શેર બજાર

શૅરબજાર નવી વિક્રમી સપાટીએ: સેન્સેક્સ ૬૯,૦૦૦ની ઉપર, નિફ્ટીએ ૨૦,૮૦૦ની સપાટી વટાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના ચાવીરૂપ ડેટાની જાહેરાત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે અમેરિકન બજાર પાછળ વૈશ્ર્વિક શેરબજારમાં નરમાઇની અસર જોવા મળી હોવા છતાં, વર્તમાન શાસક પક્ષને ત્રણ રાજ્યની ચૂંટણીમાં મળેલી જીતથી મળેલી કીકની અસર ચાલુ રહેતા અફડાતફડી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીએ મંગળવારે બીજા સતત સત્રમાં નવી વિક્રમી ઉંચી સપાટી બતાવી હતી.

સેન્સેક્સ સવારે ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ પ્રોફિટ બુકિંગને કારણે ૨૦૦ પોઇન્ટ નીચે ગબડ્યા પછી બપોર પછી ફરી ૩૩૫ પોઈન્ટ વધીને ૬૯,૧૯૯.૭૨ પોઇન્ટના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બ્રોડર ઈન્ડેક્સ નિફ્ટી પણ એ જ રીતે ઉપરનીચે અથડાયા બાદ ૧૫૦ પોઈન્ટ વધીને ૨૦,૮૦૦ પોઇન્ટની સપાટી વટાવી ગયો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૪૩૧ પોઇન્ટના ઉછાળા સાથે ૬૯,૨૯૬ પોઇન્ટની નવી વિક્રમી સપાટીએ અને નિફ્ટી ૧૬૮.૩૦ પોઇન્ટના ઉછાળા સાથે ૨૦,૮૫૫.૧૦ પોઇન્ટની નવી ઓલટાઇમ સપાટીએ સ્થિર થયો હતો.

પાવરગ્રીડ કોર્પોરેશન ૪.૪૬ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સનો ટોપ ગેઇનર બન્યો હતો. એનટીપીસી ૩.૮૯ ટકા, સ્ટેટ બેન્ક ૨.૩૧ ટકા અને આઇસીઆઇસીઆઇ બેન્ક ૨.૨૮ ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. એમએન્ડએમ, ટાઇટન અને મારુતિ પણ તેમાં સામેલ હતા. બેન્ક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જેમાં એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક લગભગ એક ટકા જ્યારે એક્સિસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સારી લેવાલી હતી. ઓઇલ અને ગેસના શેરોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ભારત પેટ્રોલિયમ કોર્પ બપોરે જ ટોચના નિફ્ટી ૫૦ ગેનર્સમાં સામેલ હતો.

બોન્ડ માર્કેટમાં પણ તેજીનો માહોલ રહ્યો છે. આર્કા ફિનકેપ લિમિટેડ રૂ. ૧૦૦૦ની ફેસવેલ્યૂ સાથે રૂ. ૩૦૦ કરોડના નોન ક્ધવર્ટિબિલ ડિબેન્ચર સાથે સાતમી ડિસેમ્બરે મૂડીબજારમાં આવી રહી છે. એનસીડીની ઓફર વીસમી ડિસેમ્બરે બંધ થશે. ક્રિસિલ રેટીંગે આ એનસીડી માટે ડબલ એ માઇનસ રેટિંગ આપ્યું છે. એનસીડીનું ટ્રેડિંગ ડિમેટ ફોર્મમાં થશે. આઇઆઇએફએલ ફાઇનાન્સની સબ્સિડરી આઇઆઇએફએલ સમસ્ત મૂડીબજારમાં એકંદર રૂ. ૧૦૦૦ કરોડના બોન્ડ સાથે ચોથી ડિસેમ્બરે પ્રવેશી છે. કંપનીએ ૬૦ મહિનાના સમયગાળા માટે ૧૦.૫૦ ટકાનો કૂપન રેટ જાહેર કર્યો છે. ક્રિસિલ રેટીંગે આ એનસીડી માટે ડબલ એ માઇનસ રેટિંગ આપ્યું છે.

