શેર બજાર

Stock market: નિફ્ટી ૨૬,૧૫૦ની નીચે, સેન્સેક્સ ૧૦૨ પોઈન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
અમેરિકાએ ટેરિફ વધારવા આપેલી ધમકી, ભૂરાજકીય તંગદીલી અને એફઆઇઆઇની સતત વેચવાલીને કારણે શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી. નિફ્ટી ૨૬,૧૫૦ની નીચે સરક્યો હતો, જ્યારે સેન્સેક્સ ૧૦૨ પોઈન્ટ ગબડ્યો હતો. ફાર્મા, આઈટીમાં ચમકારો અને ઓટો શેરમાં વેચવાલીને કારણે પીછેહઠ જોવા મળી હતી.

સત્ર દરમિયાન ૪૪૫ પોઇન્ટ ગબડીને ૮૪,૬૧૭ની નીચી સપાટીને અથડાયા બાદ, બંધ સમયે, સેન્સેક્સ ૧૦૨.૨૦ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા ઘટીને ૮૪,૯૬૧.૧૪ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો, અને નિફ્ટી ૩૭.૯૫ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા ઘટીને ૨૬,૧૪૦.૭૫ પર બંધ થયો હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૧૯૩૯ શેર વધ્યા, ૧૮૮૬ શેર ઘટ્યા અને ૧૪૦ શેર યથાવત રહ્યા હતા.

સેન્સેક્સના શેરોમાં મારુતિ, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ પેસેન્જર, એચડીએફસી બેન્ક, એશિયન પેઇન્ટ અને ટાટા સ્ટીલમાં મોટું ધોવાણ થયું હતું. જ્યારે ટાઇટન, એચસીએેલ ટેક, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને ટીસીએસ ટોપ ગેઇનર્સમાં સામેલ હતા. નિફ્ટીમાં ટાઇટન કંપની, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, વિપ્રો, જિયો ફાઇનાન્શિયલ મુખ્ય વધ્યા હતા, જ્યારે સિપ્લા, મારુતિ સુઝુકી, મેક્સ હેલ્થકેર, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, પાવર ગ્રીડ ઘટ્યા હતા.

બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉમેરો થયો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૧૨ ટકાનો વધારો થયો હતો. ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી, ફાર્મા ૦.૫ ટકાથી ૧.૮ ટકા વધ્યા, જ્યારે ઓટો, ઓઇલ અને ગેસ, રિયલ્ટી, ટેલિકોમ દરેકમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો. ચાંદીના ભાવમાં તીવ્ર તેજી પછી ઘટાડો થવા સાથે હિન્દુસ્તાન ઝિંકના શેરમાં બુધવારના સત્રમાં લગભગ બે ટકાનો કડાકો જોવા મળ્યો હતો.

ચાંદીના ઇટીએફમાં પણ ઘટાડો થયો હતોે. કંપની ભારતમાં ચાંદીની સૌથી મોટો ઉત્પાદક છે અને લઘુત્તમ ૯૯.૯ ટકા શુદ્ધતા સાથે શુદ્ધ ચાંદીનું ઉત્પાદન કરે છે. ટાઇટનના શેરમાં ત્રીજા ક્વાર્ટરના અપડેટ બાદ પાંચ ટકા જેવો ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ૪૦ ટકાનો વાર્ષિક વિકાસ દર જાહેર કર્યો છે.

ટાઇટન કંપનીના શેર ચાર ટકા ઉછળીને બાવન સપ્તાહના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા, મોર્ગન સ્ટેનલી દ્વારા ઇક્વલ વેઇટેજ પર ડાઉનગ્રેડ થયા પછી ઇન્ડિયન હોટેલ્સ કંપનીના શેરમાં એક ટકાનો કડાકો જોવા મળ્યો હતો. બ્લોક ડીલમાં ૧૩.૨૬ લાખ શેર ટ્રેડ થયા પછી બ્લિસ જીવીએસ ફાર્માના શેર ત્રણ ટકા વધ્યા, એક મહિનાના લોક-ઇન સમયગાળા પછી મીશોના શેરમાં પાંચ ટકાનો કડાકો જોવા મળ્યો હતો.

ટોરેન્ટ ફાર્મા, ટાઇટન કંપની, જેબી કેમિકલ્સ, એનએમડીસી, એમસીએક્સ ઇન્ડિયા, ભેલ, નાલ્કો, પોલિકેબ, એમક્યોર ફાર્મા, લોરસ લેબ, કેઇઆઇ ઇન્ડસ્ટ્રીઝ, આઇશર મોટર્સ, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા, વેદાંતા, ફિનિક્સ મિલ્સ, નેસ્લે, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, જિન્દાલ સ્ટેન્લેસ સ્ટીલ સહિત લગભગ ૧૪૦ શેર તેમના બાવન સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.

બીજી બાજુ, વેદાંત ફેશન્સ, પ્રીમિયર એનર્જી, મહાનગર ગેસ, વ્હર્લપૂલ, અઠક એગ્રી, ડિક્સન ટેક્નોલોજીસ, કોહાન્સ લાઇફ, એફકોન્સ ઇન્ફ્રા, કેન્સ ટેક સહિત ૧૦૦થી વધુ શેર તેમના બાવન અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા હતા.

સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ ૩.૯૪ ટકા, ટેક મહિન્દ્ર ૧.૯૯ ટકા, ટેક મહિન્દ્ર ૧.૮૦ ટકા, ઈન્ફોસિસ ૧.૭૨ ટકા, સન ફાર્મા ૧.૨૭ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી ૧.૨૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૭ ટકા, ઈટર્નલ ૦.૭૯ ટકા, લાર્સન ૦.૬૪ ટકા, બીઈએલ ૦.૬૩ ટકા, ટ્રેન્ટ ૦.૩૦ ટકા અને એક્સિસ બેન્ક ૦.૦૩ ટકા વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે મારુતિ ૨.૭૮ ટકા, પાવર ગ્રીડ ૧.૬૬ ટકા, ટાટા મોટર ૧.૫૦ ટકા, એચડીએફસી બેન્ક ૧.૩૮ ટકા, એશિયન પેઈન્ટ ૧.૩૪ ટકા, ટાટા સ્ટીલ ૧.૩૨ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૧૯ ટકા, સ્ટેટ બેન્ક ૧.૧૪ ટકા, ભારતી એરટેલ ૧.૦૪ ટકા અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૯૭ ટકા ઘટ્યા હતા.

નિફ્ટીમાં ટાઇટન કંપની, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, વિપ્રો, જિયો ફાઇનાન્શિયલ મુખ્ય વધ્યા હતા, જ્યારે સિપ્લા, મારુતિ સુઝુકી, મેક્સ હેલ્થકેર, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, પાવર ગ્રીડ ઘટ્યા હતા. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૦.૫૦ ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૧૨ ટકા વધ્યો હતો. ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી, ફાર્મા ૦.૫ ટકાથી ૧.૮ ટકા વધ્યા હતા, જ્યારે ઓટો, ઓઇલ અને ગેસ, રિયલ્ટી, ટેલિકોમ દરેક ૦.૫૦ ટકા ઘટ્યા હતા.

એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રૂ. ૧૦૭.૬૩ કરોડના ઇક્વિટી વેચ્યા. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧,૭૪૯.૩૫ કરોડના શેર ખરીદ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટરની કોર્પોરેટ કમાણીના અને યુએસ જોબ ડેટાની જાહેરાત પહેલાં રિસ્ક ઓફ અંડરટોન સાથે સ્થાનિક બજારમાં સાવચેતીનું માનસ રહ્યું છે.

એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ અને શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ ઊંચો સ્થિર થયો, જ્યારે જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ નીચા સ્તરે બંધ થયો. યુરોપના બજારો મોટાભાગે નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા. મંગળવારે યુએસ બજારો ઊંચા સ્તરે બંધ થયા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ ૦.૮૧ ટકા ઘટીને ૬૦.૨૧ ડોલર પર બંધ થયો હતો. મંગળવારે, સેન્સેક્સ ૩૭૬.૨૮ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા ઘટીને ૮૫,૦૬૩.૩૪ પર બંધ થયો. નિફ્ટી ૭૧.૬૦ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકા ઘટીને ૨૬,૧૭૮.૭૦ પર બંધ થયો.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button