નિફ્ટી સતત પાંચમા સત્રમાં રેકોર્ડ ઉંચી સપાટીને સ્પર્શી નેગેટીવ ઝોનમાં ગબડ્યો
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં તેજીનો તરખાટ સપ્તાહના અંતિમ સત્રમાં પણ ચાલુ રહ્યો છે. વિશ્વ બજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે ભરપૂર પ્રવાહિતાના જોરે નિફ્ટી સતત નવા વિક્રમ બનાવતો આગળ ધપી રહ્યો છે. તેજીની ઝડપી આગેકૂચ સાથે નિફ્ટી ખુલતા સત્રમાં 22,297 પોઇન્ટની નવી ઊંચી સપાટીએ અને સેન્સેકસ 73,414 પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ભારે અફડાતફડી વચ્ચે આ લખાઈ રહ્યું છે ત્યારે બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સ લગભગ બધો સુધારો ગુમાવી બેઠા હતા. નિફ્ટી તો અત્યારે નેગેટિવ ઝોનમાં સરી ગયો છે.
ખુલતા સત્રમાં ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ શુક્રવારના ટ્રેડ ટ્રેકિંગ વૈશ્વિક શેરબજારોના હકારાત્મક સંકેતો વચ્ચે ફરી ઊંચી સપાટીએ ઊછળ્યા હતા. નિફ્ટી 50 સતત પાંચમા સત્રમાં રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો.
એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ સિવાય લગભગ તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ સુધારા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં વેચવાલી અને ઘટાડો જોવા મળ્યો છે.
ઇક્વિટી રૂટ દ્વારા ભંડોળ એકત્ર કરવાના વિકલ્પો પર વિચારણા અને મૂલ્યાંકન કરવા બોર્ડ 27 ફેબ્રુઆરીએ મળવાનું છે, તેવી જાહેરાતના પ્રતિભાવમાં વોડાફોન આઇડિયાના શેરમાં 4%નો વધારો થયો હતો.
નિષ્ણાતો અનુસાર મધર માર્કેટ યુ.એસ.ની આગેવાની હેઠળ ચાલતી આ વૈશ્વિક તેજીમાં હાલ તો બ્રેક લાગે એવા કોઈ ચિહ્નો દેખાતું નથી. જોકે વિદેશ ફંડોની એકધારી વેચવાલી ખેલ બગડી શકે છે.