મુંબઈ : ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું હતું. શુક્રવારે સેન્સેક્સ (Sensex)1098.02 પોઈન્ટના વધારા સાથે 79,984.24 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી પણ 269.85 પોઈન્ટના ઉછાળા સાથે 24,386.85 પોઈન્ટ પર ખુલ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં 4 લાખ કરોડનો વધારો થયો
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 450.20 લાખ કરોડ થયું છે. જે ગુરુવારે રૂ. 445.77 લાખ કરોડ હતું. આ રીતે ઓપનિંગ સાથે રોકાણકારોની સંપત્તિમાં 4.43 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
સેન્સેક્સમાં ઉછાળો
BSE સેન્સેક્સના તમામ 30 શેરોમાં વૃદ્ધિ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોચના 5 શેરોમાંથી પ્રથમ ત્રણ શેર આઇટી ઇન્ડેક્સના છે અને ટેક મહિન્દ્રા ટોપ ગેનર તરીકે 2.12 ટકા ઉપર છે. ઇન્ફોસિસ અને HCL ટેક તેની પાછળ છે અને લગભગ 2 ટકા ઉપર છે.
ગુરુવારે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુરુવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે આરબીઆઈ એમપીસીની બેઠકના પરિણામો પછી, બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો જે અંત સુધી ચાલુ રહ્યો. ગુરુવારે BSE સેન્સેક્સ 581.79 પોઈન્ટના ઘટાડા સાથે 78,886.22 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 180.50 પોઈન્ટના ઘટાડા સાથે 24,117.00 પોઈન્ટ પર બંધ થયો હતો.