શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી ૨૧,૪૫૭ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વના રેટકટના નિર્ણય અને બોન્ડ યિલ્ડના ઘટાડાને કારણે શરૂ થયેલી તેજી સપ્તાહના અંતિમ દિવસે પમ આગળ વધી હતી અને સેન્સેક્સ ૯૬૯.૫૫ પોઈન્ટ અથવા ૧.૩૭ ટકા ઉછળીને ૭૧,૪૮૩.૭૫ પોઇન્ટની સર્વકાલીન ઊંચી સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૧,૦૯૧.૫૬ પોઈન્ટ અથવા ૧.૫૪ ટકા વધીને ૭૧,૬૦૫.૭૬ની તેની સર્વકાલીન ઇન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો. નિફ્ટી ૨૭૩.૯૫ પોઈન્ટ અથવા ૧.૨૯ ટકા વધીને ૨૧,૪૫૬.૬૫ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. સત્ર દરમિયાન, તે ૩૦૯.૬૦ પોઈન્ટ અથવા ૧.૪૬ ટકા વધીને ૨૧,૪૯૨.૩૦ની રેકોર્ડ ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો છે.
એચસીએલ ટેકનોલોજીસ ૫.૫૮ ટકાના ઉછાળા સાથે સેન્સેકસનો ટોપ ગેઇનર બન્ો હતો. ટીસીએસ, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી અને વિપ્રો ટોપ ગેઇનર બન્યા હતા. જ્યારે ટોપ લુઝરમાં નેસ્લે, ભારતી એરટેલ, મારુતિ અને આઇટીસીનો સમાવેશ હતો.
મૂડીબજારમાં ધમધમાટ ચાલુ રહ્યો છે. આઝાદ એન્જિનિયરિંગ રૂ. ૭૪૦ કરોડના આઇપીઓ સાથે ૨૦મી ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૪૯૯-૫૨૪ નક્કી થઇ છે. આ ભરણું ૨૨મીએ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે ભરણું ૧૯મીએ ખુલશે. મિનિમમ બિડ લોટ ૨૮ શેરનો છે અને શેર બીએસઇ, એનએસઇ પર લિસ્ટેડ થશે.
એશિયાઇ બજારમાં સિઓલ, ટોકિયો અને હોંગકોંગ ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જ્યારે શાંઘાઇમાં પીછેહઠ જોવા મળી હતી. યુરોપિયન માર્કેટમાં મિશ્ર વલમ રહ્યું હતું. અમેરિકાના બજારો ગુરુવારે ઊંચા મથાળે પહોંચ્યા હતા.
ફેડરલ રિઝર્વની ડોવિશ કોમેન્ટરી અને ૨૦૨૪માં ઓછામાં ઓછા ત્રણ રેટ કટનો સંકેત સાથે યુએસ બોન્ડ યીલ્ડમાં નોંધાયેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોના વિશ્ર્વાસમાં સુધારો થયો હતો અને બજાર તાજી નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. જિયોજીતના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ભારતના જીડીપી અનુમાનમાં સુધારો, વૈશ્ર્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને ફુગાવાને લક્ષ્યાંકિત સ્તર સુધી ઘટાડવાના આરબીઆઈના નિર્ણયને કારણે રિયલ્ટી અને આઈટીના આઉટપરફોર્મન્સ સાથે વ્યાપક સ્તરે તેજી જોવા મળી હતી.
એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૩૦૦૦થી વધુ અને બુધવારે રૂ. ૪,૭૧૦.૮૬ કરોડની લેવાલી નોંધાવ્યા બાદ ગુરુવારે રૂ. ૩,૫૭૦.૦૭ કરોડના શેર ખરીદ્યા હતા. ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૩ ટકા વધીને ૭૬.૮૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ગુરુવારે બેન્ચમાર્ક ૯૨૯.૬૦ પોઈન્ટ અથવા ૧.૩૪ ટકા વધીને ૭૦,૫૧૪.૨૦ પર સેટલ થયો હતો. નિફ્ટી ૨૫૬.૩૫ પોઈન્ટ અથવા ૧.૨૩ ટકા વધીને ૨૧,૧૮૨.૭૦ પર પહોંચ્યો હતો. ફેડરલના પોલિસી મેકર્સેે એવો સંકેત આપ્યો છે કે તેઓ આવતા વર્ષે તે મુખ્ય વ્યાજ દરમાં ત્રણ વખત ૦.૨૫ ટકા જેટલો ઘટાડો કરવાની વિચારણાં ધરાવે છે. યુએસ ફેડના દરો યથાવત રાખવાના નિર્ણયથી ભારત સહિત વિશ્ર્વના ઇક્વિટી બજારના સેન્ટિમેન્ટમાં સુધારોે થયો હતા. આ ઉપરાંત, ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ અને વિદેશી રોકાણકારો સ્થાનિક ઈક્વિટીમાં નાણાં ઠલવતા હોવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. સ્થાનિક સ્તરે આગામી વર્ષના મધ્યમાં મજબૂત વૃદ્ધિના આંકડા અને રેટ કટની અપેક્ષા રાખવાનું ચાલુ રાખતા, ઇક્વિટી બજારોમાં આશાવાદ મધ્યમ ગાળામાં ચાલુ રહી શકે છે.