
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર ખુલતા સત્રમાં નેગેટિવ ઝોનમાં ગબડ્યા બાદ ફરી સુધારાના પંથે આગળ વધ્યું અને સેન્સેકસ ૫૦૦ પોઇન્ટ નીચે ગબડી, ત્યાંથી લગભગ ૭૫૦ પિંત ઊછળ્યો અને ફરી ઊંચી સપાટી સામે ૧૨૫૦ પોઇન્ટ જેટલો ગબડ્યો છે. એ જ રીતે, નિફ્ટી ૨૨,૦૦૦ સુધી નીચે ગબડી, ૨૨,૨૦૦ની નજીક પહોંચી ફરી ૨૨,૦૦૦ સુધી નીચે ખેંચાયો છે. નિષ્ણાતો માને છે કે ટૂંક સમયગાળા સુધી આ ખેલ ચાલુ રહી શકે છે!
એશિયાના બજારોના મિશ્ર સંકેત વચ્ચે સેન્ટિમેન્ટ ઢીલું પડતા ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેકસમાં ૫૦૦ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. પ્રારંભિક સત્રમાં રિયલ્ટી અને મીડિયા શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું.
સેન્સેક્સ નેગેટિવ અને પોઝિટિવ ઝોનમાં અથડાતો રહ્યો હતો, પરંતુ ઇન્ડેક્સ હેવિવેટ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેકસ ફરી પોઝિટિવ ઝોનમાં આગળ વધી રહ્યો છે. ખુલતા સત્રમાં લાર્સન એન્ડ ટુબ્રો અને એશિયન પેઇન્ટ્સમાં સૌથી વધુ ધોવાણ જોવા મળ્યું હતું. જોકે રિયલ્ટી અને હેલ્થકેર સિવાયના મોટા ભાગના સેક્ટર ગ્રીનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
બજારના નિષ્ણાતો જણાવે છે કે, નજીકના ગાળામાં બજાર રેન્જ-બાઉન્ડ ઝોનમાં રહેવાની શક્યતા છે. FIIsએ આ મહિને, ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં, તેમના વેચાણમાં તીવ્ર ઘટાડો કર્યો છે અને રોકડ બજારમાં રૂ. 872 કરોડનું નેટ બાઈંગ નોંધાવ્યું છે.
યુ.એસ. બોન્ડની ઊંચી યીલ્ડ છતાં નોંધાયેલી આ બાબત સૂચવે છે કે FII બજારને ઝડપથી નીચે ખેંચીને મોટી વેચવાલી કરે તેવી શક્યતા નથી. બજારમાં સંસ્થાકીય રોકાણકારોની આ ટ્રેડિંગ પેટર્નને કારણે બજારમાં સતત પ્રવાહિતા જળવાઈ રહી છે અને બજારને ટેકો મળી રહ્યો છે.
વર્તમાન રેન્જ-બાઉન્ડ કોન્સોલિડેશનનો તબક્કો મજબૂત હકારાત્મક અથવા નકારાત્મક ટ્રિગર્સની ગેરહાજરીમાં થોડો વધુ સમય ચાલુ રહેવાની શક્યતા છે.
બજારની સ્થિતિસ્થાપકતાને RIL, ભારતી અને ઓટો શેરો, ખાસ કરીને ટાટા મોટર્સ, M&M અને બજાજ ઓટો જેવા મજબૂત શેરો દ્વારા ટેકો મળશે જે બજારના આ તબક્કામાં મજબૂત લીડર તરીકે ઉભરી આવ્યા છે.