શેર બજાર

શૅરબજારમાં કડાકાનો દોર જારી: સેન્સેકસ ૭૦,૭૦૦ની નીચે જઇ પાછો ફર્યો, એચડીએફસી બેન્ક વધુ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં કડાકાનો જોર જડારી રહ્યો હતો અને ખૂલતા સત્રમાં જ સેન્સેક્સમાં લગભગ ૮૦૦ પોઇન્ટ અને નિફ્ટીમાં ૨૫૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. એચડીએફસી બેન્કમાં સતત વેચવાલી અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને યુટિલિટી શેર્સમાં પ્રોફિટ બુકિંગને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગુરૂવારે ત્રીજા દિવસે પણ નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા.

બીએસઈનો ૩૦ શેરવાળા મુખ્ય બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૧૩.૯૦ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા ઘટીને ૭૧,૧૮૬.૮૬ પોઇન્ટ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ ૮૩૫.૨૬ પોઈન્ટ અથવા ૧.૧૬ ટકાના ઘટાડા સાથે ૭૦,૬૬૫.૫૦ સુધી નીચી સપાટીએ પટકાયો હતો. એ જ રીતે, એનએસઇનો પચાસ શેર ધરાવતો બેન્ચમાર્ક નિફ્ટી ૧૦૯.૭૦ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકા ઘટીને ૨૧,૪૬૨.૨૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન નિફ્ટી ૨૮૬.૪ પોઈન્ટ અથવા ૧.૩૨ ટકા ઘટીને ૨૧,૨૮૫.૫૫ પર પહોંચ્યો હતો. તાજેતરની રેકોર્ડબ્રેક તેજી પાછળ બુધવારથી બજારમાં જોરદાર કડાકો નોંધાયો છે. નોંધવું રહ્યું કે, બીએસઇ બેન્ચમાર્ક મંગળવારે ૭૩,૪૨૭.૫૯ પોઇન્ટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને નિફ્ટી પણ તે જ દિવસે ૨૨,૧૨૪.૧૫ પોઇન્ટની જીવનકાળની ટોચની સપાટીએ પહોંચ્યો હતો.

સેન્સેક્સની કંપનીઓમાં એચડીએફસી બેન્ક, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેન્ક, નેસ્લે અને મારુતિ ટોપ લુઝર્સ બન્યા હતા. સન ફાર્મા,ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્ક અને લાર્સન ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં.

કંપનીની ડિસેમ્બર ક્વાર્ટરની કમાણી રોકાણકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયા બાદ એચડીએફસી બેન્ક ત્રણ ટકાથી વધુ ઘટાડા સાથે તેના પાછલા દિવસોના જંગી ઘટાડામાં ઉમેરો કર્યો હતો. જેહ એરોસ્પેસે જનરલ કેટલિસ્ટ અને અન્યો પાસેથી ૨.૭૫ મિલિયન ડોલર ઉઘરાવ્યા છે. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલે સાધારણ વધારા સાથે રૂ. ૨૨૭ કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યા બાદ તેનો શેર ૧૦ ટકા સુધીના કડાકા સાથે રૂ. ૪૬૩.૪૫ની સપાટીએ પહોચ્યો હતો. સરકાર જુના વાહનોને ઇલેક્ટ્રિક વ્હીકલમાં પરિવર્તીત કરવા માટે પ્રોત્સાહન આપવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે.

સન ફાર્મા, ઇઝરાયલ સ્થિત તારો ફાર્માસ્યુટિકલ્સનો બાકી રહેલો ૨૧.૫૨ ટકા હિસ્સો રૂ. ૨૮૯૨ કરોડમાં હસ્તગત કરી રહી છે. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સેકટરની અગ્રણી સંસથા ઇમાની ફ્લેગશિપ ઇવેન્ટ બિડ ૨૦૨૪ ખાતે એક અબજ ડોલરની બિઝનેસ ઇન્કવાયરી નોંધાઇ છે. તેમાં સોલર મટિરિયલ, બેટરી ટેકનોલોજી અને ગ્રેવીટી સ્ટોરેજ સેગમેન્ટમાં ત્રણ ઇનોવેટીવ સ્ટાર્ટઅપને એવોર્ડ અપાયા હતાં. પોલીકેબના નફામાં વધારો થયો છે.

