શેર બજાર

ઇન્ફલેશન ડેટાની જાહેરાત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે શૅરબજાર નેગેટિવ ઝોનમાં લપસ્યું

મુંબઇ: મુહૂર્તના સોદા વખતે જોવા મળેલો તેજીનો ઉન્માદ સપ્તાહના પહેલા સત્રમાં શેરબજાર જાણે ગુમાવી બેઠું હતું. ઇન્ફલેશન ડેટાની જાહેરાત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે આઇટી, ક્ધઝ્યુમર ડ્યરેબલ અને ફાઇનાન્શિયલ શેરોની વેચવાલીના દબાણને કારણે બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં લપસી પડ્યો હતો. આ ઉપરાંત વિદેશી ફંડોના એકધારા વેચાણ અને ડોલર સામે ફોરેક્સ માર્કેટમાં રૂપિયાની નબળાઇને લીધે પમ બજારનું માનસ ખોરવાયું હતું. મુહૂર્તના સોદાનો તમામ લાભ ગુમવતા સેન્સેક્સ ૩૨૫.૫૮ પોઇન્ટ અથવા તો ૦.૫૦ ટકા ગબડૂને ૬૪,૯૩૩.૮૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન આ બેન્ચમાર્ક ૪૦૬.૦૯ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકા ગબડીને ૬૪,૮૫૩.૩૬ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. નિફ્ટી ૮૨ પોઇન્ટ અથવા તો ૦.૪૨ ટકાના ઘટાડા સાથે ૧૯,૪૪૩.૫૫ પોઇન્ટની સપાટીએ પહોૌંચ્યો હતો. સત્ર દરમિયાન રોકાણકારો ઓક્ટોબરના સ્થાનિક રિટેલ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા હોવાથી સાવચેતીનું માનસ રહ્યું હતું. મુહૂર્તના કામકાજમાં બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાથી ઊંચા મથાળે વેચવાલી પણ અપેક્ષિત હતી. એનર્જી અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરોમાં ઉછાળાને કારણે રવિવારે ખાસ એક કલાકના મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં ૦.૫ ટકાથી વધુનો ઉમેરો થયો હતો.
રવિવારે સંવત ૨૦૮૦ના મુહૂર્તના સોદામાં રોકાણકારોની જોરદાર લાવલાવ વચ્ચે શેરબજારના માનસમાં પણ જાણે દિવાળીનો માહોલ છવાયો હતો. સેન્સેક્સ ૩૫૪.૭૭ પોઇન્ટ અથવા તો ૦.૫૫ ટકાના ઉછાળા સાથે ૬૫,૨૫૯.૪૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૦૦.૨૦ પોઇન્ટ અથવા તો ૦.૫૨ ટકાના ઉછાળા સાથે ૧૯,૫૨૫.૫૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે. બજારના નિષ્ણાતો સંવત ૨૦૮૦માં તેજી માટે આશાવાદી છે અને માને છે કે દેશના મજબૂત અર્થતંત્રને જોતાં તેજી જળવાઇ રહેશે. રવિવારના વિશેષ સત્રમાં આઇટી અને ફાઇનાન્શિયલ્સ ઇન્ડેક્સ અનુક્રમે ૦.૪૪ ટકા અને ૦.૭૨ ટકા વધ્યા હતા. સોમવારના સત્રમાં સવાર આ બંનેે હાઇ વેઇટેજ ઇન્ડેક્સમાં પ્રત્યેક ૦.૫ ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. બજારના વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે ભારતીય ઇક્વિટીમાં ઘટાડો એ અગાઉના સત્રના ઉછાળા પછીનું ટેકનિકલ પુલબેક છે.
બજારના સાધવનો અનુસાર ભારતીય બજારો માટે વેગ યથાવત છે. કોર્પોરેટ ક્ષએત્રની કમાણી અપેક્ષિત સ્તરે રહી છે, મેક્રો ઇકોનોમિક ડેટા આશાસ્પદ લાગે છે અને નાના રોકાણકારોની ભાગીદારી સતત વધી રહી છે. એ નોંધવું રહ્યું કે નિફ્ટી બેન્ચમાર્ક ઓક્ટોબરમાં લગભગ ૬ણેક ટકા ગબડ્યો હતો, જેમાં નવેમ્બરમાં અત્યાર સુધીમાં બે ટકા ઉમેરતા પહેલા ૨૦૨૩માં તેનો સૌથી ખરાબ મહિનો હતો. ઑક્ટોબર માટે ભારતના રીટેલ ફુગાવાના આંકડા બજારના કામકાજના કલાકો પછી જાહેર થવાના હોવાથી રોકાણકારો તેની જાહેરાતની પ્રતિક્ષામાં હતા અને મોટા લેણ ટાળી રહ્યાં હતાં. માર્કેટ એનાલિસ્ટ માને છે કે યુએસ ટ્રેઝરી યીલ્ડના ઊંચા સ્તર અને ઇઝરાયલ – ગાઝાના સંઘર્ષ જેવા વૈશ્ર્વિક પરિબળોને કારણે પાછલા કેટલાંક અઠવાડિયામાં કોન્સોલિડેશન પછી વર્તમાન મૂલ્યાંકન પર ખરીદીની ઘણી તકો છે. વૈશ્ર્વિક બજારોની અનિશ્ર્ચિતતા પાછળ ભારતીય બજારો કોન્સોલિડેટ થઇ રહ્યા છે. વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયાની નબળાઇને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ સાવચેત અભિગમ અપનાવી રહ્યાં છે. જોકે, કોર્પોરેટ ક્ષેત્રની મજબૂત કામગારી, આર્થિક મજબૂતી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના લેવાલીના પ્રવાહને કારણે સ્થાનિક શેરબજારને ટેકો મળી રહ્યો છે. સેન્સેક્સના શેરોમાં બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેન્ક, નેસ્લે, ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ, એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ લુઝર્સ શેર રહ્યાં હતાં. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, પાવર ગ્રીડ અને ઇન્ડસઇન્ડ ટોપ ગેઇનર શેર બન્યા હતા. બ્રોડર ઇનડેક્સમાં મિડકેપ ઇન્ડેક્સ ૦.૧૦ ટકા વધ્યો હતો જ્યારે, સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા લપસ્યો હતો. સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૯૦ ટકા, જેએસડ્બ્લયુ સ્ટીલ ૦.૫૬ ટકા, એનટીપીસી ૦.૪૩ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૨૧ ટકા અને પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૦.૧૯ ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૧.૩૨ ટકા, ઈન્ફોસિસ ૧.૦૦ ટકા, ટેક મહિન્દ્રા ૦.૯૬ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૦ ટકા અને નેસ્ટલે ઈન્ડિયા ૦.૭૯ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૭ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓને ઉપલી અને ૬ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker