શૅરબજારમાં સતત ત્રીજા સત્રમાં આગેકૂચ: રોકાણકારોની સંપત્તિમાં ₹ બે લાખ કરોડનો ઉમેરો, ફિટર ગેજમાં વીસ ટકાનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મધ્યપૂર્વમાં ઇરાન અને ઇઝરાયલના યુદ્ધનો ભય ઓસરવા સાથે વિશ્ર્વ બજારોમાં આવેલા સુધારાને અનુસરી સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ જળવાઇ રહ્યો હતો. જોકે, ઊંચા મથાળે વેચવાલીનું દબાણ આવતા બેન્ચમાર્કે ૪૦૦ પોઇન્ટની અફડાતફડીમાંથી પસાર થયા બાદ સવારના સત્રનો મોટાભાગનો સુધારો ગુમાવ્યો હતો. સેન્સેક્સ તેના અગાઉના ૭૩,૬૪૮.૬૨ પોઇન્ટના બંધ સામે ૭૪,૦૪૮.૯૪ પોઇન્ટની સપાટી પર ખૂલ્યો હતો અને તેની ઇન્ટ્રાડે ઊંચી અને નીચી સપાટી અનુક્રમે ૭૪,૦૫૯.૮૯ પોઇન્ટ અને ૭૩,૬૮૮.૩૧ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે ઈન્ડેક્સ ૮૯.૮૩ પોઈન્ટ્સ અથવા ૦.૧૨ ટકાના મામૂલી વધારા સાથે ૭૩,૭૩૮.૪૫ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
ભારતી એરટેલ, આઈટીસી, ઈન્ફોસિસ અને એસબીઆઈ જેવા પસંદગીના હેવીવેઈટ્સના શેરમાં થયેલા વધારાને કારણે બેન્ચમાર્કને આગળ વધવામાં ટેકો મળ્યો હતો, પરંતુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં થયેલા નુકસાનને કારણે આ સુધારો ધોવાઇ ગયો હતો. રિલાયન્સના શેરની કિંમત માર્ચ ક્વાર્ટરના પરિણામની જાહેરાત પછી એક દિવસમાં એક ટકાથી વધુ ઘટી હતી. એનએસઇનો નિફ્ટી-૫૦ બેન્ચમાર્ક તેના અગાઉના ૨૨,૩૩૬.૪૦ પોઇન્ટના બંધ સામે ૨૨,૪૪૭.૦૫ પોઇન્ટની સપાટી પર ખૂલ્યો હતો અને અનુક્રમે ૨૨,૪૪૭.૫૫ પોઇન્ટ અને ૨૨,૩૪૯.૪૫ પોઇન્ટની તેની ઇન્ટ્રાડે ઊંચી અને નીચી સપાટીને અથડાયા બાદ અંતે ૩૧.૬૦ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા વધીને ૨૨,૩૬૮ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.
એકંદરે પશ્ર્ચિમ એશિયામાં તણાવમાં વધારો થવાના કોઈ મોટા સંકેતો ન રહ્યાં હોવાથી, બજારનું ધ્યાન કોર્પોરેટ અર્નિંગ પર કેન્દ્રિત થયું છે, જેમાં અત્યાર સુધી મિશ્રિત સંકેત રહ્યાં છે. વોલેટિલિટી ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે કે સહભાગીઓ નજીકના ગાળાના બજારના ગતિ સકારાત્મક રહેવાનો વિશ્ર્વાસ ધરાવે છે.
ફિયર ગેજ ઈન્ડિયા વીઆઇએક્સના સંકેત દર્શાવે છે કે આગામી ૩૦ દિવસમાં નિફ્ટી ૫૦ ઈન્ડેક્સમાં કેટલોક ફેરફાર થવાની ધારણા છે. આ ઇન્ડેક્સ ૨૦ ટકા ઘટીને ૧૦ના સ્તરની નજીક પહોંચ્યો છે. નીચા ઈન્ડિયા વીઆઇએક્સનું નીચું સ્તર એવો સંકેત આપે છે કે, બજાર સ્થિર અને અનુમાનિત છે.
