શેર બજાર

શૅરબજાર વિક્રમી ઊંચી સપાટી જાળવવામાં નિષ્ફળ, બૅન્ક શૅરોના આઉટ પરફોર્મન્સ છતાં નિફ્ટી નેગેટિવ ઝોનમાં ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારના બંને બેન્ચમાર્કે સતત ચોથા દિવસે નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરી હતી, પરંતુ તેઓ આ સપાટીએ ટકી રહેવામાં નિષ્ફળ રહ્યાં હતાં. બેન્ક શેરોના આઉટપર્ફોમ્ાન્સ છતાં નિફ્ટી અંતે નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો. બજારના સાધનો અનુસાર આ ઉપરાંત, વિદેશી ફંડોના તાજા ભંડોળ પ્રવાહે રોકાણકારોનો વિશ્ર્વાસ વધાર્યો છે. બુધવારે પણ એફઆઇઆઇએ રૂ. ૧૫૭૦ કરોડની લેવાલી નોંધાવી હતી. જોકે, હવે બજારમાં મોટી કે ઝડપી રેલી તાત્કાલિક જણાતી નથી.

સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૭૭,૮૫૧.૬૩ અને ૨૩,૬૬૪ની તાજી ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. ઉપરાંત, બેન્ક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અનુક્રમે ૫૧,૯૫૭ અને ૫૫,૬૭૯.૬૦ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

ભારતીય બેન્ચમાર્ક નવી વિક્રમી ઊંચી સપાટીને અથડાયા બાદ અત્યંત અસ્થિર સત્રમાં મિશ્ર નોંધ સાથે બંધ થયા છે. સેન્સેક્સ ૩૬.૪૫ પોઇન્ટ અથવા ૦.૦૫ ટકા વધીને ૭૭,૩૩૭.૫૯ પોઇન્ટ પર અને નિફ્ટી ૪૧.૯૦ પોઇન્ટ અથવા ૦.૧૮ ટકા ઘટીને ૨૩,૫૧૬ પોઇન્ટ પર સ્થિર થયો હતો.

સકારાત્મક વૈશ્ર્વિક સંકેતો પાછળ, બેન્ચમાર્ક સૂચકાંકો નવી રેકોર્ડ ઊંચાઈએ ખુલ્યા હતા. જો કે, પ્રારંભિક કામકાજમાં જ તમામ સુધારો ધોવાઇ ગયો હતો અને સત્ર દરમિયાન બંને જોન વચ્ચે બેન્ચમાર્ક ફંગોળાતા રહ્યાં હતાં.

ટોચના વધનારા શેરોમાં નિફ્ટીમાં એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ હતોે, જ્યારે સૌથી વધુ ઘટાડો નોંધાવનાર શેરોમાં ટાઇટન કંપની, મારુતિ સુઝુકી, એલએન્ટડી, હિન્દાલ્કો અને ભારતી એરટેલનો સમાવેશ હતો. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ સેલ્સફોર્સે જાહેર ક્ષેત્રની કંપનીઓ અને સરકારી સંસ્થાઓને સેલ્સફોર્સ ટેકનોલોજીની સહાયથી નગારિકોને વધુ સગમતા પૂરી પાડવામાં સહાયક બનવા માટે ભારતમાં પબ્લિક સેકટર ડિવિઝનની સ્થાપના કરી છે. સેલ્સફોર્સ પબ્લિક સેકટર સોલ્યુશન્સ હાઇપરફોર્સ નામે જાણીતા પબ્લિક કલાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચર પર ઉપલબ્ધ છે.

બીએસઇ પર એક્સિસ બેંક, સિપ્લા, જિંદાલ સ્ટીલ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ઓરેકલ ફાઈનાન્શિયલ, વ્હર્લપૂલ, જીએમઆર એરપોર્ટ, ટોરેન્ટ ફાર્મા, ફેડરલ બેંક, કમિન્સ ઈન્ડિયા, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, યુએનઓ મિંડા સહિત ૩૦૦થી વધુ શેરો તેમની બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા.

મિડ અને સ્મોલકેપની આગેવાની હેઠળના કરેક્શને સવારના સત્રમાં ઇન્ડેક્સને ૧૦૦ પોઈન્ટથી વધુ નીચા વેપાર માટે નીચું ખેંચ્યું હતું, પરંતુ બેન્કિંગ કાઉન્ટર્સના મજબૂત વર્ચસ્વે ઈન્ડેક્સને તેની ખોટ ભરપાઈ કરવામાં અને ૨૩,૬૬૪ ની નવી ઊંચી સપાટી નોંધાવવામાં મદદ કરી હતી પરંતુ વેચવાલીના બીજા રાઉન્ડમાં ટ્રેડિંગના છેલ્લા કલાકે ફરી એકવાર ઇન્ડેક્સ નીચો ગબડ્યો હતો.
સેકટરલ ધોરણે (બે ટકા સુધી) અને આઇટી (૦.૪ ટકા) સિવાયના ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી સહિતના અન્ય તમામ ઇન્ડેકસ એકથી ત્રણ ટકાના ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયા હતા. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ એક ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬ ટકા ઘટ્યા છે.

એફઆઇઆઇએ કેટલાક સત્રથી લેવાલી શરૂ કરી છે. અર્થતંત્રની દશા સારી છે અને સારા ડેટાને કારણે પણ બજારને ટેકો મળી રહ્યો છે. ફિચ રેટિંગ્સે ક્ધઝઅયુમર એકસપેન્ડિચરમાં રિકવરી અને રોકાણમાં વધારો ટાંકીને ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિની આગાહી માર્ચમાં અંદાજિત સાત ટકાથી વધારીને ૭.૨ ટકા કરી હતી. જોકે, ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે આગળ જતાં નિફટી માટે અવરોધ છે અને તે સરળતાથી ૨૪,૦૦૦ સુધી પહોંચી નહીં શકે.

શેરબજાર રોજ નવી ઊંચી સપાટીએ પહોંચી રહ્યું છે અને અંદાજપત્રમાં થનારી જાહેરાત અને તેની શેરબજાર પર પડનારી અટકળોને આધારે કેટલીક કંપનીઓ આઇપીઓ રોકી રહી છે, એવા અહેવાલો વચ્ચે પણ મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. મેઇન બોર્ડ અને એસએમઇ મળીને કુલ એક ડઝન ભરણાં આવી રહ્યાં છે.

મેઇનબોર્ડના ત્રણ આઇપીઓ અને છ એસએમઇ આઇપીઓ આ સપ્તાહે લોન્ચ થશે, જેમાં ડીઇઇ ડેવલપમેન્ટ, એકમે ફિનટ્રેન્ડ અને સ્ટેનલી લાઇફસ્ટાઇલનો સમાવેશ છે. એસએમઇ આઇપીઓમાં, ફાલ્કન ટેક્નોપ્રોજેક્ટ્સ ઇન્ડિયા, ડુરલેક્સ ટોપ સરફેસ, અને જેમ એન્વિરો મેનેજમેન્ટ, વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન ડિંડીગુલ ફાર્મ પ્રોડક્ટ્સ અને મેડિકમેન ઓર્ગેનિક્સનો સમાવેશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button