ગ્લોબલ હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર યુનિહેલ્થ ક્ધસલ્ટન્સી લિમિટેડે, યુનિહેલ્થ એમએઆઇ મેડિકલ ટ્રાવેલ પ્રોગ્રામ શરૂ કરવા માટે મ્યાનમાર એરવેઝ ઇન્ટરનેશનલ સાથે સહયોગ સાધ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતમાં યુનિહેલ્થની સહયોગી હોસ્પિટલોના વિસ્તૃત નેટવર્કના ઉપયોગથી મ્યાનમારના દર્દીઓને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સર્વિસ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત સારવાર, ડિસ્કાઉન્ટેડ એરફેર અને વિવિધ હેલ્થકેર સર્વિસનો સમાવેશ છેે. ભારતીય મેડિકલ ટુરિઝમ માર્કેટ ૨૦૨૮ સુધીમાં વધીને ૧૨.૬૪ બિલિયન ડોલર થવાનો અંદાજ છે. નેક્સ્ટ જનરેશન માટે ક્રાંતિકારી ટેકનોલોજી ડેવલપ કરનારી ૬૩ મૂન્સ ટેકનોલોજીઝ લિમીટેડએ સાયબર સિક્યોરિટી, લિગલટેક અને વેબ ૩.૦ અને બ્લોકચેઇન ક્ષેત્રે પોતાની વિશિષ્ટ નવીન ટેકનોલોજી પહેલની રજૂઆત કરી છે. આ વિકસતી ટેકનોલોજી ક્ષેત્રોમાં અબજો ડોલર્સની બજાર તકો છેે.

અન્ય કોર્પોરેટ હલચલમાં જમનાલલ બજાજ પુરસ્કારની ૪૫ આવૃત્તિ મુંબઇમાં આઠમી ડિસમ્બરે યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના મુખ્ય ન્યાયાધિશ ધનંજય ચન્દ્રચુડ અને ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ શેખર બજાજ ઉપસ્થિત રહેશે, જેને માટે ૨૮ રાજ્ય, છ ક્રેન્દ્રશાસિત પ્રદેશ અને ૭૦ દેશમાંથી ૭૪૭૭ નોમિનેશન પ્રાપ્ત થયા છે. અરવિંદ મફતલાલ જૂથની ગેટ સેટ લર્ન દ્વારા પ્રોબ્લેમ સોલ્વીંગ સ્કીલ અને વિચારશક્તિની કેળવણી તથા તકો ઓળખી તેનો લાભ લઇ શકાય એ માટે એન્ટરપ્રિન્યોરશિપ માસ્ટરક્લીસીસ સિરિઝ શરૂ કરી છે. નવેમ્બરમાં ધોરણે સાતથી બાર માટે શરૂ થયેલી આ નિ:શુલ્ક શ્રેણી જુલાઇ ૨૦૨૪ સુધી ચાલશે.

દરમિયાન અદાણી ગ્રૂપના શેરોમાં બે ટકાથી છ ટકાની વચ્ચેનો ઉછાળો જોવા મળ્યો હતો અને આ શેરોમાં બીજા સત્રમાં તેજી આગળ વધી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ટોચના નિફ્ટી ગેનર્સમાં સામેલ હતા. યુએસ ફેડરલ રિઝર્વની દર નીતિને પ્રભાવિત કરી શકે તેવા ચાવીરૂપ યુએસ લેબર માર્કેટ ડેટાની જાહેરાત અગાઉ, તાજેતરની રેલી પછી વોલ સ્ટ્રીટ ઇક્વિટી રાતોરાત પીછેહઠ જોવા મળી હતી. એશિયન બજારો સુસ્ત હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button