શેર બજાર

જીડીપી ગ્રોથ પ્રોજેકશનના કરંટ સાથે શૅરબજાર નવી ઓલટાઇમ હાઇ સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના સાનુકૂળ સંકેતના અભાવ છતાં સ્થાનિક સ્તરે રિઝર્વ બેન્કે જીડીપીના ગ્રોથ પ્રોજેકશનમાં વધારો જાહેર કર્યો હોવા સાથે એનડીએની સરકરા સત્તા ફરી હાંસલ કરવાના માર્ગે વધુ એક ડગલું આગળ વધ્યો હોવાથી સેન્ટિમેન્ટમાં આવેલા સુધારા સાથે લેવાલીનો ટેકો વધતાં સેન્સેક્સે ઇન્ટ્રા-ડે ૧૭૨૦.૮૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૬,૭૯૫.૩૧ પોઇન્ટની નવી ઓલટાઇમ ઊંચી સપાટી નોંધાવી હતી. આ તબક્કે નિફ્ટી ૪૯૮.૮૦ પોઇન્ટના ઉછાળા સાથે ૨૩,૩૨૦.૨૦ પોઇન્ટની સપાટીએ અથડાયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીમાં માટે બે ટકાનો વધારો નોંધાવનાર ૨૦૨૪નું આ અત્યાર સુધીનું સૌથી મજબૂત સપ્તાહ હતું, જેમાં સેન્સેક્સ ૭૬,૭૯૫ ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૦ બપોરના ટ્રેડિંગ દરમિયાન તેની ૨૩,૩૩૮ની રેકોર્ડ ટોચથી માત્ર ૧૮ પોઈન્ટ છેટે રહી ગયો હતો.

સત્ર દરમિયાન સેન્સેક્સ ૧૭૨૦.૮૦ પોઇન્ટ અથવા તો ૨.૨૯ ટકાના ઉછાળા સાથે ૭૬,૭૯૫.૩૧ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયા બાદ અંતે ૧,૬૧૮ પોઈન્ટ અથવા ૨.૧૬ ટકા વધીને ૭૬,૬૯૩.૩૬ પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટી પર સ્થિર થયો હતો.

એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૪૯૮.૮૦ પોઇન્ટ અથવા તો ૨.૧૮ ટકાના ઉછાળા સાથે તેની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટીથી માત્ર ૧૮ પોઇન્ટ છેટે, ૨૩,૩૨૦.૨૦ પોઇન્ટની સપાટી સુધી પહોંચ્યો હતો અને અંતે ૪૬૮.૭૫ પોઈન્ટ અથવા ૨.૦૫ ટકા વધીને ૨૩,૨૯૦.૧૫ પોઇન્ટના નવા વિક્રમી શિખરે સ્થિર થયો હતો. બજારનો અંડરટોન મક્ક્મ રહ્યો હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૨,૫૮૬ શેર વધ્યા, ૮૧૦ શેર ઘટ્યા અને ૮૦ શેર યથાવત રહ્યા.

શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે આગેકૂચ ચાલુ રહી હતી. પ્રારંભિક સત્રમાં સહેજ નરમાઇ બતાવ્યા બાદ બેન્ચમાર્ક ફરી ઊર્ધ્વ ગતિ બતાવી હતી. આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે જીડીપી વૃદ્ધિની આગાહીમાં સહેજ વધારો કરતાં સેન્સેક્સમાં ગણતરીની મિનિટોમાં ૧૦૦૦ પોઈન્ટ સુધીનો વધારો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી ૨૩,૧૦૦ની સપાટી વટાવી ગયો હતો. રિઝર્વ બેન્કે સતત આઠમી મુદત માટે ચાવીરૂપ વ્યાજદરો યથાવત રાખ્યા હતા, જોકે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે જીડીપીની વૃદ્ધિ માટેનું અનુમાન અગાઉના સાત ટકાથી વધારીને ૭.૨ ટકા જાહેર કર્યું હતું.

