શેર બજાર

ચૂંટણી પરિણામની ચિંતા વચ્ચે શૅરબજારમાં સતત ચોથા દિવસે પીછેહઠ

મુંબઈ: ચૂંટણી પરિણામ અંગેની ચિંતા વચ્ચે એક તરફ લેવાલી ઓછી થવા સાથે બીજી તરફ વેચવાલી વધી હોવા ઉપરાંત વિશ્ર્વબજારમાંથી પણ નરમાઇના સંકેત મળ્યા હોવાથી શેરબજારમાં સતત ચોથા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી. બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં બુધવારે લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો. લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા સાવચેતીના માનસ વચ્ચે રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરી રહ્યાં છે.

સેન્સેક્સ ૬૬૭.૫૫ પોઈન્ટ અથવા ૦.૮૯ ટકા ઘટીને ૭૪,૫૦૨.૯૦ પોઇન્ટના સ્તર પર સેટલ થયો છે. સત્ર દરમિયાન તે ૭૧૫.૯ પોઈન્ટ અથવા ૦.૯૫ ટકા ગબડીને ૭૫,૦૦૦ની નીચે જઈને ૭૪,૪૫૪.૫૫ની દિવસની નીચી સપાટીએ અથડાયો હતો. બેન્ચમાર્ક ૨૭ મેના રોજ ૭૬,૦૦૯.૬૮ પોઇન્ટની સર્વકાલીન ટોચ પર પહોંચ્યો હતો. નિફ્ટી ૧૮૩.૪૫ પોઈન્ટ અથવા ૦.૮૦ ટકા ઘટીને ૨૨,૭૦૪.૭૦ના સ્તર પર આવી ગયો હતો. સોમવારે ૫૦-શેર ધરાવતું આ બેરોમીટર તેની જીવનકાળની સર્વોચ્ચ સપાટી ૨૩,૧૧૦.૮૦ પર પહોંચ્યું હતું.

સેન્સેક્સ પેકમાંથી, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસિસ ટોપ લુઝર શેરની યાદીમાં હતા. જ્યારે પાવર ગ્રીડ, સન ફાર્મા, નેસ્લે, આઈટીસી અને ભારતી એરટેલ ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં હતાં.

બજારના નિષ્ણાત વિશ્ર્લેષકે કહ્યું હતું કે, નબળા વૈશ્ર્વિક સંકેતોએ રોકાણકારોને યુએસ કોર પીસીઇ ડેટાની જાહેરાત અગાઉ પ્રોફિટ બુકિંગ કરવા પ્રેરિત કર્યા, પીસીઇ ફુગાવાનો મુખ્ય માપદંડ છે જે વધવાની ધારણા છે. એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગ નીચામાં સ્થિર થયા, જ્યારે શાંઘાઈમાં તેજી સાથે અંત આવ્યો. યુરોપિયન બજારો નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકાના બજારો મંગળવારે મિશ્ર નોંધ પર બંધ થયા હતા.

છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂનના રોજ યોજાનાર છે. ચાલી રહેલી સામાન્ય ચૂંટણીના પરિણામો ચોથી જૂને જાહેર કરવામાં આવશે. છઠ્ઠા તબક્કાના અંત સાથે, બજારનું ધ્યાન પહેલી જૂન, ૨૦૨૪ના રોજ ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કા પર રહેશે, ત્યારબાદ તે જ સાંજે એક્ઝિટ પોલના પરિણામો આવશે. એક્ઝિટ પોલ, ઘણી એજન્સીઓ (સમાચાર એજન્સીઓ સહિત) દ્વારા હાથ ધરવામાં આવે છે, એ મતદારોના મતદાન મથકોમાંથી બહાર નીકળ્યા પછી તરત જ લેવામાં આવેલા ઓપિનિયન પોલ છે, અને તેઓ ઘણીવાર વાસ્તવિક પરિણામો (૪ જૂનના રોજ નિયત) પહેલાં ચૂંટણીના સંભવિત પરિણામો સૂચવે છે. આ સપ્તાહે રોકાણકારોની નજર એક્ઝિટ પોલ, ઓટો ડેટા અને અમેરિકા તથા ભારતના જીડીપી ડેટા પર રહેશે. પહેલી જૂનના રોજ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને બિહાર સહિત આઠ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન વર્તમાન ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ઓછું ૫૯.૪૬ ટકા રહ્યું હતું. પહેલા તબક્કામાં ૬૬.૧૦ ટકા, બીજા તબક્કામાં ૬૬.૭ ટકા, ત્રીજા તબક્કામાં ૬૫.૭ ટકા, ચોથા તબક્કામાં ૬૯.૨ ટકા અને પાંચમા તબક્કામાં ૬૨.૨ ટકા રહ્યું હતું.વૈશ્ર્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૮ ટકા વધીને ૮૪.૯૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (ઓફઆઇઆઇ) એ મંગળવારે રૂ. ૬૫.૫૭ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ઓસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતનું સાર્વભૌમ રેટિંગ ટ્રીપલ બી માઇનસના સૌથી નીચા રોકાણ ગ્રેડ પર જાળવી રાખ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button