સેન્સેક્સમાં સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૮૬ ટકા, ટેક મહિન્દ્રા ૨.૧૬ ટકા, ટાટા મોટર્સ ૧.૭૨ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૮ ટકા અને એક્સિસ બેન્ક ૧.૦૩ ટકા વધ્યા હતા, જ્યારે એચડીએફસી બેન્ક ૩.૨૬ ટકા, એનટીપીસી ૩.૨૩ ટકા, ટાઈટન કંપની ૨.૪૫ ટકા, એશિયન પેઈન્ટ્સ ૨.૪૩ ટકા અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૩૬ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૯ કંપનીઓમાંથી સાત કંપનીઓને ઉપલી અને ૨ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

બજારનું વલણ હવે શેરલક્ષી જ રહેશે. બજાર નીચી સપાટીથી સારું એવું રિકવર પણ થયું હતું. જોકે, વૈશ્ર્વિક બજારમાં પણ નબળાઇ હોવાને કારણે અંતે રેડ ઝોનમાં સ્થિર થયું હતું. મજબૂત યુએસ રિટેલ સેલ્સ ડેટાને પરિણામે ફેડરલ વ્યાજદરમાં ઘટાડો વધુ ટાળશે એવી અટકળો વચ્ચે બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાને કારણે રોકાણકારો મોટા લેણ ઝડપથી કાપી રહ્યાં છે. તદુપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં વૃદ્ધિ અને દરમાં વધારો થવાના જોખમોને કારણે વૈશ્ર્વિક શિપિંગ ઇન્ડસ્ટ્રી અને ક્રૂડ ઉત્પાદનમાં વિક્ષેપ ઊભો થયો છે. સેક્ટર રોટેશનના ઉદ્દેશ્ય સાથે એલિવેટેડ વેલ્યુએશન અને પ્રોફિટ બુકિંગને કારણે વ્યાપક બજારે વેચાણનું દબાણ ચાલુ રાખ્યું હતું. મિડ અને સ્મોલકેપ શેરોમાં એક વખત સળવળાટ જોવા મળ્યો હતો અને આ બંને કેટેગરીના ઇન્ડેક્સની કામગારી બેન્ચમાર્ક કરતાં વધુ સારી રહી હતી. બીેસઇ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૦૮ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૦૨ ટકાનો વધારો નોંધાયો હતો.

બજારના સાધનો અનુસાર યુએસ ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરની ટિપ્પણીઓએ માર્ચ રેટ કટની અપેક્ષાઓ પર પાણી ફેરવી દેવા સાથે અમેરિકાની ૧૦-વર્ષની ટ્રેઝરી યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં આવેલા ઉછાળાને કારણે સમગ્ર વિશ્ર્વમાં સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.

ઇન્ડેક્સમાં હેવીવેઇટ ધરાવતા એચડીએફસી બેન્કનો શેર તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો પછી બુધવારે આઠેક ટકા નીચી સપાટીએ પછડાતા બજારના માનસ પર ખૂબ જ ખરાબ અસર થઇ હતી. આ શેર ગુરુવારે વધુ ત્રણેક ટકા પટકાયો હોવાથી કુલ ૧૧ ટકા જેવો ઘટાડો નોંધાયો છે.

આ બેન્કના ચોખ્ખા નફામાં ૩૪ ટકા વધારો હોવા છતાં, લોન વૃદ્ધિ અને ટોચના બ્રોકિંગ હાઉસના માર્જિન અંગેના નકારાત્મક દૃષ્ટિકોણથી હતોત્સાહિત થયા હતા. બજારના જાણકારો અનુસાર બૅન્કનો ક્રેડિટ/ડિપોઝીટ (સીડી) રેશિયો આરબીઆઈના કમ્ફર્ટ લેવલની બહાર છે.

જોકે, આ સ્થિતિ મોટાભાગની અન્ય બૅન્કોની પણ છે. બજાર અને નિષ્ણાતો એવી ધારણા બાંધે છે કે, જો બૅન્કો આક્રમક ડિપોઝિટ મોબિલાઇઝેશન કરશે અથવા તો ધિરાણ વૃદ્ધિની ઝડપ ઘટાડશે, અથવા બંને અજમાવશે માર્જિન પર દબાણ આવી શકે છે. જો આવું થાય તો આ સેક્ટરની કેટલીક બૅન્કોને ડી-રેટિંગ તરફ ધકેલાઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…