બજારના સાધનો જણાવે છે કે, ભૌગોલિક રાજકીય તણાવ અને યુએસ ફેડરલ દ્વારા રેટ કટની ધૂંધળી સંભાવનાઓ અંગેની ચિંતાઓ હવે પાછળ રહી ગઈ છે, બજારના સહભાગીઓ ગુણવત્તાયુક્ત શેરો પર દાવ લગાવવા માટે કોર્પોરેટ કમાણીનું નજીકથી અવલોકન કરી રહ્યા છે.
મિડ અને સ્મોલકેપ સૂચકાંકોએ બેન્ચમાર્ક કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ ૦.૫૨ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૫ ટકા ઉછળ્યો હતો. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપિટલાઇઝેશન અગાઉના સત્રમાં લગભગ રૂ. ૩૯૮ લાખ કરોડથી વધીને લગભગ રૂ. ૪૦૦ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું, જેણે રોકાણકારોને એક જ સત્રમાં લગભગ બે લાખ કરોડ રૂપિયાથી વધુ સમૃદ્ધ બનાવ્યા હતા.
બીએસઇ પર ઈન્ટ્રાડે ટ્રેડમાં ભારતી એરટેલ, મારૂતિ, આઈશર મોટર્સ, ડીમાર્ટ, ગ્રાસિમ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ સહિતના ૨૫૦ થી વધુ શેરોએ તેમની બાવન સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. દરમિયાન, યુરોપની બહારના મજબૂત આર્થિક ડેટાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. રૂપિયો ૩ પૈસા વધીને ૮૩.૩૪ પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
અમેરિકન બોન્ડની યિલ્ડ ૧૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હોવાથી એફઆઇઆઇની વેચવાલી ચાલુ રહી છે, જોકે વિદેશી ફંડોએ સોમવારે રૂ. ૨,૯૧૫ કરોડની વેચવાલી કરી હતી તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૨૫૦૦ કરોડની લેવાલી નોંધાવીને નિરિક્ષકોને પણ ચોંકાવી દીધા હતા.
ગયા અઠવાડિયે એફઆઈઆઈએ કેશ સેગમેન્ટમાં રૂ. ૧૧,૮૬૭ કરોડના સ્ટોકનું વેચાણ કર્યું હતું, જે એપ્રિલમાં અત્યાર સુધીમાં કુલ માસિક આઉટફ્લો લગભગ રૂ. ૨૪,૦૦૦ કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે ડીઆઈઆઈએ સપ્તાહ દરમિયાન રૂ. ૧૨,૨૩૩ કરોડના શેરો અને મહિના દરમિયાન રૂ. ૨૪,૫૦૦ કરોડના શેરો ખરીદ્યા હતા. આ દર્શાવે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આઉટફ્લોની ભરપાઈ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ કરવાનું ચાલુ રાખ્યું છે. સુધારો સાર્વત્રિક કક્ષાનો અને દરેક સેકટરમાં જોવા મળ્યો છે, પરંતુ ખાસ કરીને સ્મોલ અને મિડકેપ શેરોમાં ફરી આકર્ષણ જોવા મળ્યું છે.
મધ્યપૂર્વનું ટેન્શન સહેજ હળવું થવાથી શેરબજારમાં સુધારો આગળ વધ્યો છે, જોકે નિષ્ણાતોના મતે પરિસ્થિતી હજુ પ્રવાહી છે. ક્રૂડ ઓઇલના ભાવ હજુ ઊંચા સ્તરે છે. શેરબજારમાં હાલ તુરત તો યુદ્ધની અસર ઓસરતી જોવા મળે છે, પરંતુ રોકાણકારોની નજર સતત મધ્યપૂર્વની આગામી ઘટનાઓ પર મંડાયેલી રહેશે અને તેને પરિણામે વોલેટાલિટી પણ રહેશે. આ સપ્તાહે કોર્પોરેટ ક્ષેત્રના નાણાકીય વર્ષ ૨૦૨૪ના માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળાની કમાણી, યુએસ જીડીપીના વૃદ્ધિ અંદાજો અને મધ્યપૂર્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને બજારો વધુ એકીકૃત થઈ શકે છે.