
નિલેશ વાઘેલા
મુંબઈ: સ્થાનિક સકારાત્મક આર્થિક ડેટા, સારા કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇની વેચવાલી અટકવાના આશાવાદ ઉપરાંત શોર્ટ કવરિંગને કારણે વચ્ચે સાર્વત્રિક લેવાલીનો માહોલ જામ્યો છે. એફઆઇઆઇની શરૂ થયેલી ધીમી લેવાલી, યુએસ બોન્ડ યીલ્ડના ઘટાડા અને રૂપિયાની મજબૂતીથી નિફ્ટી બાવન અઠવાડિયાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ઉત્સવના આશાવાદ અને ઘટતા જતા આઇપીઓ દબાણે પણ તેજીમાં ફાળો આપ્યો અને તેમાં શોર્ટ કવરિંગે ઉછાળાની ગતિને વધુ મજબૂત બનાવી છે.
નિફ્ટી ઇન્ડેક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ તો પહોંચ્યો છે, છતાં તે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ નોંધાયેલા ૨૬,૨૭૭ પોઇન્ટના તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી લગભગ ૫૭૦ પોઈન્ટ અથવા બે ટકા નીચે રહે છે. નિફ્ટી બેંક ૫૭,૮૨૮.૩૦ના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તર પર પહોંચ્યો છે. સપ્તાહ દરમિયાન, સેન્સેક્સ ૧૪૫૧.૩૭ પોઈન્ટ અથવા ૧.૭૫ ટકા વધીને ૮૩,૯૫૨.૧૯ પોઇન્ટ પર અને નિફ્ટી ૪૨૪.૫ પોઈન્ટ અથવા ૧.૬૭ ટકા વધીને ૨૫,૭૦૯.૮૫ પોઇન્ટ પર બંધ થયો હતો.
૧૭ ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સતત ત્રીજા સપ્તાહમાં ભારતીય બજારમાં તેજીનો સિલસિલો ચાલુ રહ્યો, જેમાં એફઆઇઆઇની ખરીદદારીમાં વધારો, ડીઆઇઆઇનો સતત ટેકો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, ફેડ દ્વારા દર ઘટાડાની આશા વચ્ચે ચાર મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક વધારો નોંધાયો. જોકે, યુએસ સરકારના શટડાઉનની ચિંતા, યુએસ-ચીન વેપાર તણાવ અને બેંકિંગ ક્ષેત્રના નવા ગભરાટ વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનું માનસ છે.
આપણે દિવાળીથી ગણતરી કરીએ તો સરવાળે સેન્સેક્સ અને નિફ્ટીમાં હોળી, મિડ અને સ્મોલ કેપમાં હૈયાહોળી પછી શેરબજારમાં દિવાળીનો માહોલ રયાયો છે એમ કહી શકાય. ગઈ દિવાળીથી આ દિવાળી સુધી તેજીવાળા શેરબજારો માટે મુશ્કેલ સમય રહ્યો છે. ફ્રન્ટ લાઇન શેરઆંક નિફ્ટી અને સેન્સેક્સમાં ૫.૫૦ ટકા અને બેંક નિફ્ટીમાં ૧૧ ટકા સુધારા સામે મિડકેપમાં ૦.૫૦ ટકા સુધારો છો છે, જ્યારેે સ્મોલકેપ ઇન્ડેક્સ તો ચાર ટકા ગબડ્યો છે.
આમાના અમુક શેરો ઊંચા સ્તરથી ૨૦થી ૨૫ ટકાથી વધુ ઘટ્યા હતા. જો આપણે કામગીરી નોંધાવનાર એસેટ ક્લાસ પર નજર કરીએ, તો પાછલી ધનતેરસથી અત્યાર સુધીમાં સોનામાં ખરેખર ધમાલ મચી છે, ત્યારબાદ ચાંદીનો ક્રમ આવે છે. ક્ષેત્રીય ધોરણે, બેંકો, એફએમસીજી ઓટો અને મેટલ ૧૦ ટકાથી વધુ ઉછાળા સાથે ટોચના ગેઇનર્સ રહ્યા હતા, જ્યારે મીડિયા, એનર્જી અને આઇટી ૧૦ ટકાથી વધુ ઘટાડા સાથે ટોચના લૂઝર્સ રહ્યા હતા.
પાછલું એક વર્ષ ભારતીય બજારો માટે ખૂબ જ અસામાન્ય રહ્યું છે. ૨૦૨૦ પછીના સૌથી લાંબા સમયથી, આપણે વૈશ્ર્વિક સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બજારોમાં સામેલ છીએ, પરંતુ તાજેતરમાં તેમાં ફેરફાર થયો હોય તેવું લાગે છે અને જો આપણે અમેરિકા, ચીન, જાપાન, કોરિયા, તાઇવાન અથવા તો યુરોપ જેવા કેટલાક બજારો સાથે સરખામણી કરીએ તો, ભારતીય બજારોએ ગતિ જાળવી નથી.
