બેન્ક શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતા બેન્ચમાર્કમાં ૫૦૧ પોઇન્ટનો ઘટાડો...
ટોપ ન્યૂઝશેર બજાર

બેન્ક શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતા બેન્ચમાર્કમાં ૫૦૧ પોઇન્ટનો ઘટાડો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ
: એક્સિસ બેન્કના નબળા પરિણામને કારણે બેન્ક શેરોમાં વધેલી વેચવાલીના દબાણ, વિદેશી ફંડોની સતત વધતી વેચવાલી અને વિશ્વબજારના મિશ્ર હવામાન વચ્ચે શેરબજારમાં નરમાઇનો માહોલ રહ્યો હતો. સેન્સેક્સ ૫૦૧.૫૧ પોઇન્ટ અથવા તો ૦૩.૬૧ ટકાના ઘટાડા સાથે ૮૧,૭૫૭.૭૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન તે ૬૫૧.૧૧ પોઇન્ટના ઘટાડા સાથે ૮૧,૬૦૮.૧૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. એનએસઇનો નિફ્ટી ૧૪૩.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૫૭ ટકાના ઘટાડા સાથે ૨૪,૯૬૮.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર રહ્યો હતો.

સેન્સેક્સના શેરોમાં ૫.૨૪ ટકાના કડાકા સાથે એક્સિસ બેન્ક ટોપ લુઝર બન્યો હતો. તેની પાછળ એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને સ્ટેટ બેન્કના શેરમાં પણ પીછેહઠ જોવા મળી હતી. આને પરિણામે બેન્કેક્સ ઇન્ડેક્સ ૧.૩૩ ટકાના કડાકા સાથે ૬૨,૭૪૧.૬૫ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના સૌથી વધુઘટનારા અન્ય શેરોની યાદીમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ટાઇટન અને ઇટર્નનલનો સમાવેશ હતો. જોકે, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચસીએલ ટેક અને ઇન્ફોસિસે સૌથી વધનારા શેરોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.

પ્રાઇમરી માર્કેટમાં ફરી હલચલ શરૂ થઇ છે. જીએનજી ઇલેક્ટ્રોનિક્સનો રૂ. ૪૦૦ કરોડનો બુકબિલ્ડિંગ આઇપીઓ ૨૩ જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૫ જુલાઈએ બંધ થશે. શેરની ફાળવણી ૨૮ જુલાઈએ અને એનએસઇ, બીએસઇ પર લિસ્ટિંગ ૩૦ જુલાઈએ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૨૫થી રૂ. ૨૩૭ પ્રતિ શેર છે અને અરજી માટે લોટ સાઈઝ ૬૩ શેર છે. ઇન્ડિક્યુબ સ્પેસિસનો રૂ. ૭૦૦.૦૦ કરોડનો બુકબિલ્ડિંગ આઇપીઓ ૨૩ જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૫ જુલાઈના રોજ બંધ થશે. શેરની ફાળવણી ૨૮ જુલાઈના રોજ અને શરેનું બીએસઈ, એનએસઈ પર લિસ્ટિંગ ૩૦ જુલાઈના રોજ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૨૫થી રૂ. ૨૩૭ પ્રતિ શેર છે અને અરજી માટે લોટ સાઈઝ ૬૩ શેર છે.

બજારના વિશ્ર્લેષકોના મતે એક્સિસ બેન્કના પરિણામ અપેક્ષાથી ઊણાં આવ્યા હોવાને કારણે સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને બેન્ક શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધ્યું હતું. આઇટી શેરોમાં પહેલેથી નરમાઇ હતી. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ ભારત માટે નુકસાનકારક રહેવાની આશંકા સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ફરી શરૂ થયેલી વેચવાલી અને કોર્પોરેટ સેકટરના અત્યાર સુધીના ત્રિમાસિક નાણાકીય પરિણામો એકંદરે નબળા રહ્યાં થવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button