શેર બજાર

શૅરબજારમાં તેજીનો તોખાર: મેક્રો ડેટાનું ટ્રીગર મળતાં નિફ્ટી ઑલટાઇમ હાઇ સપાટીએ, સેન્સેક્સ ૧૧ સપ્તાહની ઊંચી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક અને સ્થાનિક સ્તરે અન્ય સાનૂકૂળ પરિબળો ઉપરાંત બૃહદ અર્થતાંત્રિક ડેટામાં તેજીનું જોમ મળવાથી ભારતીય શેરબજારે સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો. નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ૧૧ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

બીએસઇનો ત્રીસ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ સત્રને અંતે ૪૯૨.૭૫ પોઈન્ટ અથવા ૦.૭૪ ટકા વધીને ૬૬,૯૮૮.૪૪ પોઇન્ટના પાછલા બંધ સામે ૬૭,૪૮૧.૧૯ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન બેન્ચમાર્ક ૫૭૫.૮૯ પોઇન્ટ અથવા તો ૦.૮૫ ટકાના ઉછાળા સાથે ૬૭,૦૬૯.૮૯ પોઇન્ટની ઊંચી સપાટીએ અથડાયો હતો.

એ જ રીતે, એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૨૦,૧૩૩.૧૫ પોઇન્ટના પાછલા બંધ સામે ૧૩૪.૭૫ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા વધીને ૨૦,૨૬૭.૯૦ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન બેન્ચમાર્ક ૧૫૮.૪૦ પોઇન્ટ અથવા તો ૦.૭૮ ટકાના ઉછાળા સાથે ૨૦,૨૯૧.૫૫ પોઇન્ટની ઊંચી સપાટીએ અથડાયો હતો.
બજારના અભ્યાસુઓ અનુસાર ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ પછી નિફ્ટીનું આ સર્વોચ્ચ સ્તર છે. તાજેતરમાં નિફ્ટીએ ૨૬ ઓક્ટોબરે ૧૮,૮૩૮ની નીચી સપાટી બનાવી હતી આ સ્તરથી નિફ્ટીમાં સાત ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટી ૧૧.૨ ટકા વધ્યો છે અનેે સેન્સેક્સ ૧૦.૪ ટકા વધ્યો છે.

આપણે મુંબઈ સમાચારની સોમવારની કોલમ ‘ફોરકાસ્ટ’ના શીર્ષકમાં ટાંકેલી સ્પષ્ટ આગાહી અનુસાર જ નિફ્ટી ૨૦,૨૦૦ની સપાટી વટાવી ગયો હતો. સવારના સત્રમાં જ નિફટીએ ૨૦,૨૮૨ પોઈન્ટ સુધી ઊછળ્યો હતો. સેન્સેક્સના શેરોમાં આઇટીસી, એનટીપીસી, એક્સિસ બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર શેર રહ્યાં હતાં.
જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એચડીએફસી બેન્ક ટોપ લુઝર્સ રહ્યાં હતાં. ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ આઉટલૂક આશાસ્પદ હોવા સાથે અપેક્ષા કરતાં વધુ જીડીપી વૃદ્ધિના આંકડાએ બજારનો મૂડ સુધર્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ૭.૬ ટકા રહ્યો છેે, જ્યારે રોઈટર અને બ્લૂમબર્ગનો અંદાજ ૬.૮ ટકાનો હતો. આરબીઆઈનો અંદાજ તો ૬.૫ ટકા હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોનગી લેવાલીને કારણે પણ બજારને સારો ટેકો મળ્યો હતો. એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૮૧૪૭.૮૫ કરોડની લેવાલી નોંધાવી હતી. ૩૦ નવેમ્બરના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ભારતના આઠ મુખ્ય ક્ષેત્રોએ ઓક્ટોબરમાં ૧૨.૧ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. દરમિયાન, કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ એપ્રિલ-સપ્ટેમ્બરમાં રૂ. ૭.૦૨ લાખ કરોડથી વધીને એપ્રિલ-ઓક્ટોબરમાં રૂ. ૮.૦૪ લાખ કરોડ થઈ હતી. સવારના સત્રમાં નિફ્ટી-૫૦૦એ ૧૮૦૮૨.૩૫ની નવી ઊંચી સપાટી સાથે નિફ્ટી મિડકેપ ૧૫૦ અને નિફ્ટી સ્મોલકેપ ૨૫૦એ પણ નવા રેકોર્ડ બનાવ્યા છે. નિફ્ટી એનર્જી, નિફ્ટી ઓટો, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી પીએસઈ પણ નવા રેકોર્ડ હાઈ પર છે.

પાછલા સત્રમાં ગુરુવારે સેન્સેક્સે નવો ઈતિહાસ નોંધાવ્યો હતો. પ્રથમ વખત સેન્સેક્સનું માર્કેટ કેપિટલાઇઝેશન ચાર ટ્રિલિયન ડોલરને વટાવી ગયું, જે તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી છે. નિફ્ટી બેન્ચમાર્કને ઝડપી ઉછાળા તરફ દોરી જનારા શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, ઓએનજીસી અને પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સમાવેશ રહ્યો હતો. આ તેજી અનેક પરિબળો એકત્ર થવાને કારણે આકાર પામી છે, જેમાં અમેરિકાના અધિકારીઓના ડોવિશ સ્ટાન્સ, ભારતીય કંપનીઓના બીજા ક્વાર્ટરના મજબૂત નાણાકીય પરિણામ, પ્રવાહિતાની સાનૂકુળ પરિસ્થિતિ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, અમેરિકન બોન્ડની યિલ્ડમાં ઘટાડો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શરૂ કરેલી લેવાલીનો સમાવેશ થાય છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે ભારતીય શેરબજાર હજુ આગામી મહિનાઓમાં પણ તેજીના વલણને ચાલુ રાખવા માટે સારી સ્થિતિમાં છે. જોકે, એ યાદ રાખવું અગત્યનું છે કે શેરબજાર અસ્થિર ગતિ ધરાવે છે અને તેમાં હંમેશા જોખમો સામેલ છે. એશિયાઇ બજારોમાં શાંઘાઇ શેરબજારમાં સુધારો હતો જ્યારે, સિઓલ, ટોકિયો અને હોંગકોંગ શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી.
યુરોપના મોટાભાગના બજારોમાં ખૂલતા સત્રમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના મોટાભાગના બજારો ગુરુવારે સુધારા સાથે બંધ રહ્યાં હતાં. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૭ ટકાના ઘટાડા સાથે ૮૦.૪૦ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.

સેન્સેક્સમાં આઈટીસી ૩.૨૮ ટકા, એનટીપીસી ૨.૯૭ ટકા, એક્સિસ બેન્ક ૨.૭૧ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૨.૫૨ ટકા અને બજાજ ફાઈનાન્સ ૧.૮૪ ટકા વધ્યા હતા, જ્યારે વિપ્રો ૧.૩૪ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૨૭ ટકા, મારુતી સુઝુકી ઈન્ડિયા ૦.૩૭ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૩૫ ટકા અને ટેક મહિન્દ્રા ૦.૨૯ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૨૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓને ઉપલી અને ૭ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button