જોકે, બજારનો એક વર્ગ આરબીઆઇની નાણા નીતિને એક નોન-ઇવેન્ટ ગણાવી રહ્યાં છે. તેમના મતે કેન્દ્રમાં ગઠબંધન સરકારમાં સ્થિરતાની અપેક્ષા અને આરબીઆઈ દ્વારા ભારતના વિકાસ અનુમાનમાં ઉપરની તરફના સુધારાના, એમ બંનેને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હોવાથી નિફ્ટી અને સેન્સેક્સ બે ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો.

સેન્સેક્સના તમામ ૩૦ શેર પોઝિટિવ જોનમાં બંધ થયા હતા અને તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર શેરોમાં સામેલ હતાં. એશિયાઇ બજારોમાં સિઓલ અને શાંઘાઇ પોઝિટિવ ઝોનમાં જ્યારે ટોકિયો અને હોંગકોંગ નેગેટીવ જોનમાં બંધ રહ્યાં હતાં.

વિશ્ર્લેષકોએ આઇટી શેરોમાં અણધારી તેજીને પણ બેન્ચમાર્કમાં ઉછાળાનું કારણ આપ્યું હતું. આઇટી સેક્ટરમાં નવેસરથી લેવાલી વધવાના પ્રાથમિક કારણમાં અનુકૂળ મૂલ્યાંકન મહત્ત્વનું પરિબળ રહ્યું હતું, આ શેરોમાં પાછલા દોઢથી બે વર્ષમાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો. આ સત્રમાં નિફ્ટી આઇટી ૩.૫ ટકા વધ્યો હતો, જેમાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ આગળ વધ્યા હતા. આ સેક્ટોરલ ઇન્ડેક્સે ચાર વર્ષમાં તેનું શ્રેષ્ઠ સપ્તાહ જોયું છે. વધુમાં, નિફ્ટી ઓટો, નિફ્ટી એનર્જી, નિફ્ટી ઈન્ફ્રા, નિફ્ટી મેટલ અને નિફ્ટી રિયલ્ટી બે ટકાથી વધુ વધીને બંધ થયા છે.

વ્યાપક બજારમાં પણ સારી લેવાલી રહી હોવાથી મિડકેપ એક ટકાથી વધુ જ્યારે સ્મોલકેપમાં બે ટકાથી વધુનો વધારો થયો હતો. મંત્રાલયની ફાળવણી સપ્તાહના અંતે થવાના છે. બજારના વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે, બજારોનું ધ્યાન હવે ચોમાસાની પ્રગતિ, નાણાકીય વર્ષ ૨૦૨૫ના કોર્પોરેટ પરિણામ, જીડીપી વૃદ્ધિ, જીેસટી વસૂલી અને એફઆઇઆઇના રોકાણ પ્રવાહ પર કેન્દ્રિત કરશે.
ખાસ કરીને આઇટી શેરોમાં લેવાલી વધવાથી નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં પણ બે ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો એ ઘણી પ્રોત્સાહક બાબત હોવા સાથે રોકાણકારોનો બજાર પરનો વિશ્ર્વાસ દર્શાવે છે, એમ સાધનોએ જણાવ્યું હતું. નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ ચૂંટણી પરિણામના દિવસના ઘટાડા સામે ૯૦ ટકા રિકવર થઇ ગયાં છે.

નિષ્ણાતો માને છે કે, નજીકના ગાળામાં, એફઆઇઆઇની વ્યાપક વેચવાલી ચાલુ રહેવાથી બજાર ઘટે તેવી શક્યતા છે. પાછલા ત્રણ દિવસ દરમિયાન કુલ આ વર્ગે રૂ. ૨૪૯૬૦ કરોડની વેચવાલી નોંધાવી હોવાથી ફાઇનાન્શિયલ અને આઇટી જેવા સેક્ટરમાં લાર્જકેપ્સ જ્યાં એફઆઇઆઇના સંચાલન હેઠળ મોટી સંપત્તિ છે, તે શેરો અંડરપરફોર્મ કરી શકે છે. જ્યારે વિદેશી ફંડો લેવાલી ફરી શરૂ કરશે ત્યારે આ વલણ બદલાશે, જે અનિવાર્ય જ જણાય છે. દરમિયાન લાંબા ગાળાના રોકાણકારો આ ઉચ્ચ ગુણવત્તાવાળા લાર્જકેપ પર ધ્યાન આપી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button