આ સમયગાળાને અસામાન્ય બનાવતી બાબત એ છે કે ફુગાવો ૧.૫૪ ટકાની આઠ વર્ષ નીચી સપાટીએ, જીડીપી વૃદ્ધિ ૭.૮ ટકા, રાજકોષીય ખાધ ૪.૪ ટકા જેવા મજબૂત મેક્રો હોવા છતાં ઇક્વિટી બજારની કામાગીરી નબળી રહી છે. સરકારના તાજેતરના જીએસટી સુધારા, આવકવેરામાં ૧૨ લાખ રૂપિયાની રાહત, વ્યાજ દરમાં ઘટાડો અને ૨૦૨૬માં સીઆરઆરમાં ૧૦૦ બેસિસ પોઇન્યનો ઘટાડો એ યોગ્ય સમયે બૂસ્ટર શોટ છે અને પરિણામે આપણે આગામી ક્વાર્ટરમાં કમાણીમાં સુધારો જોવા મળી રહ્યો છે. વધુમાં, ઉત્પાદન અને ઇન્ફ્રા ક્ષેત્રમાં થઈ રહેલા માળખાકીય સુધારાઓ સાથે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આર્થિક ચક્ર વધુ મજબૂત દેખાય છે.
આગામી સમયમાં શેરબજારમાં સુધારો આગળ વધી શકે એવી આશા છે અને આ માટે કારણો આ પ્રમાણે છે. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં તીવ્ર ઘટાડો રિસ્કઓન મૂડને વેગ આપી રહ્યો છે. બે વર્ષની યીલ્ડ ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગઈ, જ્યારે ૧૦ વર્ષની યીલ્ડ ૩.૯૫ ટકા પર છ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. નીચી યીલ્ડ ભારત જેવા ઉભરતા બજારોને વૈશ્ર્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક બનાવે છે, પોર્ટફોલિયો પ્રવાહ અને પ્રવાહિતાને વેગ આપે છે.
ભારત અને અમેરિકાની વેપાર વાટાઘાટોમાં પ્રગતિની આશાથી સેન્ટિમેન્ટને વધુ ટેકો મળ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવાનું વચન આપ્યું છે. ભારતીય અધિકારીઓએ ગુરુવારે ઉમેર્યું હતું કે બંને દેશો વચ્ચે ઊર્જા સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા ચાલુ છે.
મેગા આઇપીઓનું દબાણ ઘટવાને કારણે પણ પ્રવાહિતામાં વધારો થયો છે.
ટાટા કેપિટલ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા જેવા હાઇપ્રોફાઇલ આઇપીઓના બે અઠવાડિયાના દબાણ પછી પ્રાથમિક બજાર પાઇપલાઇન શાંત થઈ ગઈ છે. આ અઠવાડિયે અને આગામી સપ્તાહમાં મેગા ઇશ્યૂના અભાવે પ્રવાહિતા દબાણ ઓછું થયું હોવાથી રોકાણકારોના ભંડોળ મુક્ત થયા છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા, વૈશ્ર્વિક પુરવઠા વિક્ષેપો અંગે ચિંતાઓ હળવી કરવા માટે હંગેરીમાં મળવાની યોજના બનાવી રહ્યા હોવાના સમાચાર બાદ શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો લંબાયો હતો. ભારત ક્રૂડ ઓઇલનો મોટો આયાતકાર હોવાથી તેના ભાવમાં ઘટાડો સ્પષ્ટ હકારાત્મક છે, જે વેપાર ખાધને ઘટાડવા, ફુગાવાના દબાણને ઘટાડવા અને કોર્પોરેટ માર્જિનને સુધારવામાં મદદ કરે છે.
પાછલા કેટલાક સત્રથી ડોલર સામે રૂપિયાની મજબૂતીને કારણે પણ એકંદર સેન્ટિમેન્ટને ટેકો મળ્યો છે. શુક્રવારે સરકારી બેંકો દ્વારા ભારતીય રિઝર્વ બેંકના પ્રી-માર્કેટ ડોલર સેલથી નબળા વૈશ્ર્વિક સંકેતોને અવગણીને રૂપિયાને મજબૂત બનાવવામાં મદદ મળી અને ડોલર સામે રૂપિયો ૮૭.૭૫ પર પહોંચ્યો હતો, જે ગુરુવારના ૮૭.૮૨ના બંધથી વધુ હતો અને બે સત્રોમાં એક ટકાથી વધુ ઊંચી સપાટીએ છે.
આ અઠવાડિયે આરબીઆઇના હસ્તક્ષેપોએ ડોલરમાં સટ્ટાકીય લોંગ પોઝિશનને દબાવી દીધી છે અને અમેરિકન સરકારના શટડાઉનની ચિંતાઓ અને ફેડરલ રેટના વધુ ઘટાડાની અપેક્ષાઓ વચ્ચે ડોલર ઇન્ડેક્સ ત્રણ મહિનામાં તેના સૌથી મોટા સાતાહિક ઘટાડાની તૈયારીમાં છે.
ફ્રન્ટલાઇન શેરોમાં તીવ્ર ઉછાળો તમામ ક્ષેત્રોમાં શોર્ટ કવરિંગની લહેર ઉભો કરી રહ્યો છે, જે ઉછાળાની ગતિને વધારે છે. હમણાં પણ, સિસ્ટમમાં નોંધપાત્ર શોર્ટ પોઝિશન છે, અને બજારની મજબૂતાઈ મંદીવાળાને અટકાવી રાખી શકે છે, જેનાથી વધુ શોર્ટ કવરિંગની સુવિધા મળી શકે છ. બજાર સ્થિતિસ્થાપક અને ટેકનિકલ ધોરણે મજબૂત છે. તહેવારોના સપ્તાહ પહેલા મંદીના સોદા સરખા કરવા માટે ઉતાવળ કરી રહ્યા હોવાથી નજીકના ભવિષ્યમાં મંદીભરી સ્થિતિઓ દૂર થવાથી તેજી જળવાઈ રહેવાની શક્યતા છે.