રિઝર્વ બૅંક દ્વારા ગ્રોથ ફોરકાસ્ટના સુધારાના ટેકે શૅરબજારે નવી ઊંચાઇ સર કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિના અંદાજમાં વધારાની અને નીતિ દરો યથાવત રાખ્યા હોવાની જાહેરાત બાદ અન્ય રેટ સેન્સિટીવ શેરોમાં ભારે લેવાલી શરૂ થઇ જતાં, બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે તેમની નવી જીવનકાળની નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા. જોકે, નિફ્ટી ફરી ૨૧,૦૦૦ની સપાટી સર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. સેન્સેક્સ ૩૦૩.૯૧ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા વધીને ૬૯,૮૨૫.૬૦ની નવી ટોચે પહોંચ્યો હતો. ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે ૬૯,૮૯૩.૮૦ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યો હતો. જ્યારે બ્રોડર ઈન્ડેક્સ નિફ્ટી પણ ૬૮.૨૫ પોઈન્ટ્સ અથવા ૦.૩૩ ટકા વધીને ૨૦,૯૬૯.૪૦ની નવી રેકોર્ડ હાઈએ પહોંચ્યો હતો.
સેન્સેક્સના મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનોમાં ૨.૬૯ ટકાનો સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો, ત્યારબાદના ક્રમમાં જેએસડબલ્યુ સ્ટીલ ૨.૪૪ ટકા અને ઇન્ફોસિસ ૧.૬૭ ટકા ઉછળ્યો હતો. અન્ય ગેઇનર્સમાં એચડીએફસી બેન્ક, ટાઇટન, એક્સિસ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કનો સમાવેશ હતો. તેનાથી વિપરીત, આઇટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સ ટોપ લૂઝર્સ બન્યાં હતા.
એલઇડી લાઇટ્સ અને ફિક્સરના ઉત્પાદન અને વિકાસમાં સંકળાયેલી ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સ્ચર્સ લિમિટેડે એક અભૂતપૂર્વ આઉટડોર ટેક્નોલોજી, ઓપ્ટિકલ લોન્ચ કરી છે. કંપનીએ સફળતાપૂર્વક નેરોએસ્ટ બીમ, થ્રી ડિગ્રી હાંસલ કરી છે. વધુમાં, ફોકસે સિંગલ લેન્સ ટેકનોલોજી રજૂ કરી છે, જે ફિક્સ્ચર બદલવાની જરૂરિયાતને દૂર કરી નેરોથી વાઇડ સુધી નિર્બાધ બીમ એંગલ એડજસ્ટમેન્ટ માટે સવલત આપે છે. વર્ષ ૨૦૨૪ના પૂર્વાર્ધમાં ફોકસે રૂ. ૨૫.૮૮ કરોડના એબિટા અને રૂ. ૧૮.૭૮ કરોડના ચોખ્ખા નફા સાથે રૂ. ૧૧૦.૮૪ કરોડની કુલ આવક નોંધાવી હતી.
ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ રૂ. ૧૨૦૦ કરોડનો આઇપીઓ લાવી રહી છે. અન્ય કોર્પોરેટ પ્રવૃત્તિમાં જમનાલાલ બજાજ ફાઉન્ડેશને ૪૫મા જમનાલાલ બજાર પુરસ્કારોમાં માનવતાવાદી અને સામાજિક કામગીરીનાં ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપાનારા આ વર્ષે વિવિધ કેટેગરીમાં ડો. રેગી જ્યોર્જ અને ડો. લલિતા રેગી, ડો. રામાલક્ષ્મી દત્તા, સુધા વર્ગીસ અને બાંગલાદેશના રહા નાબા કુમારનેપુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ પુરસ્કારની રકમ આ વર્ષથી દરેક કેટેગરી માટે રૂ. ૨૦,૦૦,૦૦૦ છે. સેબી સેક્ધડરી માર્કેટ માટે આસ્બા જેવી સિસ્ટમ લાવવા માગે છે. સેબીનો ઓડર સેટ દ્વારા બાજૂએ મૂકાયા બાદ આઇઆઇએફએલ સિક્યુરિટીઝમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આરબીઆઈએ આર્થિક વૃદ્ધિની આગાહી વધારીને અને ખાદ્ય ફુગાવા પર ચિંતા વ્યક્ત કરીને સંતુલિત અભિગમ અપનાવ્યો હતો, જેને કારણે ટૂંકા ગાળામાં બજારને પુશ મળી શકે છે. રવિ મોસમની વાવણીમાં ઘટાડો અને જળાશયોના સ્તરમાં ઘટાડો અનાજના ભાવમાં વધારો લાવી શકે છે. તેની અસર એફએમસીજી શેરો પર દેખાઈ હતી અને આ શેરો ગબડ્યા હતા, એમ જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ શુક્રવારે બેન્ચમાર્ક રિપર્ચેઝ (રેપો) રેટને ૬.૫ ટકા પર રાખવાનો નિર્ણય કર્યો હતો. દેશની સેન્ટ્રલ બૅન્કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ મજબૂત ૭.૬ ટકા વૃદ્ધિ પછી, વિશ્ર્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ભારતની સ્થિતિ જાળવી રાખીને, આર્થિક વૃદ્ધિ માટેનું અનુમાન ૬.૫ ટકાથી વધારીને ૭ ટકા જાહેર કર્યું છે.
એશિયામાં અન્યત્ર શાંઘાઈ કમ્પોઝિટ ૦.૧૧ ટકા વધ્યો હતો, જ્યારે નિક્કી ૨૨૫ અને હેંગસેંગ અનુક્રમે ૧.૬૮ ટકા અને ૦.૧૫ ટકા ઘટ્યા હતા, ફ્રાન્સના સીએસી ૪૦માં ૦.૯૧ ટકા અને લંડનના ફૂટસી ૧૦૦માં ૦.૫૫ ટકાના વધારા સાથે યુરોપીયન બજારો ઊંચા વેપાર કરી રહ્યા હતા. જર્મનીનો ડેક્સ ૦.૩૯ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. ગુરૂવારે નાસ્ડેકમાં એક ટકાથી વધુની તેજી સાથે યુએસ બજારો રાતોરાત વેપારમાં નોંધપાત્ર ઉછાળા સાથે બંધ થયા હતા. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૬૨ ટકા વધીને ૭૫.૨૫ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
ગુરૂવારે ૩૦ શેરવાળો સૂચકાંક ૧૩૨.૦૪ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા ઘટીને ૬૯,૫૨૧.૬૯ પર બંધ થયો હતો. નિફ્ટી ૩૬.૫૫ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા ઘટીને ૨૦,૯૦૧.૧૫ પર સેટલ થયો હતો.
યુએસ બોન્ડ યીલ્ડમાં સતત ઘટાડો, ભારતનો જીડીપી વૃદ્ધિ દર, ક્રૂડના ભાવમાં ઘટાડો અને રાજકીય સ્થિરતા જેવા સાનુકૂળ પરિબળો બજારને ટેકો આપી રહ્યાં છે. એક્સચેન્જ ડેટા અનુસાર એફઆઇઆઇએ ગુરુવારના સત્રમાં રૂ. ૧૫૬૪ કરોડના શેરની વેચવાલી નોંધાવી છે. બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૭૯.૮૮ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.