શૅરબજારમાં સતત ત્રીજા સત્રમાં આગેકૂચ, જોકે સેન્સેક્સ ૭૩,૦૦૦ની સપાટી વટાવવામાં નિષ્ફળ
(વાણિજય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં ભારે અફડાતફડી અને ઊથલપાથલ જોવા મળી હતી. મોટા ગેપ સાથે નીચી સપાટીએ સત્રની શરૂઆત બાદ એક તબક્કે ૭૩,૦૦૦ની સપાટી પાર કરી લીધા બાદ સેન્સેક્સ લપસી ગયો હતો અને સામાન્ય સુધારા સાથે ૭૨,૦૦૦ની સપાટી ટકાવી શક્યો હતો. બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સતત ત્રીજા સત્રમાં ઊંચા સ્તરે બંધ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ દરમાં કાપના સંકેત આપ્યા બાદ યુએસ બજારોમાં રેકોર્ડ રેલીને પગલે ખાસ કરીને એલએન્ડટી, આઇટીસી અને મારૂતિ જેવી જે ઇન્ડેક્સની મુખ્ય હેવીવેઇટ કંપનીઓમાં આવેલા ઉછાળાને કારણે બેન્ચમાર્ક પોઝિટીવ જોનમાં આગળ વધવામાં સફળ રહ્યાં હતા. જોકે, બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૩,૦૦૦ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો નહોતો. પ્રારંભિક સત્રમાં ઘટાડા પછી બજારોએ સ્માર્ટ રિકવરી કરી હતી. ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૧૯૦.૭૫ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકા વધીને ૭૨,૮૩૧.૯૪ પોઇન્ટના સ્તર પર સેટલ થયો હતો. જો કે, આઇટી અને ટેક શેરોમાં તીવ્ર કરેક્શને ઉછાળાને મર્યાદિત કર્યો હતો. દિવસ દરમિયાન તે ૪૭૪.૪૩ પોઈન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૭૩,૧૧૫.૬૨ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૪.૮૦ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૨૨,૦૯૬.૭૫ના સ્તરે પહોંચ્યો હતો.
સન ફાર્મા, મારુતિ, ઇન્ડસઇન્ડ બેંક, ટાઇટન, આઇટીસી, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને જેએસડબ્લ્યુ સ્ટીલ ટોપ ગેઇનર બન્યાં હતાં. બીજી તરફ ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વ ટોપ લુઝર શેરોની યાદીમાં હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્સ બે ટકા ઘટ્યો હતો.
એસઆરએમ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ, ૨૬ માર્ચે રૂ. ૧૩૦ કરોડના જાહેર ભરણા સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૦૦થી ૨૧૦, લોટ સાઈઝ ૭૦ ઈક્વિટી શેર છે, જે એનએસઇ અને બીએસઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. એન્કર પોર્શન માટે બિડિંગ ૨૨ માર્ચે રોજ ખુલશે અને ઇશ્યુ ૨૮ માર્ચે બંધ થશે. લીડ મેનેજર ઇન્ટરેક્ટિવ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇશ્યુ રજીસ્ટ્રાર બિગશેર સર્વિસીસ છે. એસએમઇ સેગમેન્ટમાં ફરી ધમધમાટ વધી રહ્યો છે. રેડિયોવાલા નેટવર્ક રૂ. ૧૪.૨૫ કરોડના આઇપીઓ સાથે ૨૭મી માર્ચે મૂડીબજારમાં પ્રવેશ કરી રહી છે.આ જાહેર ભરણું બીજી એપ્રિલે બંધ થશે. ઇશ્યૂનું કદ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ૧૮.૭૫ લાખ શેરનું છે. પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. ૭૨થી રૂ. ૭૬ની રેન્જમાં છે,મિનિમમ લોટ ૧,૬૦૦ શેરનો છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. નાર્નોલિયા ફાનિાનાન્શિયલ લીડ મેનેજર અને માશિતલા સિક્યુરિટીઝ ઇશ્યૂ રજિસ્ટ્રાર છે.
