે, પરંતુ એ જ સાથે સતત ૧૪માં સત્રમાં આગેકૂચ જારી રાખીને એક નવો વિક્રમ પણ નોંધાવ્યો છે. નવાં ટ્રિગર્સના અભાવને કારણે મંગળવારે બજાર અથડાઇ ગયું હતું, પરંતુ નિફ્ટી સહેજ આગળ વધ્યો હતો. રોકાણકારો સંભવિત યુએસ વ્યાજ દરમાં કાપની સંભાવના વધુ મજબૂત બને એવા નવા ડેટાની રાહ જોઈ રહ્યા હોય એમ લાગે છે.

નિફ્ટીએ ૧.૧૫ પોઈન્ટના નજીવા વધારા સાથે ૨૫,૨૭૯.૮૫નું સ્તલ હાંસલ કર્યું છે, જે તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ બંધ સ્તર છે. જોકે, ૧૦ દિવસની તેજીને બ્રેક મારીને સેન્સેક્સ ૪.૪૦ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકા ઘટીને ૮૨,૫૫૫.૪૪ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૧૫૯.૦૮ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા ઘટીને ૮૨,૪૦૦.૭૬ પર આવી ગયો હતો.

બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટાટા મોટર્સ ટોપ લુઝર્સ શેરોમાં હતાં, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, બજાજ ફિનસર્વ, ટાઇટન, નેસ્લે અને એચડીએફસી બેન્ક ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં.
એચએએલ અને મઝગાવ ડોક જેવા સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં ત્રણથી પાંચ ટકા સુધીના જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા. કેબિનેટ સમિતિએ સુખોઈ ફાઈટર જેટ્સ માટે ૨૪૦ એરો-એન્જિન ખરીદવા માટે રૂ. ૨૬,૦૦૦ કરોડના સોદાને મંજૂરી આપી હોવાની ચર્ચા વચ્ચે સંરક્ષણ શેરોમાં તેજીનો માહોલ રચાયો હતો. અન્ય ક્ષેત્રોમાં, ફાર્માસ્યુટિકલ્સ અને રિયલ એસ્ટેટ શેરોમાં સુધારો જોવા મળી રહ્યો છે, જ્યારે આઇટી સેક્ટરમાં ધોવાણ જોવા મળ્યું હતું.

પ્રાઇમરી માર્કેટમાં સારી હલચલ ચાલી રહી છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ નવમી સપ્ટેમ્બરે રૂ. ૬,૫૬૦ કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૬૬થી રૂ. ૭૦ નક્કી થઇ છે. આ ભરણું ૧૧મીએ બંધ થશે, જેમાં ફ્રેશ ઇક્વિટી રૂ. ૩૫૬૦ કરોડની અને ઓએફએસનો હિસ્સો રૂ. ૩૦૦૦ કરોડનો છે. સોલાર સેલ અને મોડ્યુલ બનાવતી પ્રીમિયર એનર્જીનો શેર તેના રૂ. ૪૫૦ના ભાવ સામે ૧૨૦ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૯૯૧ની સપાટીએ ખૂલ્યો હતો અને અંતે ૮૭ ટકાના સુધારા સાથે ૮૩૯.૬૫ની સપાટીએ સ્થિર થયો હતો.

માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેટર્નકી સોલાર એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર સોલર૯૧ ક્લીનટેક લિમિટેડે જાહેર ભરણા સાથે મૂડીબજારમાં પ્રવેશ કરવા માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સુપરત કરાવ્યું છે. ભરણામાંં ૫૪.૩૬ લાખ શેરના નવા ઇશ્યૂનો સમાવેશ થશે, જેની કિંમત બુક બિલ્ડિંગ રૂટ દ્વારા અંદાજે રૂ. ૧૦૦ કરોડ છે. બિગબ્લોક ક્ધસ્ટ્રક્શન લિમિટેડે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં (એજીએમ) ૧:૧ બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીએ ૨૦ ટકાનું અંતિમ ડિવિડન્ડ અને ઓથોરાઇઝ્ડ શેર કેપિટલને રૂ. ૧૫ કરોડથી વધારીને રૂ. ૩૦ કરોડ કરવાની દરખાસ્ત પણ એજીએમમાં મંજૂર કરવામાં આવી છે.

રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ ત્રણ વર્ષમાં નવી કેટેગરીના લોન્ચ સાથે ૯૦૦ નવા આઉટલેટ્સ સાથેે અત્યાર સુધીના સૌથી મોટા રિટેલ વિસ્તરણ તરફ આગળ વધી રહ્યું છે. રેમન્ડ ગ્રૂપની લાઇફસ્ટાઇલ બિઝનેસ એન્ટિટી ૨૦૨૭ સુધીમાં ઝડપથી વિકસતા મેન્સ-વેર વેડિંગ માર્કેટમાં લગભગ સાત ટકા બજાર હિસ્સો હાંસલ કરવા માટે ૧૫ ટકાના સીએજીઆરનો લક્ષ્ય ધરાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૪માં વેડિંગ બિઝનેસમાંથી રેમન્ડના વેડિંગ અને સેરેમોનીઅલ અટાયર અને તેના એથનિક વેર ઓફરિંગ એથનિક્સ સહીત રૂ. ૨૫૫૦ કરોડનું વેચાણ કર્યું છે.
એશિયન બજારોમાં સિઓલ, ટોક્યિો, શાંઘાઈ અને હોંગકોંગ નીચામાં સ્થિર થયા હતા. યુરોપિયન બજારો નકારાત્મક ક્ષેત્રમાં ક્વોટ થઈ રહ્યા હતા.

સોમવારે મજૂર દિવસની રજા માટે યુએસ બજારો બંધ રહ્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ સોમવારે રૂ. ૧,૭૩૫.૪૬ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૧.૭૯ ટકા ઘટીને ૭૬.૧૩ ડોલર પ્રતિ બેરલ થયું છે.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૪૫ ટકા, બજાજ ફિનસર્વ ૧.૩૦ ટકા, ટાઈટન ૦.૮૫ ટકા, નેસ્લે ૦.૭૫ ટકા, એચડીએફસી બેન્ક ૦.૭૨ ટકા અને સ્ટેટ બેન્ક ૦.૩૨ ટકા વધ્યા હતા. ઈન્ફોસિસ ૧.૨૨ ટકા બજાજ ફાઈનાન્સ ૧.૧૩ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૯૯ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૯૭ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૯૫ ટકા, એનટીપીસી ૦.૮૭ ટકા, ભારતી એરટેલ ૦.૮૩ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૮૩ ટકા અને તાતા મોટર્સ ૦.૬૪ ટકા ઘટ્યા હતા.

સોમવારે સતત ૧૦મા સત્રમાં ઉછાળો, બીએસઇ બેન્ચમાર્ક ૧૯૪.૦૭ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકાના ઉછાળા સાથે ૮૨,૫૫૯.૮૪ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, તે ૩૫૯.૫૧ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકા વધીને ૮૨,૭૨૫.૨૮ની નવી ઈન્ટ્રા-ડે રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો.

નિફ્ટી ૪૨.૮૦ પોઈન્ટ્સ અથવા ૦.૧૭ ટકા વધીને ૨૫,૨૭૮.૭૦ ના જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ સેટલ થઈ ગયો હતો, જેણે સતત ૧૩માં દિવસે તેની જીતની શરૂઆત કરી હતી. દિવસ દરમિયાન, તે ૯૭.૭૫ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા વધીને ૨૫,૩૩૩.૬૫ ની નવી ઓલ-ટાઇમ ઇન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો.

મંગળવારે સેન્સેક્સ ૮૨,૫૫૯.૮૪ના બંધ સામે ૪.૦૪ પોઈન્ટ્સ (૦.૦૧ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૦.૬૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૫.૫૪ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૨,૬૫૨.૬૯ ખૂલીને ઊંચામાં ૮૨,૬૭૫.૦૬ સુધી અને નીચામાં ૮૨,૪૦૦.૭૬ સુધી જઈને અંતે ૮૨,૫૫૫.૪૪ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૩ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૭ સ્ક્રિપ્સ ઘટી હતી.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