ડિજિટલ બેન્કિંગ અને પેમેન્ટ્સ ટેક્નોલોજીમાં અગ્રણી નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજીસ (એનપીએસટી) લિમિટેડને ડિજિટલ પેમેન્ટ સ્પેસમાં તેની નવીનતાઓ માટે પ્રતિષ્ઠિત ઇટી નાવ બીએસએફઆઇ બેસ્ટ બ્રાન્ડ્સ ૨૦૨૪ એવોર્ડ મળ્યો છે. પાછલા ૧૨ મહિનામાં, એનપીએસટીએ યુપીઆઇ પ્લગઈન, યુપીઆઇ પર ક્રેડિટ, ઇવોક ૨.૦ સહિત અનેક ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન નવીન ઓફરો શરૂ કરી છે. પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં, કંપનીએ રૂ. ૮,૫૪૦.૧૪ લાખની એકીકૃત આવક જાહેર કરી છે.
ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે ફ્લેટ નોટ પર વેપાર કર્યો હતો કારણ કે બજારના સાધનો અનુસાર આઇટી સેક્ટરની બેલવેધર ગણાતી કંપની એક્સેન્ચરની રેવન્યુને લગતી ચેતવણીને કારણે આઇટી શેરોમાં જોરદરા વેચવાલી સાથે ઘટાડો થયો હતો અને તેની અસર બેન્ચમાર્ક ઇન્ડેક્સ પર જોવા મળી હતી.
સવારના સત્રમાં જ વિપ્રો, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એચસીએલ ટેકનો, એલટીઆઇમાઇન્ડટ્રી અને ઇન્ફોસિસ જેવા ટેકનોલોજી શેરમાં ૨.૩ ટકાથી ૪.૫ ટકા સુધીના કડાકા બોલી જતાં આઇટી ઇન્ડેક્સ ટોચનાો સેક્ટોરલ લુઝર ઇન્ડેક્સ બન્યો હતો. આઇટી શેરો પણ નિફ્ટીના ટોચના પાંચ લુઝર હતા. આઇટીને બાદ કરતાં અન્ય તમામ ૧૨ મુખ્ય સેક્ટરમાં સુધારો થયો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વે મજબૂત આર્થિક સંકેત હોવા છતાં આ વર્ષે ત્રણ તબક્કાના રેટ કટની આગાહી કરી છે. મુખ્ય સૂચકાંકો વિક્રમી ઊંચાઈને અથડાતાં વૈશ્ર્વિક બજારનું આઉટલૂક તેજીનું રહ્યું છે. એક્સેન્ચરની આવકને લગતી નકારાત્મક આગાહીને પગલે આઇટી શેરોમાં આગળ પણ મંદી જોવા મળી શકે છે. નિફ્ટી જોકે આગેકૂચ જાળવી રાખવાનો પ્રયાસ કરશેે. નિફ્ટીમાં ૨૧,૭૧૧ ટેકાની સપાટી રહેશે, જ્યારે બેન્ક નિફ્ટીમાં આગેકૂચની સંભાવના દેખાય છે.
એશિયન બજારોમાં સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં લપસ્યા હતા, જ્યારે ટોક્યો પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. યુરોપિયન બજારોમાં બપોરના સત્ર સુધી મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.
વોલ સ્ટ્રીટે ગુરુવારે સતત બીજા સત્રે તાજા રેકોર્ડ શિખરો સર કર્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૧,૮૨૬.૯૭ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૨ ટકા ઘટીને ૮૫.૫૯ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. ગુરુવારે બીએસઇ બેન્ચમાર્ક ૫૩૯.૫૦ પોઈન્ટ અથવા ૦.૭૫ ટકા વધીને ૭૨,૬૪૧.૧૯ પર બંધ થયો હતો. નિફ્ટી ૧૭૨.૮૫ પોઈન્ટ અથવા ૦.૭૯ ટકા વધીને ૨૨,૦૧૧.૯૫ પર પહોંચ્યો હતો.